સ્ટેમ સેલ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓ સિકલ સેલના દર્દીઓ માટે નવી આશાનું કિરણ બની : ડૉ. યઝદી ઇટાલિયા
’વિશ્વ સિકલ સેલ દિવસ–૨૦૨૬’ નિમિત્તે ગાંધીનગરમાં “Closing the Survival Gap: Equity in Sickle Cell Disease” થીમ પર એક દિવસીય વર્કશોપનું આયોજન
Gandhinagar, સિકલ સેલ રોગ ગંભીર આનુવંશિક રક્તરોગ હોવા છતાં સમયસર તપાસ, કાઉન્સેલિંગ, નિયમિત સારવાર અને દર્દી શિક્ષણ દ્વારા તેની જટિલતાઓને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. આ ક્ષેત્રમાં સંશોધન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી દવાઓના સંશોધનની સાથે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને જિન એડિટિંગ જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓ દર્દીઓ માટે નવી આશાનું કિરણ બની રહી છે.
રાષ્ટ્રીય કાર્યક્રમના તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે દેશમાં સિકલ સેલના વધુ પ્રભાવ ધરાવતા રાજ્યોમાં અત્યાર સુધી ૭ કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. તેમાં ૨.૪૬ લાખથી વધુ સિકલ સેલ રોગગ્રસ્ત દર્દીઓ અને ૨૦ લાખથી વધુ સિકલ સેલ ટ્રેઇટ ધરાવતા વ્યક્તિઓની ઓળખ થઈ છે, તેમ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમના અગ્રણી નિષ્ણાત ડૉ. યઝદી ઇટાલિયાએ ગાંધીનગર ખાતે આયોજિત એક દિવસીય વર્કશોપમાં જણાવ્યું હતું.
‘વિશ્વ સિકલ સેલ દિવસ–૨૦૨૬’ની ઉજવણી અંતર્ગત પદ્મશ્રી વિજેતા ડૉ. યઝદી ઇટાલિયાની અધ્યક્ષતામાં તા. ૧૯ જૂનના રોજ ગાંધીનગર ખાતે “Closing the Survival Gap: Equity in Sickle Cell Disease” થીમ પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડૉ. ઇટાલિયાએ કહ્યું હતું કે, ગુજરાતે વર્ષ ૨૦૦૬માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વ્યાપક સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરીને દેશમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ગામડાં અને આદિવાસી વિસ્તારોમાં નિઃશુલ્ક સ્ક્રીનિંગ, વહેલું નિદાન, આનુવંશિક અને નૈતિક પરામર્શ, રસીકરણ, ફોલિક એસિડ અને હાઇડ્રોક્સીયુરિયા જેવી દવાઓની ઉપલબ્ધતા તેમજ નિયમિત ફોલોઅપ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષ ૨૦૦૬થી શરૂ થયેલા સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમની સફળતાઓ અને વર્ષ ૨૦૪૭ સુધી “સિકલ સેલ મુક્ત ભારત”ના રાષ્ટ્રીય મિશન અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરીએ સિકલ સેલ એનિમિયા નિયંત્રણ અને જાગૃતિ ક્ષેત્રે ગુજરાત ટ્રાઈબલ રિસર્ચ અને ટ્રેનિંગ સોસાયટી – TRI એ કરેલી વિવિધ કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. શ્રી ભાવેશભાઈ રાયચાએ પ્રેઝન્ટેશન દ્વારા આ કાર્યક્રમની વિસ્તૃતમાં રૂપરેખા આપી હતી.
આદિવાસી વિકાસ વિભાગ દ્વારા બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે આયોજિત આ વર્કશોપમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તબીબી અધિકારી ડૉ. નઈમ ઘાંચી, ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના અધિકારી ડૉ. દેવચંદભાઈ વહોનીયા, ડૉ. તેજલબેન અધ્વર્યુ, રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાઓમાંથી આવેલા સામુદાયિક કાર્યકરો, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો સહિત ૫૦થી વધુ આદિજાતિ આર્ટિઝન અને પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.
