Western Times News

Gujarati News

મ્યુનિ.સીટી ઈજનેરે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોન્ટ્રાકટરને રૂ.પ૦ લાખ પેનલ્ટીની ફાઈલ અભરાઈએ મુકી

File

ટેન્ડર શરત મુજબ પેરામીટર જળવાતા ન હોવા છતાં પેનલ્ટી કરવામાં ન આવીઃ અન્ય ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નજીવી રકમ વસુલ કરી સંતોષ માનવામાં આવ્યો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુઅરેજ વાટરને ટ્રીટ કરવા માટે દસ અસટીપી બનાવવામાં આવ્યા છે. જેના ઓપરેશન મેઈન્ટેનન્સ માટે દરમહિને કોન્ટ્રાક્રોને લાખ્ખો રૂપિયા ચુકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં કોન્ટ્રાક્ટરો ટેન્ડર શરત મુજબ કામ કરતા નથી. તથા નિયમોના ઉલ્લંઘન કરી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કેમિકલયુક્ત તથા કેટલાંક સ્થળે સુઅરેજ વાટર પણ બાયપાસ કરવામાં આવે છે.

જેના કારણે સાબરમતી નદી પ્રદુષિત થઈ રહી છે. તદુપરાંત મ્યુનિસિપલ અધિકારીઓની રહેમનજરે કોન્ટ્રાક્ટરો પણ બેદરકારી દાખવી રહ્યા છે. એસટીપીમાં સુઅરેજ વાટર ટ્રીટ કર્યા બાદ પણ બીઓડી અને સીઓડીના પેરામીટર જળવાતા નથી. તે અનેક વખત સાબિત થઈ ચુકી છે તેમ છતાં કોન્ટ્રાક્ટરોને નજીવી રકમની પેનલ્ટી કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. જ્યારે બહેરામપુરાના એસટીપીમાં ધારાધોરણ જળવાતા ન હોવાથી કોન્ટ્રાક્ટરને રૂ.પ૦ લાખની પેનલ્ટી થતી હતી. પરંતુ મ્યુનિસિપલ સીટી ઈજનેરની રહેમનજર હોવાથી હજુ સુધી પેનલ્ટીની રકમ વસુલ કરવામાં આવી ન હોવાની ચર્ચાએ જાર પકડયુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસટીપીના ઓપરેશન મેઈન્ટેનન્સ માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમાં કેટલીક ખાસ શરતો અને નિયમો હોય છે. જેવા સ્થળ પર જ લેબોરેટરી, મેનપાવર તથા પેરામીટર મુખ્ય છે. પરંતુ મોટાપાયે આ શરતોના પાલન થતાં નથી. તપાસ કરીને પેરામીટર મામલે કોન્ટ્રાક્ટરો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જલવિહાર, વિંઝોલ અને પીરાણા એસટીપીમાં પેરામીટર માટે અવારનવાર આક્ષેપ થઈ રહ્યા છે. પરંતુ બહેરામપુરાના ૧૦૬ એમએલડી પ્લાન્ટમાં આ બાબત સાબિત થઈ ચુકી છે.

સુત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે બહેરામપુરા એસટીપીના ઓપરેશન-મેઈન્ટેનન્સ માટે ર૦૧પમાં ડીએનપી ઈન્ફ્રા.ને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે પેટે કોન્ટ્રાક્ટરને માલિક રૂ.૩.૪ર લાખ ચુકવવાની શરત હતી.  બહેરામપુરા એસટીપીના ઓ એન્ડ એમ માં પ્રથમ વખત પેરામીટર ન જળવાય તો પેનલ્ટી લેવાની શરત રાખવામાં આવી હતી. જીપીસીબીના નિયમ મુજબ બીઓડી, સીઓડી અને ટીઅસએસ ના લેવલ માટે સેન્ટ્રલ લેબોરેટરી ખાતે પરિક્ષણ કરવામાં આવ્યા હતા.

જેમાં ‘ડીસ્ચાર્જ ટ્રીટેડ સુઅરેજ’માં લેવલ જળવાતા ન હોવાની વિગતો જાહેર થઈ હતી. તેથી ટેન્ડર શરત મુજબ ગણતરી કરતા કોન્ટ્રાક્ટરને રૂ.૪૯.૭૩ લાખની પેનલ્ટી થતી હતી. પરંતુ મ્યુનિસિપલ સીટી ઈજનેર અને એસટીપી ખાતાના અધિકારીઓએે મેળાપીપણા કરીને કોન્ટ્રાક્ટર પાસેથી પેનલ્ટીની રકમ વસુલ કરી નથી.

બહેરામપુરા એસટીપી પ્લાન્ટના ટેન્ડર શરત મુજબ પાંચ દિવસ મશીનરી બંધ કરી હોય તો પ્રતિ દિવસ રૂ.૭૦૦ તથા તેથી વધુ દિવસ માટે મશીનરી બંધ રહી હોય તો દૈનિક રૂ.એક હજાર પેનલ્ટી લેવાની પણ શરત છે. જેમાં એસટીપી વિભાગે માત્ર અલગ અલગ મહિનામાં માત્ર ૧૬ દિવસની ગણતરી કરીને કુલ રૂ.૬ હજાર પેનલ્ટી વસુલ કરી છે. જ્યારે માસિક હાજરીના સર્ટીફિકેટ મુજબ રૂ.૯૭૮૦૦ની પેનલ્ટી લેવાની થાય છે. જે પણ વસુલ કરવગામાં આવી નથી.

મ્યુનિસિપલ એસટીપી વિભાગમાં લાલિયાવાડી ચાલી રહી છે. તથા કોન્ટ્રાક્ટરો પાસેથી નજીવી પેનલ્ટી લેવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીએ વધુ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે જલવિવરના પેરામીટર જળવાતા નથી. તેમ છતાં એક વર્ષમાં કોન્ટ્રાક્ટરને કોઈ જ પેનલ્ટી કરવામાં આવી નથી. બહેરામપુરા ૧૦૬ એેમએલડી પ્લાન્ટને અપગ્રેડ કરવામાં આવ્યા બાદ ેવલ જળવાતા નથી.

તેમ છતાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.પ૦ લાખના બદલે માત્ર રૂ.૪.પ૦ લાખ રૂપિયા જ પેનલ્ટી લેવામાં આવી છે. વિંઝોલ એસટીપીમાં પણ વર્ષોથી સમસ્યા છે. પીરાણા ૧૮૦ એમએલડી પ્લાન્ટમાં તો કેમિકલયુક્ત અને સુએરજ વાટર બાયપાસ થઈ રહ્યા હોવાના અહેવાલ અવારનવાર જાહેર થઈ રહ્યા છે. તેમ છતાં કોન્ટ્રાક્ટરને માત્ર રૂ.રપ લાખનો જ દંડ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત તો એ છે કે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ દંડની રકમ જે ત્રણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે થઈ છે તેના કોન્ટ્રાક્ટ ડીએનપી ઈન્ફ્રા. જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.