Western Times News

Gujarati News

કોરોનાવાયરસ સામેની લડતમાં સ્થિતિની ગંભીરતા મુજબ કામગીરી દર્શાવતી ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થાઓ

નવી દિલ્હી, કોવિડ-19 કે જે કોરોનાવાયરસ તરીકે ઓળખાય છે, તે મહામારીએ સમગ્ર દુનિયાના લોકોને અસ્ત- વ્યસ્ત કરી નાંખ્યા છે. ‘વર્લ્ડોમીટર’ ના જણાવ્યા પ્રમાણે 10 લાખથી વધુ લોકો આ વાયરસનો ભોગ બની ચૂક્યા છે અને આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં તો સંખ્યા ખૂબ જ ઝડપભેર વધતી રહી છે. 59,000થી વધુ લોકોનાં મોત થયાં છે અને આ આંકડો વધતો જ જાય છે. ભારતમાં 3,000થી વધુ લોકો આ રોગનો ભોગ બન્યા છે અને અત્યાર સુધીમાં આશરે 60 લોકોનાં મોત થયાં છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક જ્યોતિ શર્મા અને ઈન્ટરનેશનલ બાયલેટરલ કો-ઓપરેશન ડિવિઝનના વડા- ડો. એસ. કે. વાર્ષ્ણેયે આ વિસ્તૃત લેખમાં કોરોનાવાયરસ સામેની લડતમાં ભારતીય વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ જે પ્રયાસો કરી રહ્યા છે તેનો ચિતાર આપ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તેનાં સ્રોતો એકત્ર કર્યાં છે. હાલમાં સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો સક્ષમ રસી શોધવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ભારત પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની કામગીરીમાં પોતાની ભૂમિકા બજાવી રહ્યું છે. આ ઉપરાંત દુનિયાભરમાં હજારો સંશોધકો ટ્વીટર, ફેસબુક અને લીંક્ડઈન જેવી સોશિયલ મીડિયા એપ્સ મારફતે ક્રાઉડ ફાઈટ કોવિડ-19 જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની નિપુણતા, સમય અને સહાય ઓફર કરીને સ્વૈચ્છિક રીતે પોતાની સેવાઓ પૂરી પાડી રહ્યાં છે.

સમગ્ર માનવ જાત જ્યારે આ અત્યંત ઘાતક વાયરસ સામે ઝઝૂમી રહી છે ત્યારે ઓછામાં ઓછા આગામી 12 થી 18 માસ સુધી કોરોનાવાયરસને લડત આપવા માટે કોઈ રસી મળે તેવું જણાતું નથી. આ ઘાતક વાયરસથી માનવ જાતને બચાવવા માટેની લડતની જાણે આ શરૂઆત છે. આ રોગ સામે કેવો પ્રતિભાવ આપવો તે બાબતે કોઈ સર્વસંમતિ જણાતી નથી. પોતાના નાગરિકોને સુરક્ષા આપવાની બાબતે દરેક રાષ્ટ્રને આ રોગનો પ્રતિકાર કરવા માટે જાણે એકલા છોડી દેવામાં આવ્યા છે.

ભારતનો ઝડપી પ્રતિભાવ

1.3 અબજ લોકોને પોતાના બાહુપાશમાં સમાવતા ભારતમાં કોરોનાવાયરસનો વ્યાપ વધતો અટકાવવા માટે પ્રતિભાવ આપતાં (Response mechanism) જે પગલાં લેવાઈ રહ્યાં છે તેની તરફ દુનિયા ઝીણવટપૂર્વક ધ્યાન આપી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારત તેની તમામ તાકાતનો ઉપયોગ કરીને આ વાયરસ સામે લડત આપી રહ્યુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2015 લાગુ કરીને ભારતમાં તા. 25 માર્ચથી 21 દિવસ માટે સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ લૉકડાઉનની જાહેરાત એટલી વહેલી જાહેર કરવામાં આવી હતી કે જ્યારે ચેપ લાગ્યો હતો એવા લોકોની સંખ્યા 400 કરતાં પણ ઓછી હતી. આ પગલાંને વિશ્વ આરોગ્ય સંસ્થાએ બિરદાવ્યું છે. કોરોનાવાયરસ ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે-સાથે સંખ્યાબંધ ગંભીર પગલાં જાહેર કરવામાં આવ્યા છે. એમાંનાં કેટલાંક ગંભીર પગલાંની યાદી નીચે આપવામાં આવી છેઃ

· કોરોનાવાયરસથી અસર પામેલા લોકોના સંપર્કો શોધવાની શરૂઆત કરવામાં આવી.

