Western Times News

Gujarati News

હોલિવૂડમાં કામ કરવું હોય તો ઓડિશન આપતાં શરમાશો નહીં : અલી ફઝલ

ભારતીય કલાકારો માટે હોલિવૂડમાં સ્થાન બનાવવું સરળ નથી

અલી ફઝલે ૨૦૦૮માં ફિલ્મ ‘ધ અધર એન્ડ ઓફ ધ લાઇન’માં નાના રોલથી હોલિવૂડમાં પ્રવેશ કર્યાે હતો

મુંબઈ, ભારતીય કલાકારો માટે હોલિવૂડમાં સ્થાન બનાવવું સરળ નથી, પરંતુ અલી ફઝલે પોતાની આંતરરાષ્ટ્રીય સફરના અનુભવના આધારે આ સલાહ આપી છે. હોલિવૂડમાં સફળ કારકિર્દી બનાવનારા ગણતરીના ભારતીય કલાકારોમાં સામેલ અલીનું માનવું છે કે પશ્ચિમી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ મેળવવા માટે સૌથી અગત્યની બાબત છે – ઓડિશન આપવાની તૈયારી.તાજેતરમાં પોતાની નવી ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ ‘રાખ’નાં પ્રમોશન માટે દિલ્હીમાં પહોંચેલા અલી ફઝલે એક ઇન્ટરવ્યુ દરમિયાન હોલિવૂડમાં કામ કરવાની પ્રક્રિયા અંગે વાત કરી હતી.

અલીએ કહ્યું, “ઓડિશન આપતાં ક્યારેય શરમાવું નહીં. તે એક કલાકાર માટે સૌથી નમ્ર બનાવનારો અનુભવ છે. ઘણા કલાકારોને એવું લાગે છે કે તેઓ હોલિવૂડ જશે, કોઈ મોટી એજન્સી સાથે જોડાશે અને પછી તેમની કારકિર્દી શરૂ થઈ જશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી સંપૂર્ણ અલગ છે.”તેણે વધુમાં સમજાવ્યું કે હોલિવૂડમાં પહેલાં કલાકારે ઓડિશન પાસ કરીને કોઈ ભૂમિકા મેળવવી પડે છે. “એક વખત તમે યોગ્ય ભૂમિકા મેળવો, પછી એજન્સીઓ તમારી પાસે આવે છે. ભારતમાં ઘણી વખત કલાકારો પહેલા કોઈ મેનેજમેન્ટ અથવા પ્રોડક્શન હાઉસની ‘છત્રછાયા’ હેઠળ આવે છે અને પછી તકની રાહ જુએ છે, જ્યારે હોલિવૂડમાં સિસ્ટમ અલગ રીતે કામ કરે છે.”

અલી ફઝલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તેણે ૨૦૦૮માં ફિલ્મ ‘ધ અધર એન્ડ ઓફ ધ લાઇન’માં નાના રોલથી હોલિવૂડમાં પ્રવેશ કર્યાે હતો. ત્યારબાદ તે અમેરિકન મિનિસિરીઝ ‘બોલિવૂડ હીરો’માં જોવા મળ્યો હતો. તેને વૈશ્વિક ઓળખ ૨૦૧૫ની હોલિવૂડ બ્લોકબસ્ટર ‘ફ્યુરિયસ ૭’માં કેમિયો બાદ મળી. ત્યારબાદ ૨૦૧૭માં તેણે ઓસ્કાર વિજેતા અભિનેત્રી જુડી ડેન્ચ સાથે ફિલ્મ ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’માં અબ્દુલ કરીમની ભૂમિકા ભજવી હતી, જે તેની કારકિર્દીનો સૌથો મોટો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ માનવામાં આવે છે.આ ઉપરાંત તે ‘ડેથ ઓન ધ નાઇલ’ (૨૦૨૨) અને ‘કંધાર’ (૨૦૨૩) જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. અલીનું માનવું છે કે સતત ઓડિશન આપવાની અને વિવિધ પ્રકારની ભૂમિકાઓ સ્વીકારવાની તૈયારી જ તેની સફળતાનું મુખ્ય કારણ રહી છે.

આ દરમિયાન અલીએ પોતાની નવી સિરીઝ ‘રાખ’ વિશે પણ વાત કરી હતી, જેમાં તે પ્રથમ વખત પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે. આ પાત્ર માટે લાંબી તૈયારી વિશે તેણે જણાવ્યું, “મેં ઘણી વર્કશોપ્સ અને સ્ક્રિપ્ટ રીડિંગ્સ કર્યા. પોલીસ અધિકારીઓ દુનિયાને કેવી રીતે જુએ છે તે સમજવું મારા માટે ખૂબ જરૂરી હતું. યુનિફોર્મ પહેરવાનો અનુભવ પણ ખાસ રહ્યો. હું સતત વિચારી રહ્યો હતો કે કોસ્ટ્યૂમ ટ્રાયલ ક્યારે થશે. પરંતુ જ્યારે પહેલો દિવસ આવ્યો ત્યારે મને લાગ્યું કે કંઈક યોગ્ય રીતે ફિટ થતું નથી. ધીમે ધીમે આ પાત્રને સમજવાની અને તેને ઘડવાની પ્રક્રિયા એક પઝલ જેવી રહી.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.