સુરત ખાડીપૂર બાદ જળમુક્ત કરવા મનપાએ અદ્યતન મશીનરીથી પાણી ઉલેચી નાખ્યું
૪૩૦ સ્થળોએ યુદ્ધના ધોરણે ૨૪૮ જેટલા હેવી હાઇ-પ્રેશર પમ્પ અને આધુનિક ડી-વોટરિંગ મશીનરી ગોઠવવામાં આવી હતી. -૧૧૧.૧૪ કરોડ લિટર પાણીનો નિકાલ કરાયો
(એજન્સી) સુરત, ભારે વરસાદ અને ખાડીઓના ઓવરફ્લો થવાને કારણે સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો લિટરલી દરિયામાં ફેરવાઈ ગયા હતા. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઝોનમાં ખાડીપૂરે ભારે તબાહી મચાવી હતી.
પૂરના પાણી ઓસર્યા બાદ પણ સેંકડો સોસાયટીઓ અને શોપિંગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં કરોડો લિટર પાણી ભરાયેલા રહેતા રોગચાળો અને સેન્ટ્રલ લાઈટિંગ સિસ્ટમ ઠપ્પ થવાનો મોટો ખતરો હતો. આ ભયજનક પરિસ્થિતિનો સામનો કરવા સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગે સંયુક્ત રીતે અત્યાર સુધીનું સૌથી મોટું કટોકટી ઓપરેશન હાથ ધર્યું હતું.
મનપાના ડેટા અનુસાર, સમગ્ર શહેરમાં કુલ ૪૩૦ જેટલા લોકેશન્સ એવા આઇડેન્ટિફાય કરાયા હતા જ્યાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા હતી. જેમાં ૧૧૭ જાહેર સ્થળો અને સરકારી માર્ગો, ૧૯૨ મધ્યમ અને ગરીબ વર્ગની રહેણાંક સોસાયટીઓ તેમજ ૧૦૨ હાઇરાઇઝ રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોના બેઝમેન્ટ (ભોંયરા) નો સમાવેશ થતો હતો.
આ તમામ ૪૩૦ સ્થળોએ યુદ્ધના ધોરણે ૨૪૮ જેટલા હેવી હાઇ-પ્રેશર પમ્પ અને આધુનિક ડી-વોટરિંગ મશીનરી ગોઠવવામાં આવી હતી. એન્જિનિયરો અને ટેકનિકલ સ્ટાફે ૨૪ કલાક સતત મોનિટરિંગ કરીને આ વિસ્તારોમાંથી કુલ ૧૧૧.૧૪ કરોડ લિટર પાણી પમ્પિંગ કરીને મુખ્ય ડ્રેનેજ લાઈનો અને આઉટલેટ્સમાં ઠાલવ્યું હતું.
આ મેગા ડ્રાઈવમાં સૌથી મોટો પડકાર બિલ્ડિંગોના ર્પાકિંગ અને બેઝમેન્ટમાં ભરાયેલા પાણીનો હતો, કારણ કે ત્યાં કુદરતી રીતે પાણી ઓસરવાનો કોઈ માર્ગ નહોતો. મનપાએ વિશેષ સક્શન મશીનો લગાવીને માત્ર આ બેઝમેન્ટ વિસ્તારોમાંથી જ ૧૦૦.૬૮ કરોડ લિટર પાણી બહાર ખેંચી કાઢ્યું હતું.
હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જો આ પાણીનો ત્વરિત નિકાલ ન કરાયો હોત તો બિલ્ડિંગોના પાયા નબળા પડવાની અને ચોમાસામાં ભયંકર મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના હતી. હાલ પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઝોનના મોટાભાગના વિસ્તારોને મનપાએ જળમુક્ત જાહેર કર્યા છે.