· હાલના તમામ વિઝા રદ કરવામાં આવ્યા (ડિપ્લોમેટિક, અધિકૃત, યુનો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, રોજગારી અને પ્રોજેકટ વીઝા સિવાયના).

· તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વિમાન સેવાઓ, રેલવે અને બસ સેવા તા. 15 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી.

· ગરીબોને લક્ષમાં રાખીને આર્થિક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી જેથી આ ગાળા દરમિયાન કોઈ ભૂખ્યું રહે નહીં.

· ભારતીય રેલવેના કોચનું આઈસોલેશન વોર્ડમાં રૂપાંતર કરવાની શરૂઆત કરવામાં આવી.

સંશોધન અને વિકાસ સંસ્થાઓએ પડકાર ઉપાડી લીધો

એક તરફ કોરોનાવાયરસને લડત આપવા માટે ‘સંપૂર્ણ સરકાર’ અત્યંત સક્રિયતા દાખવીને તથા પૂર્વ ધારણાથી આગળ વધી રહી હતી, તો બીજી તરફ ભારત અને બાકીના વિશ્વ વચ્ચેના વ્યાપારમાં મંદી એક વિપરીત પરિબળ તરીકે કામ કરી રહી હતી અને લડત આપવા માટે આવશ્યક એવી જરૂરિયાત માટેની ઘણી ચીજોની સપ્લાય ચેઈનને ખોરવી રહી હતી. આવી આવશ્યક ચીજોની યાદીમાં કોરોનાવાયરસ ટેસ્ટીંગ કીટ્સ, માસ્કસ, આલ્કોહોલ આધારિત સેનીટાઈઝર્સ, વ્યક્તિગત સુરક્ષા સાધનો (PPEs), રોગ નિવારણ માટે આગળ આવીને કામ કરતા આરોગ્ય કર્મચારીઓની પોશાક સામગ્રી, વેન્ટીલેટર્સ (દર્દીઓને શ્વાસ લેવામાં સહાયક પદ્ધતિ) વગેરનો સમાવેશ થાય છે.

પડકાર એ હતો કે આવી ચીજોનું શક્ય તેટલું અને મોટા પાયે ઉત્પાદન કેવી રીતે કરવું. આ પરિસ્થિતિમાં ભારત સરકારે આક્રમક રીતે સક્રિય બનીને ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમ હાથ ધર્યો અને ઘણી સંશોધન અને વિકાસ (R&D) સંસ્થાઓને સક્રિય બનાવીને કામે લગાડી દીધી છે.

આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અર્થ સાયન્સીસ વિભાગના મંત્રી ડૉ. હર્ષવર્ધનની આગેવાની હેઠળ સુસંકલિત અભિગમ દાખવીને દેશના વૈજ્ઞાનિક સમુદાયને સક્રિય બનાવતો અભિગમ હાથ ધરવામાં આવ્યો. આ અભિગમને કારણે ઉત્તમ પ્રણાલિઓના આદાન-પ્રદાન માટે એક સામાન્ય પ્લેટફોર્મ પ્રાપ્ત થયું. વિવિધ કામગીરી અંગે સહયોગ મળ્યા, જરૂરિયાત આધારિત ઈનોવેશનનો વિકાસ થયો અને સંશોધન કામગીરી બેવડાય નહીં તે રીતે કામકાજ ચાલુ થયું. ટૂંકમાં કહીએ તો, આટલા ટૂંકા ગાળામાં ભારત દેશના હજારો સંશોધકોને દિવસ- રાત કામે લગાડીને નવા ટેસ્ટીંગ કીટસ, સુરક્ષા ઉપકરણો અને શ્વાસોશ્વાસ માટેના સાધનો (Respiratory devices ) તૈયાર કરવામાં જોડાઈ ગયા છે.

