Western Times News

Gujarati News

બાલાસિનોરમાં લાલપાણી, પ્રદૂષણ સર્જતી કંપની સામે ગુનો નોંધવા ખેડૂતોની માંગણી

ગાંધીનગરમાં જીપીસીબી ભવન સામે નાગરિકોનો હલ્લાબોલઃ મૌર્ય એન્વાયરમેન્ટને કારણે ખેતી, પશુ અને માનવજીવન રોગનો શિકાર થયાની ફરિયાદ

ગાંધીનગર, બાલાસિનોરથી કેમિકલયુકત ઝેરી પ્રદુષિત લાલ રંગનું પાણીની બોટલો સાથે અહીના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ- જીપીસીબી ભવન આવેલા નાગરિકોએ હલ્લાબોલ કર્યો હતો.

સોમવારની બપોરે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૪ ગામના પ૦થી વધુ ખેડૂતોએ જમિયતપૂરા ખાતે કેમિકલ ઉદ્યોગોના ઝેરી કચરાના ઠાલવવા માટે કાર્યરત મૌર્યા એન્વાયરમેન્ટ પ્રોજેકટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની ડમ્પિંગ સાઈટ સામે ગુનો નોંધીને તત્કાળ અસરથી પ્રદુષણ સર્જતી પ્રવૃતિને રોકવાની માંગણી કરી છે.

લાંબા સમયથી બાલાસિનોરના જમિયતપુરા અને તેની આસપાસના ૧પ થી ર૦ કિલોમીટરના વિસ્તારોમાં આઠેક ગામોના કૂવા, બોર અને તળાવોમાંથી લાલ રંગનું કેમિકલયુકત ઝેરી પાણી નીકળી રહ્યું છે. જેના કારણે ખેતરોમાં પાક બળી રહ્યો છે, જમીની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે અને પશુઓ આ પાણી પીએ તો તેમના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ ઉભુ થઈ રહ્યું છે. માત્ર પશુ કે ખેતી જ નહિ, સ્થાનિકો પણ હવે ચામડીના રોગો ફેલાઈ રહ્યા છે.

વિસ્તારમાં પાણીની સાથે અહસ્ય રાસાયણિક દુર્ગંધ ફેલાતી હોવાથી સ્થાનિક નાગરિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક સ્તરે કલેકટર સમક્ષ વારંવાર રજૂઆતો છતાંયે ઔદ્યોગિક કચરો, ઝેરી કેમિકલના ડમ્પિંગ માટે કાર્યરત સાઈટો મૌર્ય એન્વાયરમેન્ટ પ્રોજેકટ સામે કોઈ જ કાર્યવાહી ન થતા સોમવારની બપોરે છેક બાલાસિનોરથી ખેડૂતો ગાંધીનગરમાં જીપીસીબીની કચેરીએ આવી પહોંચ્યા હતા.

સ્થાનિક ગ્રામિણ નાગરિકોએ કહ્યું કે, લાલપાણીને કારણે પીવાના અને સિંચાઈના પાણીની ભયંકર કટોકટી સર્જાઈ છે. ઘાસચારાને અસર થઈ છે. ભૂગર્ભ જળ બગડ્યું છે. જીપીસીબી આ કંપનીને તત્કાળ બંધ કરાવે. તેના સંચાલકો સામે ઈકોલોજીકલ ક્રાઈમ હેઠળ ગુનો નોંધીને કડકમાં કડક કાર્યવાહી કરે.

આ તરફ જીપીસીબીએ બાલાસિનોરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના નમૂના એકત્ર કરીને તેનુ પૃથ્થકરણ કર્યું છે. જોકે સ્થાનિકોનો દાવો છે કે કંપની હાઈકોર્ટના આદેશનું પણ પાલન કરતી નથી. વારંવાર જીપીસીબી નમૂના લઈને તપાસ કરીને સામાન્ય નોટિસ આપીને માંડવાળ કરે છે. જેના કારણે જીવવુ દોહ્યલુ થઈ ગયું છે. જો ન્યાય નહી મળે તો અમે સૌ હિજરત કરીને ગાંધીનગરમાં ધામા નાંખીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.