હિંમતનગરના ઇલોલના હત્યાકેસમાં બે આરોપીને ફાંસીની સજા
એકને સાત વર્ષની કેદ
વર્ષ ૨૦૨૩માં સલૂન સંચાલકને પૈસા લેવા બોલાવી સલૂનમાં લઈ જઈ હત્યા કરાઇ હતી
હિંમતનગર,હિંમતનગરના ઈલોલમાં ત્રણ વર્ષ અગાઉ હેરકટિંગ સલૂન ભાડે આપ્યા બાદ ભાડે આપનારને પૈસા આપવાના બહાને ઈલોલ બોલાવી સલૂનમાં જ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી હત્યા કર્યાની ફરીયાદ તત્કાલિન સમયે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેની તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ હિંમતનગર ડીસ્ટ્રીકટના જજની કોર્ટમાં રજુ કરાઈ હતી ત્યારબાદ ગુરૂવારે સુનાવણી થતાં ન્યાયાધિશ તથા બંને પક્ષના વકીલોએ જેલમાં રહેલા ત્રણ શકમંદો સાથે ઓનલાઈન કેસ ચલાવી સુનાવણી પૂર્ણ કરી હતી જેમાં ન્યાયાધિશે બંને પક્ષોના વકીલોની દલીલો અને પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ બે આરોપીઓને ફાંસની સજા અને એકને સાત વર્ષની સજા ફટકારી હતી.
આ અંગે સરકારી વકીલ હિરેન ત્રિવેદીના જણાવાયા મુજબ અકબર અબ્દુલ સલામ સાની (રહે.કીરતપુર, ઉત્તરપ્રદેશ) ઈલોલમાં રહેતા હોવાથી તેમણે મોહંમદ નદીમ અંસારીને ઈલોલમાં આવેલી પેરીસ હેરકટિંગ સલૂન કોન્ટ્રાકટ પર રૂ.૧.પ૦ લાખ લઈ ભાડે આપી હતી. તે પછી પૈસાની ઉઘરાણી કરવા છતાં કોન્ટ્રાકટ રાખનાર મોહંમદ નદીમ અંસારી વાયદા કરતો હતો. દરમિયાન ગત ૧૧ માર્ચ ૨૦૨૩ના રોજ મોહમદ નદીમ અંસારી, શેહબાજ અહેમદ મોહંમદ મુલતાની (અંસારી) અને પરવેઝ મુશરફ નૈસાનહુસેન અંસારીએ અકબર સાનીને એક બાળકિશોરને સાથે રાખી ઈલોલ બોલાવ્યા હતા.આ બાળકિશોર સિવાય ત્રણેય જણાએ પૈસા આપવાના બહાને અકબર સાનીને ઈલોલમાં આવેલી હેરકટિંગ સલૂનમાં બોલાવી અકબર સાનીને ફેસવોશ લગાવી દીધો હતો.
તે પછી આ ત્રણેય જણાએ અકબર સાનીને કાતર અને અશ્ત્રાથી ગરદનના ભાગે હુમલો કરી હત્યા કરી નાખી હતી. હત્યાને છુપાવવા માટે અકબર સાનીની લાશને દાવડ જતા રોડ પર આવેલી ધામણી નદીના પુલ પરથી ફેંકી દીધી હતી. આ ત્રણ જણાએ હેરકટિંગ સલૂનમાં આવી પુરાવાનો નાશ કરવાના આશયથી કપડાં સહિત અન્ય ચીજવસ્તુઓ ઈલોલથી કનાઈ જતા રોડ પર આવેલ રેપડી માતાના મંદિર પાસેની નદીમાં પુરાવાનો નાશ કરી દીધો હતો. તા.૧૪ માર્ચ ર૦ર૩ના રોજ મોહંમદ નદીમે તપાસને ગેરમાર્ગે દોરવા અકબર સાની ગુમ થયાની જાણ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કરી દીધી હતી.
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મૃતક અકબર સાનીનો મિત્ર તારીકે લાશને ઓળખી બતાવી હતી જે આધારે મૃતકનું પીએમ અને એફએસએલમાં કેટલાક પુરાવા મોકલી આપ્યા હતા. અકબર સાનીની ઘાતક હથિયારોથી હત્યા કરાઈ હોવાનું ફલીત થયું હતું. તત્કાલિન સમયે હિંમતનગર ગ્રામ્ય પોલીસે સમગ્ર ગુનાની તપાસ કરીને તેની ચાર્જશીટ હિંમતનગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ કે.આર.રબારીની કોર્ટમાં રજૂ કરી હતી.
સંવેદનશીલ કેસની સુનાવણી ગુરુવારે હાથ ધરાઈ હતી જેમાં બંને પક્ષના વકીલો અને ન્યાયાધિશે હિંમતનગર સબજેલમાં રખાયેલા ત્રણેય શકમંદોને કેમેરાના માધ્યમથી હાજર રાખીને સુનાવણી કરી હતી. જ્યાં ન્યાયાધિશે બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ હત્યામાં સંડોવાયેલા મોહંમદ નદીમ અંસારી, શેહબાજ અહેમદ મોહંમદ મુલતાની (અંસારી)ને ફાંસીની સજા અને પરવેઝ મુશરફ નૈસાનહુસેન અંસારીને સાત વર્ષની સજાનો હુકમ કર્યાે હતો.SS1
