ગુજરાતમાં રૂ. 493 કરોડની આદિપુર–ભુજ ડબલિંગ યોજનાને રેલવેની મંજૂરી
પ્રતિકાત્મક
કચ્છ વિસ્તારમાં રેલ સંપર્ક અને ક્ષમતા વિસ્તારને મળશે નવી દિશા
બંને દિશાઓમાં પ્રતિદિન બે વધારાની યાત્રી રેલ સેવાઓના સંચાલનનો માર્ગ મોકળો થશે
ડબલ લાઇનથી દર વર્ષે 12 મિલિયન ટન વધારાનું માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સંપર્કને મજબૂતી મળશે
ભારતીય રેલવેએ ગુજરાતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચરના મજબૂતીકરણ અને ક્ષમતા વૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા પશ્ચિમ રેલવેના આદિપુર–ભુજ રેલખંડ (49 કિ.મી.)ના ડબલિંગ કાર્યને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે.
મંડલ રેલ પ્રબંધક (DRM) અમદાવાદ શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે આ યોજના ભારતીય રેલવે દ્વારા નેટવર્ક ક્ષમતાના વિસ્તાર માટે ચલાવવામાં આવી રહેલા ડબલિંગ, ટ્રિપલિંગ અને અન્ય આધારભૂત સંરચના વિકાસ કાર્યક્રમો હેઠળ મંજૂર કરવામાં આવી છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ આ રેલખંડના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ સંપર્ક અને સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ભવિષ્યમાં યાત્રી અને માલ પરિવહનની વધતી માંગને પૂર્ણ કરવામાં મદદ મળશે.
વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી ક્ષમતા વિસ્તાર
ગાંધીધામ–નલીયા કોરિડોર પર સ્થિત આદિપુર–ભુજ ખંડ હાલમાં સિંગલ રેલ લાઇન છે. ક્ષેત્રમાં ચાલી રહેલી વિવિધ રેલવે યોજનાઓ પૂર્ણ થયા બાદ આ માર્ગ પર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. તેમાં ભુજ– નલીયા ગેજ પરિવર્તન, નલીયા–વાયોર લાઇન વિસ્તાર તેમજ નલીયા–જખાઉ, વાયોર–લખપત અને દેશલપર–લૂણા નવી રેલ લાઇન યોજનાઓનો સમાવેશ થાય છે.
આ યોજનાઓ પૂર્ણ થયા પછી ભુજ–આદિપુર ખંડ પર વધારાના યાત્રી અને માલ ટ્રાફિકનું દબાણ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ રેલખંડના ડબલિંગને મંજૂરી આપવામાં આવી છે. આથી ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે–સાથે સંચાલન કાર્યક્ષમતામાં સુધારો થશે.
યાત્રી અને માલ પરિવહનને મળશે લાભ
આ યોજના પૂર્ણ થયા બાદ બંને દિશામાં પ્રતિદિન બે વધારાની યાત્રી રેલ સેવાઓ શરૂ કરી શકાશે, જેના કારણે વિસ્તારના મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી અને પ્રવાસ સુવિધાઓ મળશે.
ડબલ લાઇનના નિર્માણથી દર વર્ષે વધારાના 12 મિલિયન ટન (MTPA) માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે પશ્ચિમ ગુજરાતમાં લોજિસ્ટિક્સ વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને ઔદ્યોગિક વિસ્તારોને વધુ સારો રેલ સંપર્ક પ્રાપ્ત થશે .
ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ ક્ષમતા વિસ્તાર
હાલમાં આ રેલખંડની લાઇન ક્ષમતા ઉપયોગિતા સતત વધી રહી છે અને વર્ષ 2029-30 સુધીમાં તે 123 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. તેથી સમયસર ક્ષમતા વિસ્તાર કરવો અત્યંત આવશ્યક બની ગયો છે. ડબલિંગ યોજના દ્વારા રેલ માર્ગ પરની ભીડમાં ઘટાડો થશે, સંચાલન સંબંધિત અવરોધો ઓછા થશે તેમજ ટ્રેન સેવાઓની સમયબદ્ધતા અને વિશ્વસનીયતામાં સુધારો થશે.
આ યોજનાથી મુસાફર અને માલ પરિવહનમાં વૃદ્ધિ થવાથી ભારતીય રેલવેની આવકમાં પણ વધારો થશે તેમજ કચ્છ વિસ્તારના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.
આ યોજનાની મંજૂરી સાથે ભારતીય રેલવે ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ આધુનિક અને સક્ષમ રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા, સંપર્ક વધારવા તથા રાષ્ટ્રીય રેલ નેટવર્કની ક્ષમતામાં સતત વધારો કરવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહી છે.
