Western Times News

Gujarati News

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરઃ આધુનિક વિજ્ઞાન વનબંધુઓના આંગણે

વિજ્ઞાનના સથવારે વિકસતા વિશ્વ સાથે વનબંધુ વિદ્યાર્થીઓ કદમ મિલાવવા તૈયાર- ધરમપુર સ્‍થિત જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ગાંધીનગર અને મુંબઇના વિજ્ઞાન કેન્‍દ્ર કરતા પણ અદ્યતન સુવિધાઓ, સેવાઓ અને ઉપકરણોથી સુસજ્જ

(લેખન-વૈશાલી જે પરમાર, વલસાડ)

 પ્રાકૃતિક સૌદર્યના ધામ સમા વલસાડમાં આવેલું ધરમપુર ઐતિહાસિક વારસાને જાળવીને બેઠું છે, તેનો આ વૈભવ ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં દૃષ્‍ટિગોચર થાય છે. ધરમપુરના ગૌરવને નવી ઊંચાઇ આપતું આધુનિક વિજ્ઞાન તીર્થ-જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર.

ભૂતકાળના વૈભવને કલા કસબના વારસાને આગળ વધારીને આધુનિક વિજ્ઞાન સાથે આજની પેઢીને જોડવાની કડીરૂપ ભૂમિકા ભજવતું આ જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર વિજ્ઞાન અને સંસ્‍કૃતિના સંગમ સમું બન્‍યું છે. સાયન્‍સ ટેકનોલોજી એન્‍જીનિયરીંગ અને મેથેમેટીકસનો નવતર અભિગમ STEM તરીકે જગ પ્રસિદ્ધ છે. તેમાં આજની દુનિયાને A-એટલે કે આર્ટસનો ઉમેરો કર્યા છે. ધરમપુર વિજ્ઞાન કેન્‍દ્રએ આ અભિગમને તેના પ્રારંભિક કાળથી જ લીધો હતો અને જગતની સાથે કદમ મિલાવવાની દુરદર્શિતા સાથેના અભિગમનો પરિચય પણ આપ્‍યો છે.

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના પ્રાંગણમાં પ્રવેશો એટલે એક નાનકડા સુંદર અરણ્‍યમાં પ્રવેશતા હોય તેવું લાગે. વિશાળ કદની ડોલની પ્રતિભા માત્ર એક રૂપિયાના સિક્કા જેટલી જગ્‍યામાં કેન્‍દ્ર બનાવીને ઘુમતી હોય ત્‍યાંથી શરૂ થતો વિજ્ઞાનનો ચમત્‍કાર તમને વિજ્ઞાનની આધુનિક દુનિયામાં લઇ જાય છે. વિજ્ઞાનના રહસ્‍યો, રોમાંચ અને ચમત્‍કાર સમા તથ્‍યો અહીં બહુ સરળતાથી ઉઘાડવામાં આવે છે. અહીંની સૌથી મોટી વિશેષતા એ છે કે વિજ્ઞાન અહી ભારેખમ નથી કે અધરું નથી.! રમતા રમતા વિજ્ઞાનના નિયમો સમજી શકો તેવી તેની રચના છે. ચાલો આ આધુનિક વિજ્ઞાન તીર્થ યાત્રાની એક નાનકડી શાબ્‍દિક ઝલક જોઇએ..

પ્રકૃતિના સંતાનો એવા વનબંધુ વિસ્‍તારના બાળકોમાં પણ બુદ્ધિ અને પ્રતિભા પૂરતા પ્રમાણમાં હોય છે. તેમને અવસર અને સવલત મળે તો વિકસતા વિશ્વ સાથે કદમ મિલાવવા તેઓ સક્ષમ બને છે. આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વિકસિત દેશોએ વિજ્ઞાનની આંગળી પકડીને વિકાસ સાધ્‍યો છે. વનબંધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં જિજ્ઞાસા જાગે અને વિજ્ઞાનના નિયમો, શોધ, સંશોધન, શિક્ષણ પરત્‍વે વધુ ઉત્‍સુક બને તે માટે ધરમપુર તાલુકાનું વિજ્ઞાન કેન્‍દ્ર પ્રેરણાષાોત બન્‍યું છે.

