Western Times News

Gujarati News

‘વેલકમ ટુ ધ જંગલ’માં સૌથી મોટો પડકાર હસવું રોકી રાખવાનો હતો : સુનીલ શેટ્ટી

ફિલ્મ ૨૬ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે

ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટ્ટની, જેકલીન ફર્નાન્ડિઝ, અર્શદ વારસી, જેકી શ્રોફ સહિત અનેક કલાકારો હશે

મુંબઈ, લાંબા સમયથી રાહ જોવાય છે એવી બોલિવૂડની કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સ્ટાર્સની લાંબી ફોજ જોવા મળશે અને હવે અભિનેતા સુનીલ શેટ્ટીએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના રસપ્રદ અનુભવો શેર કર્યા છે.સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે ફિલ્મમાં એક્શન કરતાં વધુ મુશ્કેલ કામ શૂટિંગ દરમિયાન હસવું રોકી રાખવાનું હતું. તેણે કહ્યું, “આ એક એક્શન-કોમેડી અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ છે. પરંતુ અહીં પ્રશ્ન એક્શનનો નહોતો. સૌથી મોટો પડકાર એ હતો કે આવા માહોલમાં ગંભીર ચહેરો કેવી રીતે રાખવો.

જ્યારે કોઈ સહ-કલાકાર પંચલાઇન બોલતો, ત્યારે બધા હસવા લાગી જતાં અને શોટ કટ કરવો પડતો.”સુનીલ શેટ્ટીએ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની વિશાળ સ્ટારકાસ્ટને ગણાવી. તેણે જણાવ્યું કે આજકાલ ઘણા કલાકારો મલ્ટી-સ્ટારર ફિલ્મોમાં કામ કરતી વખતે અસુરક્ષાની લાગણી અનુભવે છે, પરંતુ તે આ વિચાર સાથે સહમત નથી. તેણે કહ્યું, “આ ફિલ્મ કોઈ એક વ્યક્તિની નથી. આ ૨૫થી ૩૦ ધુરંધર કલાકારોની ફિલ્મ છે. તેની સૌથી મોટી મજા અને હાઈપ પણ એ જ છે. દરેક કલાકારનું પોતાનું ફૅન ફોલોવિંગ છે અને અમે બધા મળીને આ ફિલ્મને આગળ લઈ જઈશું.

”યુવા કલાકારોને સંદેશ આપતાં તેમણે ઉમેર્યું, “આજકાલ બે કે વધુ હીરોવાળી ફિલ્મોમાં કામ કરતી વખતે ઘણા કલાકારો અસુરક્ષા અનુભવતા હોય છે. પરંતુ હકીકતમાં તમારી સુરક્ષા તો આવી ફિલ્મોમાં જ છે, જ્યાં તમે સાથે મળીને દર્શકોનું મનોરંજન કરો છો. જ્યારે કલાકારો એકબીજાને સપોર્ટ કરે છે ત્યારે ફિલ્મ સફળ બને છે. એક અભિનેતા માટે સૌથી મોટી અસુરક્ષા નિષ્ફળતા હોવી જોઈએ, સફળતા નહીં.”

અહેમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટ્ટની, જેકલીન ફર્નાન્ડિઝ, અર્શદ વારસી, જેકી શ્રોફ, પરેશ રાવલ, રવીના ટંડન, લારા દત્તા, ફરીદા જલાલ, જોની લીવર, શ્રેયસ તળપદે, તુષાર કપૂર, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, દલેર મહેંદી, આફતાબ શિવદાસાની અને ઉર્વશી રૌતેલા સહિત અનેક જાણીતા કલાકારો જોવા મળશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.