Western Times News

Gujarati News

અમદાવાદમાં કેનેડાના વિઝા આપવાના બહાને ૬ લોકો સાથે રૂ.૭૦ લાખની ઠગાઈ

અમદાવાદ: કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ૬ લોકો સાથે રૂ. ૭૦.૫૦ લાખની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ રામોલ પોલીસમાં નોંધાઇ છે. કેનેડાના વર્ક પરમિટ વિઝા લેવા પહેલાં બેંગકોક લઇ ગયા બાદ પરત ભારત લઇ આવ્યા હતા પરંતુ કેનેડાના વિઝા ન અપાતા મુંબઇ, જયપુરના બે દલાલ અને બેંગકોંગમાં રહેતા છ વ્યક્તિ સામે ફરિયાજ નોંધાઈ છે.

રામોલમાં રહેતા ભૂમિ ચૌધરી નામના નર્સે અશોક ચાવડા નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. તેમણે ભૂમિને કહ્યું હતું કે, ‘કેનેડા જવા માટે પહેલાં બેંગકોક જવાનું ત્યાં વિઝા ઓન એરાઇવલ લઇ પછી કેનેડાની વર્ક પરમિટ મળશે અને તેના માટે ૧૭.૫૦ લાખ ખર્ચ થશે. જેથી ભૂમિએ બેંગકોક જતા પહેલાં ૫૦ હજાર તેમને આપ્યા હતા. ભૂમિ સાથે અન્ય પાંચ વ્યક્તિ પણ આ જ રીતે એરપોર્ટ આવ્યા હતા. ઉપરાંત અશોક ચાવડા પણ તેમની સાથે બેંગકોક જવા નિકળ્યા હતા.

બેંગકોંગ પહોંચ્યા બાદ વાજીદભાઇ નામના એજન્ટે પાંચેય વ્યક્તિના પાસપોર્ટ લઇ લીધા હતા. દરમિયાન ૨ ફેબ્રુઆરીએ અશોક ચાવડાએ વિઝા આવ્યા હોવાનું વોટ્‌સએપ પર જણાવતા ભૂમિના પિતાએ ૧૭ લાખ રૂપિયા અશોકને આપ્યા હતા. થોડા દિવસ સુધી કેનેડાના વિઝા ન મળતા ભૂમિ અને તેની સાથેના લોકો અમદાવાદ પરત આવી ગયા હતા. ત્યારબાદ અશોકે બીજા પૈસા માગ્યા હતા, જેથી વિઝા ભૂમિ સહિત પાચે બીજા ૩૫ લાખ આપ્યા હતા, તેમ છતાં વિઝા ન આવતા તમામે લોકોએ અશોક પાસે પૈસા ઉઘરાણી કરી હતી, જેથી અશોક પાસે જે પૈસા હતા તે પૈસામાંથી તેણે ભૂમિ અને તેની સાથેના પાંચ લોકોને પૈસા ચુકવ્યા હતા. જેથી ભૂમિએ મોહિત, રાજેશ, અમર, સમર, સતપાલ, વાજીદ અને કુલદીપ નામના એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.

બેંગકોકમાં પહોંચ્યા બાદ થોડા સમય બાદ ભૂમિ અને બીજા પાંચ લોકોના વિઝા પુરા થઇ ગયા હતા. પરંતુ તેઓ કેનેડા જઇ શક્યા ન હતા, જેથી વિઝા વધારવા માટે અશોકે તેમને પાસપોર્ટ ગુમ થઇ ગયો હોવાની ફરિયાદ કરવા જણાવ્યું હતું. જેથી તમામ લોકોએ બેંગકોક ખાતે પાસપોર્ટ ગુમ થઇ ગયાની ફરિયાદ ૧૨ ફેબ્રુઆરીના રોજ કરાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.