અહિ પ્રસ્‍થાપિત વિજ્ઞાન કેન્‍દ્ર રાષ્‍ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સાંસ્‍કૃતિક વિભાગ, ભારત સરકાર દ્વારા સંચાલીત છે. જે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મથકે આવેલું છે.  ૨૭ એપ્રિલ, ૧૯૮૪ના રોજ તેની સ્‍થાપના કરવામાં આવી હતી. અને કુલ ૪.૫ એકરના વિસ્‍તારમાં ફેલાયલું છે. આ વિજ્ઞાન કેન્‍દ્ર ગુજરાતમાં સૌથી જુનું અને જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર તરીકેનું સૌ પ્રથમ કેન્‍દ્ર છે. આ વિજ્ઞાન કેન્‍દ્ર આદિવાસીઓમાં વિજ્ઞાન જાગૃતિ અંગેની સેવામાં સતત ૩૬ વર્ષથી કાર્યરત છે. આ વિજ્ઞાન કેન્‍દ્રની વિશેષતા એ છે કે ગુજરાતના સૌથી મોટા વિજ્ઞાન કેન્‍દ્ર, ગાંધીનગર અને મુંબઇના વિજ્ઞાન કેન્‍દ્ર કરતા પણ કેટલીક વધારે અદ્યતન સુવિધાઓ, સેવાઓ અને ઉપકરણોથી સુસજજ છે. જેણે છેવાડા સુધી વસતા આદિવાસીઓના મનમાં વિજ્ઞાનમાં રસ દાખવવાના માર્ગો શોધી કાઢયા છે.

સામાન્‍ય લોકો સરળતાથી વિજ્ઞાનને સમજી શકે તે હેતુથી વિજ્ઞાનને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્‍યું છે. જેમાં કેન્‍દ્રમાં લોકપ્રિય વિજ્ઞાન(POPULAR SCIENCE), મનોરંજક વિજ્ઞાન(FUN  SCIENCE), પ્રતિબોધ (PERCEPTION) અને ક્રિયાકલાપ કક્ષ તથા નક્ષત્રાલય (PLANETARIUM), શિક્ષણ વિસ્‍તરણ પ્રવૃતિઓ (EDUCATION  EXTENSION PROGRAMS), થ્રીડી વિજ્ઞાન શો(3D SCIENCE SHOW), મીરર મેજીક, એકઝીબીશન વગેરે જેવી સુવિધા સાથે બાળ વિજ્ઞાન ઉદ્યાન, પશુ-પક્ષી દર્શનનો સમાવેશ થાય છે.

અહીંના ઇનોવેશન હબ (INNOVATION HUB) બાળકો માટે વિશેષ પ્રોત્‍સાહનું કેન્‍દ્ર બન્‍યું છે. જેમાં વિવિધ પ્રોજેકટ બાળકો દ્વારા જાતે તૈયાર કરવામાં આવે છે. ૫૦૦ થી વધારે કોમ્‍પોનન્‍ટ જોડીને બાળકો રોબોટ તૈયાર કરે છે. અને તેમાં વિવિધ કમાન્‍ડ સેટ કરી તેની પાસે કામો કરાવવામાં આવે છે. વિવિધ પ્રોજેકટને લગતી કોમ્‍પીટીશન પણ યોજવામાં આવે છે. જેમાં બાળકો શાળા વતી ગ્રુપમાં અથવા વ્‍યકિતગત રીતે ભાગ લે છે. વર્ષ ૨૦૧૯માં ડાંગ જિલ્લાના વિદ્યાર્થી દ્વારા અહીં તૈયાર કરવામાં આવેલો પ્રોજેકટ નેશનલ કક્ષાએ પસંદગી પામી જાપાન ખાતે પ્રદર્શિત કરવામાં આવ્‍યો હતો. જે આ ક્‍ેન્‍દ્ર અને સૌ બાળકો માટે પ્રેરણા સમાન સાબિત થયું છે. ૩-ડી પ્રિન્‍ટિંગનું ધરાવતું મશીન જે મુંબઇ અને અમદાવાદ વચ્‍ચે ફકત આ કેન્‍દ્ર પાસે જ છે. તે એન્‍જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું પરિબળ છે.

