5 વર્ષની બાળકીનું અપહરણ કરી ઝારખંડ ભાગતી મહિલા ઝડપાઈ
-
અમદાવાદથી બનાસકાંઠા: ગણતરીના કલાકોમાં આ રીતે થયો હેમખેમ છુટકારો!
-
બનાસકાંઠા LCBની ફિલ્મી સ્ટાઈલ નાકાબંધી: ગુજરાત સરહદે લક્ઝરી બસ આંતરીને અપહૃત બાળકીને મુક્ત કરાવાઈ, કાળીમાટી વિસ્તારનો સનસનીખેજ કિસ્સો
અમદાવાદ, શહેર કોટડા વિસ્તારમાંથી અપહરણ કરાયેલી પાંચ વર્ષની બાળકીનો બનાસકાંઠા એલસીબીની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં જ હેમખેમ છુટકારો કરાવવામાં આવ્યો છે. આરોપી મહિલા બાળકીને ગુજરાતની સરહદ પાર કરીને ઝારખંડ લઈ જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ રાજ્ય બહાર લઈ જવાય તે પહેલાં જ અમીરગઢ-આબુરોડ હાઈવે પર પોલીસે તેને ઝડપી પાડી હતી.
મળતી માહિતી મુજબ, સરસપુરના પતરાવાળી મસ્જિદ પાસે રહેતા અને મૂળ બિહારના વતની સિકંદર નટના પરિવારની પાંચ વર્ષની દીકરી રાબિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું. રાબિયાના પિતા અબ્દુલ સિકંદર નટની પત્ની અને તેની મિત્ર સાહિબાખાતુન નટ વચ્ચે થયેલા ઝઘડાના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 137(2) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 84 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી મહિલા મૂળ ઝારખંડની રહેવાસી હોવાથી તે બાળકીને પોતાના વતન લઈ જવાની શક્યતા હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (આઈપીએસ), બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (આઈપીએસ) અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ચિંતન તૈરૈયા (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
રાજસ્થાન તરફ જતા તમામ સરહદી માર્ગો પર સઘન નાકાબંધી ગોઠવવામાં આવી હતી.એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીની ટીમોએ છાપીથી અમીરગઢ સુધી વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી એક ખાનગી લક્ઝરી બસને અમીરગઢ નજીક કાળીમાટી વિસ્તારમાં રોકી હતી.
બસની તપાસ દરમિયાન અપહરણકર્તા સાહિબાખાતુન શાહરૂખખાન નટ (રહે. સિમંડી, ભોકારો, ઝારખંડ)ને ઝડપી લેવામાં આવી હતી. તેના કબજામાંથી પાંચ વર્ષની અપહૃત બાળકી રાબિયાને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી મહિલાને વધુ તપાસ માટે અમદાવાદ શહેર કોટડા પોલીસને સોંપવામાં આવી છે. Rakhewal
