બરોડા ક્રિકેટ એસો. ચૂંટણી વિવાદમાં વચગાળાની વ્યવસ્થા યથાવત
વચગાળાની વ્યવસ્થા ન જળવાય તો કન્ટેમ્પ્ટનો રસ્તો-સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશન હોવાથી હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મધ્ય જુલાઈમાં સુનાવણી થાય તેવી શક્યતાઓ
- અરજદારોનો આક્ષેપ: કિરણ મોરે અને અન્ય ત્રણ ઉમેદવારો આ નિયમો અંતર્ગત અયોગ્ય ઠરતા હોવા છતાં, તેઓએ પ્રમુખ, સેક્રેટરી કે ખજાનચી જેવા મહત્વના પદો માટે ઉમેદવારી પત્રો ભર્યા હતા.
અમદાવાદ, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઈકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેન્ચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓની જરૂર પડતા અપીલકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે.
જો કે, સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશન હોવાથી હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મધ્ય જુલાઈમાં સુનાવણી થાય તેવી શક્યતાઓ છે. જેથી હાઈકોર્ટમાં આ મામલે ચોથી ઓગસ્ટના રોજ સુનાવણી રાખવામાં આવી છે ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે અને હાઈકોર્ટે કહ્યું છે કે, જો વચગાળાની વ્યવસ્થાનો દુરૂપયોગ થતો હોય તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરવાનો વિકલ્પ છે.
આ દરમિયાન કેટલાક પક્ષકારો દ્વારા માંગ કરવામાં આવી હતી કે જે પોસ્ટ વિવાદિત છે તેના સિવાયની પોસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવે. આ મામલે પ્રમુખ સેક્રેટરી અને ખજાનચીની પોસ્ટ વિવાદમાં છે ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ પોસ્ટ વિનાની કોઈ પણ બોડી હૃદય, માથું અને ફેફસાં વગરના શરીર જેવી હશે.
વળી એક વખત પરિણામ જાહેર થયા બાદ હોદ્દેદાર ત્રણ વર્ષ સુધી જ હોદ્દા ઉપર રહી શકે છે ત્યારે જો આ અરજી વધુ સમય ચાલી તો તેમને જ નુકસાન જશે. પક્ષકારોએ વચગાળાના વ્યવસ્થાપકો દ્વારા કોર્ટના હુકમના દુરૂપયોગ કરીને કામગીરી કરાઈ રહી હોવાના આક્ષેપ ઉપર કોર્ટે કન્ટેમ્પટ અરજીનો રસ્તો ખુલ્લો હોવાનું જણાવ્યું હતું.
શું છે બરોડા ક્રિકેટ એસો. ચૂંટણીનો આખો વિવાદ?
-
જસ્ટિસ લોઢા સમિતિની ભલામણો: સુપ્રીમ કોર્ટે ક્રિકેટ વહીવટમાં સુધારા માટે નક્કી કરેલા નિયમો મુજબ, કોઈ પણ વ્યક્તિ રાજ્યના ક્રિકેટ એસોસિએશનમાં હોદ્દેદાર તરીકે સતત બે ટર્મ (૬ વર્ષ) પૂર્ણ કરે, તો તેણે ફરજિયાત ૩ વર્ષનો ‘કુલિંગ ઓફ પીરિયડ’ (બ્રેક) ભોગવવો પડે છે.
-
૯ વર્ષની મર્યાદા: આ ઉપરાંત, ક્રિકેટ બોડીમાં કોઈપણ વ્યક્તિનો કુલ સંચિત કાર્યકાળ (Cumulative Tenure) ૯ વર્ષથી વધુ ન હોવો જોઈએ.
-
અરજદારોનો આક્ષેપ: કિરણ મોરે અને અન્ય ત્રણ ઉમેદવારો આ નિયમો અંતર્ગત અયોગ્ય ઠરતા હોવા છતાં, તેઓએ પ્રમુખ, સેક્રેટરી કે ખજાનચી જેવા મહત્વના પદો માટે ઉમેદવારી પત્રો ભર્યા હતા.
જાન્યુઆરી 2026 માં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અરજદારોએ આ ચારેય ઉમેદવારોના ફોર્મ સામે ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત વાંધાઓ રજૂ કર્યા હતા. જોકે, ચૂંટણી અધિકારીએ આ વાંધા અરજીઓ પર કોઈ કાનૂની નિર્ણય લીધા વગર કે સુનાવણી આપ્યા વગર જ સીધી ઉમેદવારોની ‘આખરી યાદી’ (Final List) જાહેર કરી દીધી. આના કારણે વિવાદ વધુ વકર્યો અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો.