લોકપ્રિય વિજ્ઞાન વિભાગ(POPULAR SCIENCE), વનસંપતિનું મહત્ત્વ, વન્‍ય સૃષ્‍ટિ અને માનવજાતિઓ માટેના સુચક સાંકેતિક સંબંધો સાથેના નમુનાઓ વૃક્ષોના મહત્ત્વ સાથે સમજાવે છે. વૃક્ષ પોતાનું ભોજન કઇ રીતે બનાવે, પાણીમાં વમળો કઇ રીતે ઉત્‍પન્ન થાય, દૂષિત પાણીના એક ટીપામાં જીવાણું સુક્ષ્મ વિવર્ધકથી જોઇ શકાય છે. અહિ મુકેલા જનીન સંવધિત ખોરાક, કલોનિંગ, લોહીના ઘટકો, પાણીમય જીવન, વસ્‍તી વિસ્‍ફોટ, પોષક ખોરાક વિષયક માહિતી તથા નવનિર્મિત નમુનાઓ વગેરે બાળકોનું જ નહીં પરંતુ વડિલોનું પણ મન આકર્ષિત કરતી બાબતો છે.

બાળકોની જીજ્ઞાસાવૃતિ વધારતું પ્રતિબોધ(PERCEPTION) વિભાગ શરીરના ઇન્‍દ્રિયો અને મગજની એકબીજા પર થતી અરસપરસની અસરની ક્રિયાઓ, રંગોના પડછાયા કેવી રીતે બને, માનવીને બે આંખો કેમ છે વગેરે જેવા વિષયો ઉપર સ્‍પષ્‍ટ સમજ અને સરળતાથી આપવામાં આવે છે. ગમ્‍મત સાથે રોજીંદા જીવનમાં અનુભવ કરતા વિજ્ઞાન નમુનાઓ, અરિસા સાથે રમતો, પ્રકાશની ગતિના નિયમો, અવાજની ગતિના નિયમો, ભુલભુલામણી, પ્રકાશનું પરિર્વતન આધારિત જાદુઇ પેટી, રંગોનું મિશ્રણ, અદ્રશ્‍ય થતો સળિયો વગેરે ક્રિયાકલાપ કક્ષ વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત બાળકો માટે સ્‍પેશિયલ મેજીક શો દ્વારા તેઓના મનમાં અંધશ્રધ્‍ધા દૂર કરી જે-તે કારણો માટે વિજ્ઞાન કારણભૂત છે તેવા જાગૃતતાના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે જે બાળકોનો મન પસંદ વિભાગ છે.

૫૫ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું ૮ મીટર વ્‍યાસનું ડિજીટલ નક્ષત્રાલય(PLANETARIUM) મુલાકાતીઓ માટે ખગોળ  વિષયક જાગૃતિ માટે ખાસ છે. તેમાં તારાઓ, નક્ષત્રો ઇત્‍યાદી મૂળભૂત તથ્‍યો સાથે રોજીંદા જીવનમાં ખગોળશાષાનું મહત્‍વ સમજાવે છે. થ્રીડી શોમાં ધ્રુવીભૂત પ્રકાશ અને કાચના ઉપયોગ દ્વારા દ્રશ્‍યો પ્રેક્ષકોની ઉપરથી વિવર્તિત થઇને આવતા પ્રેક્ષકોમાં ખાસ કરીને બાળકો આનંદિત થઇ જાય છે.

વિજ્ઞાન કેન્‍દ્રના બાળ ઉદ્યાનના (CHILDREN SCHIENCE PARK)  શૈક્ષણિક અને આનંદ આપનારા સાધનો રમતા-રમતા બાળકોને વિજ્ઞાનના મૂળ નિયમોને સમજવાના આશયને ધ્‍યાને રાખીને બનાવવામાં આવ્‍યા છે. પ્રાણીઓનું નિરિક્ષણ કરી તેમના જીવનનું પ્રકૃતિમાં-ઇકોલોજીમાં જે મહત્‍વ છે તે સમજવા માટેનું ઉત્તમ સ્‍થળ જીવ વિજ્ઞાનનો વિભાગ છે. જેમાં સસલા, વિવિધ પક્ષીઓ, હંસ, મોર વગેરે છે. જે બાળકોમાં પ્રાણીઓ પ્રત્‍યેનો પ્રેમ અને તેમની ઉત્‍પતિ અને જીવન બાબતે ઉદભવતા પ્રશ્નો હલ કરે છે. આ ઉદ્યાન ખુલ્લામાં વિવિધ ઔષધિય વનસ્‍પિતિઓ પણ ઉછેરવામાં આવી છે. આ ઉદ્યાન વૃક્ષો વચ્‍ચે આવેલી પ્રયોગશાળા સમાન છે.

