Western Times News

Gujarati News

બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર માટે રૂ.૧.૯૦ કરોડની જાગવાઈ

અમદાવાદ: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગની માંગણીઓ રજૂ કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં કુલ ૪૯૭ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ પૈકી વિજ્ઞાનને વધુ પ્રોત્સાહિત કરવા માટે નવી બાબતો અંતર્ગત ૧૩.૫૦ કરોડની ખાસ જોગવાઇ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં આજે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની માંગણીઓ બહુમતીથી મંજૂર કરવામાં આવી હતી.

સાયન્સ એન્ડ ટેકનોલોજીનો યોગ્ય વિકાસ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમના લક્ષ્યાંક સુધી લઈ જવાનો માર્ગ કંડારશે તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રને વધુ પ્રોત્સાહિત કરવા આગામી વર્ષ ૨૦૨૦-૨૧માં નવી બાબતો માટે કુલ ૧૩.૫૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર, નાસકોમ અને ગુજરાત સરકારના સહયોગથી આઈઆઈટી ગાંધીનગર ખાતે નવા સેન્ટર ફોર એકસેલન્સની રૂપિયા ૩ કરોડના ખર્ચે સ્થાપના કરવામાં આવશે.

ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ભવનના બાંધકામ માટે રૂપિયા ૧.૯૦ કરોડ તેમજ બાયોટેકનોલોજી ક્ષેત્રે વધુ સંશોધનને વેગ આપવા લેબોરેટરીને અદ્યતન બનાવવા કુલ રૂપિયા ૬.૬૫ કરોડના ખર્ચ પૈકી આ વર્ષે રૂપિયા ૫૦ લાખની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત સાયન્સ સીટીમાં પ્રથમ તબક્કાના કામો જેવા કે આઈમેક્સ, થ્રીડી થિયેટર, પ્લેનેટ અર્થ વગેરેના સમારકામ માટે કુલ રૂપિયા ૫૦ કરોડના ખર્ચ પૈકી આ બજેટમાં રૂપિયા ૭ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં ભૂકંપની આગોતરી જાણકારી માટે જીપીએસ નેટવર્કને અપગ્રેડ કરવા કુલ ૪.૫૦ કરોડના આયોજનમાંથી ૫૦ લાખની જોગવાઈ કરાઈ છે.

રાજ્યમાં પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમના નિભાવ માટે મહેકમ પાછળ કુલ રૃપિયા ૧ કરોડના આયોજનમાંથી રૂપિયા ૫૦ લાખ ફાળવવામાં આવ્યા છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ. મંત્રીએ રાજ્યના આગામી લક્ષ્યાંકોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, ૧૫ વર્ષની જરૂરિયાતને ધ્યાને લઈ સ્ટેટ ડેટા સેન્ટ૨નું નવું મકાન બનાવવા ૧૫ કરોડની જોગવાઈ કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.