Western Times News

Gujarati News

પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ટુંક સમયમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાશે

શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવી રહેલા ૩૦ બેડની ક્ષમતા ધરાવતા આઈસોલેશન વોર્ડની મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા

(માહિતી બ્યુરો, પાટણ) પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ સંક્રમણની ભવિષ્યની અસરોને ધ્યાને લઈ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા કેબિનેટ મંત્રીશ્રીને આઈસોલેશન વોર્ડ અંગે જરૂરી વિગતોથી અવગત કરાવવામાં આવ્યા હતા.

શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ અને તેની ગંભીર અસરોને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત પ્રયત્નબદ્ધ છે. પાટણ જિલ્લાની જનતાને સમયસર આવશ્યક સારવાર મળી રહે તે માટે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખુબ ટુંકા ગાળામાં વેન્ટીલેટરની સુવિધા સાથે ૩૦ બેડની ક્ષમતા ધરાવતો આઈસોલેશન વોર્ડ તૈયાર થઈ જશે.

જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે મંત્રીશ્રીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ નિયંત્રણ માટે કરવામાં આવી રહેલી કામગીરીથી અવગત કર્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માર્ગદર્શિકા મુજબ કોરોના વાયરસ નિયંત્રણના વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે નેશનલ રૂરલ હેલ્થ મિશન હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.