ગ્રીન કોરિડોર બનાવી 24 વર્ષીય બ્રેઈન ડેડ યુવતીના અંગો સમયસર અમદાવાદ સિવિલ પહોંચાડાયા
કાજલબેનના નિધન પર દુઃખ વ્યક્ત કરી પરિવારના અંગદાનના નિર્ણયને સલામ કર્યા
ગ્રીન કોરિડોર થકી સમયસર અંગોને અમદાવાદ સિવિલ પહોંચાડવાની કામગીરી સાથે સંકળાયેલા હોસ્પિટલ અને પોલીસ સ્ટાફને પાઠવ્યા અભિનંદન
-
ગાંધીનગરની ૨૪ વર્ષની દીકરી કાજલે આપ્યું બીજા લોકોને નવજીવન: પરિવારે લીધો અંગદાનનો મોટો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા સલામ!
-
મોત સામે પણ જીતી ગઈ માનવતા: બ્રેઈન ડેડ કાજલબેનના અંગો બચાવશે દર્દીઓનો જીવ, ગાંધીનગર-અમદાવાદ પોલીસે ઊભો કર્યો સ્પેશિયલ ગ્રીન કોરિડોર
-
દીકરી કાજલના અકાળ અવસાન વચ્ચે પરિવારે દાખવી ભારે હિંમત: લિવર, કિડની અને સ્વાદુપિંડનું દાન કરી જગતને પ્રેરણા પૂરી પાડી
માનવતા અને ત્વરિત પોલીસ સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા, ગાંધીનગર પોલીસ દ્વારા ગુરૂવારે એક સફળ ગ્રીન કોરિડોરનું આયોજન કરીને એક બ્રેઈન ડેડ યુવતીના અમૂલ્ય અંગોને સમયસર અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. Gandhinagar Organ Donation
જી.એમ.ઇ.આર.એસ. (GMERS) જનરલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સારવાર હેઠળ રહેલી ૨૪ વર્ષીય યુવતી કાજલબેન કિસ્મતભાઈ રાઠોડને તબીબો દ્વારા ગુરુવારે ‘બ્રેઈન ડેડ‘ જાહેર કરવામાં આવ્યા હતા. આ કપરા સમયે પણ કાજલબેનના પરિવારે ભારે હૃદયે માનવતા દાખવીને તેમના અંગદાન માટેની લેખિત સહમતી આપી હતી. કાજલબેનના શરીરના મહત્વના અંગો જેવા કે બે કિડની, સ્વાદુપિંડ (પેનક્રિયાસ) અને લિવર અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપી શકે તેમ હોવાથી, તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવાનું નક્કી કરાયું હતું.
આ અમૂલ્ય અંગોને ઓપરેશન થિયેટર સુધી ઝડપથી પહોંચાડવા માટે સમય ખૂબ જ કિંમતી હોઈ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને ગ્રીન કોરિડોર આપવા અંગે જાણ કરવામાં આવી હતી. આ અંગો લઈ એમ્બ્યુલન્સ રવાના થઈ હતી. ગાંધીનગર પોલીસ વડાશ્રીની સૂચનાથી ગાંધીનગર અને અમદાવાદ શહેરના સમગ્ર રૂટ પર આવતા તમામ પોલીસ સ્ટેશનોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા. બંને શહેરોની પોલીસે અરસપરસ અદભુત સંકલન જાળવીને સમગ્ર રૂટ પર ટ્રાફિક ક્લિયર રાખ્યો હતો, જેના કારણે એમ્બ્યુલન્સ વિના અવરોધે અને નિયત સમય મર્યાદામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી શકી હતી.
આ પ્રેરણાદાયી અને સંવેદનશીલ ઘટના અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ દીકરી કાજલબેનના અકાળ અવસાન અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના પ્રગટ કરી હતી. તેમણે આ કપરી પરિસ્થિતિમાં પણ સમાજ કલ્યાણ અર્થે અંગદાન જેવો મહાન અને હિંમતભર્યો નિર્ણય લેવા બદલ પરિવારના સભ્યોને આદરપૂર્વક સલામ કરી હતી.
ગ્રીન કોરિડોર પૂરું પાડી, અદ્દભુત સંકલન થકી અત્યંત ટૂંકા ગાળામાં અને સમયસર અંગોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી સુરક્ષિત પહોંચાડવાની આ સમગ્ર કામગીરી સાથે સંકળાયેલા હોસ્પિટલના તબીબી સ્ટાફ તેમજ ગાંધીનગર અને અમદાવાદ પોલીસ સ્ટાફના અધિકારીઓ-જવાનોને નાયબ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા છે.
