Western Times News

Gujarati News

કોંગીની દાંડીયાત્રા ૨૬ દિનમાં ૩૮૬ કિમીનું અંતર કાપી લેશે

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી તા.૧૨ માર્ચથી યોજાવા જઇ રહેલી ઐતિહાસિક દાંડીયાત્રાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને દાંડીયાત્રાને રાષ્ઠ્રીય ફલક પર સફળ બનાવવા અને તેની નોંધ લેવાય તે માટે કોંગ્રેસ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોંગ્રેસની આ દાંડીયાત્રા ૨૬ દિવસમાં ૩૮૬ કિમીનું અંતર કાપશે. આ માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાથી લઇ અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી સહિતના નેતાઓને સમગ્ર રૂટની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કચેરી ખાતે દાંડીયાત્રાને લઇ મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના મોટાભાગના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી ૧૨ માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ કોંગ્રેસની દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે. અંગ્રેજ હકુમત સામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તા.૧૨ માર્ચે ૧૯૩૦ના દિવસે સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડીયાત્રા સ્વતંત્રતાની ચળવળમાં મહત્વની પૂરવાર થઈ હતી

ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ તા.૧૨ માર્ચે સાબરમતી સ્થિત ગાંધી આશ્રમથી ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરવાનું આયોજન હાથ ધર્યું છે. સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા પૂર્ણ કરીને યાત્રાનું પ્રસ્થાન થશે. જેમાં પ્રથમ દિવસ ઉપસ્થિત રહેનારા રાહુલ ગાંધી પ્રથમ દિવસે નવ કિલોમીટરની પદયાત્રા કરશે. કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી મોટી દાંડીયાત્રા યોજવાનું આયોજન ચાલી રહ્યું છે, જેમાં ખુદ કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જાડાય તેવી શકયતાઓ પ્રબળ છે. તો, માત્ર ગુજરાત જ નહી

પરંતુ દેશભરમાંથી કોંગ્રેસના મોટા નેતાઓ અને રાષ્ટ્રીય દિગ્ગજા હાજરી આપશે અને દાંડીયાત્રાને સફળ બનાવવા એડીચોટીનું જાર લગાવશે. આગામી તા.૧૨મી માર્ચના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત આવીને દાંડીયાત્રામાં સામેલ થઇ તાજેતરમાં દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે કોંગ્રેસ ગાંધીજીનો અહિંસાનો સંદેશ આપશે. તો રાહુલ ગાંધી સાથે આ દાંડીયાત્રામાં પ્રિયંકા ગાંધી પણ જોડાઈ શકે છે.

આ દાંડીયાત્રા કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી મોટી દાંડીયાત્રા હોય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે, જેને લઇ ગુજરાત કોંગ્રગેસ દ્વારા તડામાર તેયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. તા.૧૨ માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની કૂચ કરવામાં આવશે. જે રૂટ પર ગાંધીજીએ યાત્રા કાઢી હતી તે જ રૂટ પર આ યાત્રા નીકળશે.

કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં ભાજપની દુખતી રગો પર પ્રહાર કરશે. કોંગ્રેસ ભાજપના ગઢ એવા ગુજરાતમાં જ મોદી અને અમિત શાહને ઘેરવા માટે પ્લાન ઘડ્‌યો છે. જે અંતર્ગત ગુજરાતમાં દાંડીકૂચ યાત્રા કાઢશે. આ યાત્રામાં કોંગ્રેસના તમામ કદાવર નેતાઓ સાથે રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. કોંગ્રેસના મોટા નેતાઓ અને રાષ્ટ્રીય દિગ્ગજા આ દાંડીયાત્રામાં સામેલ થાય તેવી પૂરી શકયતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.