આ સિવાય જિલ્લાની અંતરિયાળ શાળાના બાળકો જે મુલાકાતે નથી આવી શકતા તેઓ માટે ‘મોબાઇલ સાયન્‍સ એકઝીબીશન વાન’ દ્વારા દર વર્ષે ૫૦થી વધુ અલગ-અલગ શાળાઓમાં પહોંચી ત્‍યાંના બાળકોને વિજ્ઞાનથી અવગત કરવા માટે એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે. તથા ગ્રહણના દિવસે વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે નજીવા દરે ‘ગ્રહણ દર્શન’ તથા ‘આકાશ દર્શન’ કરાવવામાં આવે છે. આ કેન્‍દ્ર પાસે બે મોબાઇલ વાનની સુવિધા અદ્યતન વૈજ્ઞાનિક સાધનો સાથે ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત કેન્‍દ્ર પાસે ૩ ટેલીસ્‍કોપની સુવિધા છે જેના વડે તારા નિદર્શન, ગ્રહણ જોવાનો લાભ મુલાકાતીઓ શનિ-રવિ સાંજના સમયે લઇ શકે છે. તથા કેન્‍દ્ર દ્વારા મોટા ગ્રુપ અથવા શાળા/કોલેજ દ્વારા ટુર કાર્યક્રમ યોજી જે-તે સ્‍થળ ઉપર જઇ નિઃશુલ્‍ક આકાશ દર્શન કરાવવામાં આવે છે.

વિજ્ઞાન કેન્‍દ્રના જિલ્લા વિજ્ઞાન અધિકારી ઇકબાલ ઢાલાઇત જણાવે છે કે, ‘‘અહીં બાળકો પાઠયપુસ્‍તકમાં ભણેલી બાબતોને જાતે જોઇ, અનુભવી, સ્‍પર્શ કરી વિજ્ઞાનના ગુઢ નિયમો રમતા-રમતા શીખી જાય છે. માધ્‍યમિક શાળાઓના વિદ્યાર્થીઓ જો અહીં આવે અને વિજ્ઞાનમાં રસ લે તો તેમને અને આ સ્‍થાન વિશેષ મદદરૂપ બને તેવો તેમણે અનુરોધ કરતા જણાવ્‍યું હતું કે, દરેક બાળકના માતા-પિતા બાળકોના સંર્વાંગી વિકાસ માટે આ સ્‍થળની મુલાકાત લેવી ખુબ જ જરૂરી છે.”

જાણીને નવાઇ લાગે તેમ આ કેન્‍દ્રમાં વિજ્ઞાનની સાથે-સાથે કલા અને સાંસ્‍કૃતિને પણ બાળકોના જીવનમાં એક સરખું મહત્ત્વ આપે છે. આદિવાસીઓની સંસ્‍કૃતિ સમાન લાકડાની બનાવટ, વારલી પેઇન્‍ટીંગ શીખવવા માટે  જિલ્લાના કુશળ બામ્‍બુ બનાવટના કારીગરોને બોલાવી તેઓ પાસેથી બાળકોને આ કલા હસ્‍તગત કરવા સ્‍પેશીયલ વર્કશોપનું આયોજન અવારનવાર કરવામાં આવે છે. કેન્‍દ્ર દ્વારા ૧૪૦૦ થી વધારે વિજ્ઞાનને લગતા પુસ્‍તકો ધરાવતી લાઇબ્રેરી જાળવવામાં આવી છે. આદિવાસી બાળકો માટે ત્રણ મહિનાના નજીવા દરે કોમ્‍પ્‍યુટર કોર્સ દ્વારા તેઓને ટેકનોલોજી સાથે સુમેળ સાધતા શીખવવામાં આવે છે.

૧૪ થી ૧૬ નવેમ્‍બર, ૨૦૧૯ દરમિયાન બાળ સપ્તાહની ઉજવણીને ધ્‍યાને રાખી, ૧૦૦૦થી વધારે આદિવાસી કન્‍યાઓને STEM પ્રોગ્રામ હેઠળ વિવિધ રસપ્રદ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સિવાય વિજ્ઞાન કેન્‍દ્રમાં વર્ચ્‍યુઅલ રીયાલીટી શો, અંધ બાળકો માટે સ્‍પેશીયલ ટુર, લીકવીડ નાઇટ્રોજન શો, સ્‍વચ્‍છતા અભિયાન, વિજ્ઞાન દિવસ, સંવિધાન દિવસ વગેરે જેવા વિવિધ દિવસોની તથા સપ્તાહની ઉજવણી પણ તેઓના વાર્ષિક કેલેન્‍ડર ઓફ ઇવેન્‍ટ પ્રમાણે ગોઠવવામાં આવતા હોય છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બને છે.

