Western Times News

Gujarati News

હાઉસ ઓફ ધ ડ્રેગનની સીરીઝની ત્રીજી સીઝન ૨૧ જૂનથી આવશે

અભિનેતા અને પાત્ર બંને માટે આ ખૂબ મુક્તિદાયક અનુભવ છે. ડેમન ફરી યુદ્ધ અને સંઘર્ષના માહોલમાં જોવા મળશે

હું નહોતો ઇચ્છતો કે ડેમન સુપરહીરો બની જાય મેટ સ્મિથ

મુંબઈ,લોકપ્રિય ફેન્ટસી સિરીઝ ‘હાઉસ ઓફ ધ ડ્રેગન’ની ત્રીજી સીઝનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન ડેમન ટાર્ગેરિયનની ભૂમિકા ભજવનારા અભિનેતા મેટ સ્મિથે પોતાનાં પાત્ર અને તેના વિકાસ અંગે રસપ્રદ વાતો કરી છે. તેણે જણાવ્યું કે શરૂઆતમાં નિર્માતાઓ ડેમનને સુપરહીરો જેવી છબી આપવા માગતા હતા, પરંતુ તેણે તેનો વિરોધ કર્યાે હતો. ‘ગેમ ઓફ થ્રોન્સ’ની દુનિયામાં ડેમન ટાર્ગેરિયન સૌથી લોકપ્રિય પાત્રોમાંથી એક બની ગયો છે. તેની નિર્ભીકતા, યુદ્ધકૌશલ્ય અને જટિલ વ્યક્તિત્વને કારણે તે દર્શકોનો ફેવરિટ રહ્યો છે.

સીઝન ૧માં ડેમન એક શૂરવીર યોદ્ધા તરીકે જોવા મળ્યો હતો, જ્યારે સીઝન ૨માં તે મોટા ભાગનો સમય હેરેનહોલમાં માનસિક બીમારીઓ અને ભ્રમ વચ્ચે વિતાવતો જોવા મળ્યો હતો, જેને લઈને કેટલાક ચાહકોએ નિરાશા વ્યક્ત કરી હતી. હવે સીઝન ૩માં ડેમન ફરી યુદ્ધમાં પરત ફરશે. આ અંગે મેટ સ્મિથે કહ્યું, “અભિનેતા અને પાત્ર બંને માટે આ ખૂબ મુક્તિદાયક અનુભવ છે. ડેમન ફરી યુદ્ધ અને સંઘર્ષના માહોલમાં જોવા મળશે, જે તેના સ્વભાવને વધુ અનુરૂપ છે. ડેમન ભલે થોડો આત્મચિંતનના તબક્કામાંથી પસાર થયો હોય, પરંતુ હિંસા સાથે તેનો એક પ્રકારનો જન્મજાત સંબંધ છે. જો તેને લડવાની તક ન મળે તો તે ચીડચીડો અને અસ્વસ્થ બની જાય છે.”

મેટ સ્મિથે વધુમાં ખુલાસો કર્યાે કે સીઝન ૧ના ત્રીજા એપિસોડની શરૂઆતના એડિટમાં ડેમનને લગભગ સુપરહીરોની જેમ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને લાગ્યું કે આ પાત્રની મૂળભૂત ઓળખ સાથે સુસંગત નથી. તેણે જણાવ્યું, “જ્યારે મેં તે એપિસોડનો પહેલો કટ જોયો, ત્યારે ડેમનને લગભગ સુપરહીરો બનાવી દેવામાં આવ્યો હતો. મેં તરત જ કહ્યું કે એવું ન હોવું જોઈએ. હિંસા પાગલપનભરી, કઠોર, અજીબ અને બદલો લેતી હોવી જોઈએ. એ જ ડેમનની દુનિયા છે.” તેના મતે ડેમનનું પાત્ર તેની ખામીઓ, ઉગ્રતા અને આંતરિક સંઘર્ષાેને કારણે જ રસપ્રદ બને છે. ‘હાઉસ ઓફ ધ ડ્રેગન’ની ત્રીજી સીઝન ૨૧ જૂનથી HBO અને HBO Max પર પ્રીમિયર થશે. ભારતમાં દર્શકો આ સિરીઝ જિયોહોટસ્ટાર પર જોઈ શકશે. આઠ એપિસોડ ધરાવતી સીઝન ૩નો અંત ૯ ઓગસ્ટે આવશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.