ઉપરાંત આ કેન્‍દ્રમાં સી.વી.રામન-પ્રખ્‍યાત વૈજ્ઞાનિકનું ૩-ડી સ્‍ટેચ્‍યુ બનાવવામાં આવ્‍યું છે. જેને કોઇ પણ જગ્‍યાએથી જોતા તે આપણી તરફ જ જોતા હોય તેવો ભાસ થાય છે. જે બાળકો માટે ભારે ઉત્‍સાહ જગાડે છે. તથા આગામી સમયમાં આ કેન્‍દ્ર દ્વારા ‘એનર્જી બોલ’ નામથી એક નવું સેકશન શરૂ કરવામાં આવશે. જેમાં એક દડો જયારે વિવિધ રીતે પાઇપમાંથી બનાવેલ ઢાંચામાથી પસાર થાય છે ત્‍યારે તેની ગતિમાં આવતા ફેરફાર, તેની સ્‍થિરતા, આઘાત-પ્રત્‍યાઘાત જેવા ન્‍યૂટનની ગતિના નિયમો સરળતાથી સમજી શકશે તે માટે આ સેકશન ભવિષ્‍યમાં રસપ્રદ સાબિત થશે.

પ્રાથમિકથી લઇ કોલેજના વિદ્યાર્થીઓ અને વડિલોને પણ રસ જાગે અને સરળતાથી વિજ્ઞાનના નિયમો સમજાય તેવી સમગ્ર વ્‍યવસ્‍થા અહીં જરૂરી સાધનો અને વિજ્ઞાનના માર્ગદર્શક તજજ્ઞો સાથે ગોઠવવામાં આવી છે. વન વિસ્‍તારની અલગ-અલગ પ્રકારની પરિસ્‍થિતિને ધ્‍યાને લઇને વધારાની સુવિધા તથા વ્‍યવસ્‍થા ગોઠવીને દુરદરાજના વનવાસી વિસ્‍તાર ધરમપુરમાં આધુનિક વિજ્ઞાનનું આ તીર્થ વલસાડ જિલ્લાની શોભા બની રહ્યું છે.

વિજ્ઞાન કેન્‍દ્ર માત્ર દિવાળી અને ધૂળેટીના તહેવારે બંધ રહે છે. આ સિવાયના દિવસોમાં સવારે ૦૯.૩૦ થી સાંજે ૦૬.૦૦ વાગ્‍યા સુધી મુલાકાત લઇ શકાય છે. આદિવાસી વિસ્‍તારને ધ્‍યાને રાખી મુલાકાત માટેની પ્રવેશ ફી વિભાગ દ્વારા નજીવી રૂા. ૧૫ રાખવામાં આવી છે. વિજ્ઞાન કેન્‍દ્રની મુલાકાત લેવા ગુજરાત ભરથી તથા મહારાષ્‍ટ્રના શરહદી વિસ્‍તારથી પણ લોકો આવે છે. શાળા કોલેજ દ્વારા પ્રેરણા પ્રવાસ ગોઠવવામાં આવે છે. અહી દર વર્ષે લગભગ ૨.૫ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે. તથા ૪.૫ લાખથી વધારે લોકોને બાહ્ય એકટીવીટી, મોબાઇલ વાન, અને વિવિધ ટુરના કાર્યક્રમો દ્વારા સંપર્ક સાધવામાં આવે છે.

બાળકોમાં વિજ્ઞાન પ્રત્‍યે રસ અને કોઇ પણ બનાવ માટે તર્ક કરવાની શકિત આ કેન્‍દ્રની મુલાકાત બાદ વધુ પ્રબળ બની જાય છે. આજના ડિજીટલ યુગમાં બાળકોને ટીવી, મોબાઇલની આદતથી દુર કરવા અને તેમના મનમાં વિજ્ઞાનને સરળતાથી સમજી તેનો હાવ મટાવવા, આંતરીક વિકાસ કેળવવા વિજ્ઞાન કેન્‍દ્રની મુલાકાત એક અદભુત લ્‍હાવો સમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.