ભારતની મધ્યસ્થ વિજ્ઞાન અને ટેકનોલોજી એજન્સી અને તેના પ્રયાસો

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) એ ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજીની મધ્યસ્થ એજન્સી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી (DST) વિભાગ અને તેના સાથી મંત્રાલયોની સહાયથી પરિસ્થિતિનો તાગ મેળવવાની અને ભારતમાં સાનુકૂળ ટેકનોલોજીનો વ્યાપ વિસ્તારવાની આગેવાની મંત્રાલયે લીધી છે, જેથી કોરોનાવાયરસ અંગેની અનેક સમસ્યાઓનું સમાધાન કરી શકાય. આ મંત્રાલય એવા ઉપાયો શોધી રહ્યું છે કે જે ભારત જેવા દેશ માટે વધુ સુસંગત હોય અને દેશને કોરોનાવાયરસ જેવી મહામારીના કારણે ઉભી થયેલી તાકીદની જરૂરિયાતો માટે સજ્જ થવામાં સહાયરૂપ બને.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેની સ્વાયત્ત સંસ્થાઓ અને વૈધાનિક સંસ્થાઓ મારફતે કોરોનાવાયરસ સામેની લડત ત્રણ પ્રકારે હાથ ધરી છેઃ

A. સંશોધન અને વિકાસ કામગીરીની સહાય વડે વિવિધ ઉપાયોનું વ્યાપક આકલન થઈ રહ્યું છે તથા અર્થક્ષમ પ્રોડ્કટસનું ઉત્પાદન કરતા સ્ટાર્ટ-અપ્સને સુગમતા અને ઉત્પાદનમાં સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

B. બજારમાં મૂકી શકાય તેવી પ્રોડક્ટસ માટે સહયોગ આપવામાં આવી રહ્યો છે અને

C. જે ઉપાયો હાલમાં બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તેનો વ્યાપ નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તારવાની જરૂર છે તેના માટે ઉત્પાદનલક્ષી માળખાગત સુવિધાઓ અને ક્ષમતા વધારવાની કામગીરી.

ઉચ્ચ અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં સંશોધનોને વેગ (IRPHA)

સાયન્સ અને એન્જીનિયરીંગ રિસર્ચ બોર્ડ (SERB) એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કામ કરતી સ્વાયત્ત સંસ્થા છે. તેની ઉચ્ચ અગ્રતા ધરાવતા સંશોધનોને વેગ આપવાની યોજના (IRPHA), રોગચાળાલક્ષી અભ્યાસો, પ્રતિકાર શક્તિ અંગે અભ્યાસો અને શ્વાસોશ્વાસને વાયરલ ચેપ અંગે સંશોધનો, નવા એન્ટીવાયરલ્સ, રસીઓ અને કોરોનાવાયરસની ચકાસણી માટે પોસાય તેવા તથા શ્વાસોશ્વાસના ચેપ સંબંધિ ડાયગ્નોસ્ટીક કીટ્સ અંગે રાષ્ટ્રીય સ્તરે સંશોધન અને વિકાસ કામગીરીને વેગ આપવાના મજબૂત આંતર વિદ્યાશાખાકિય ઘટકો ધરાવતી સ્પર્ધાત્મક દરખાસ્તોને આ સંસ્થા આવકારી રહી છે. આ બધાં ઉપરાંત “Core Research Grant Special Call on Covid-19” એક ટૂંકા ગાળાના કોરોનાવાયરસ અંગેની મુખ્ય સંશોધન કામગીરી માટે ખાસ અનુરોધ કર્યો છે, કે જેથી આરોગ્યલક્ષી સ્ટાફ માટે જરૂરી હાલની કેટલીક જરૂરિયાતોને પહોંચી વળી શકાય. આ જરૂરિયાતોમાં (અ) પોસાય તેવા અને ઝડપી નિદાન કરતા પોર્ટેબલ કીટ્સ અને ટુલ્સ (બ) કોરોનાવાયરસ મોલેક્યુલર ટાર્ગેટસની કોમ્પ્યુટેશનલ ઓળખ અને તેને માન્યતા (ક) કોરોનાવાયરસનો ભોગ બનેલા લોકોની પ્રતિકાર શક્તિ વધે તે માટે પોષણયુક્ત પૂરક આહારનો પ્રવાહી તરીકે અથવા તો અથવા તો ક્લિનિકલ ડોઝ આપવાની કામગીરી.

સાયન્સ અને એન્જીનિયરીંગ રિસર્ચ બોર્ડે 5 પ્રોજેક્ટનો પ્રથમ સેટ પસંદ કર્યો છે અને તેને વધુ વિકાસ માટે તથા તેની અમલમાં મૂકી શકાય તેવી ટેકનોલોજીસ વિકસાવવામાં સહયોગ આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાંના ત્રણ એન્ટીવાયરલ અને વ્યક્તિગત સુરક્ષા સાધનો જેવા ઉપકરણોનું વર્ચ્યુઆલિસ્ટીક સર્ફેસ કોટીંગ તથા ચોથા પ્રોજેક્ટમાં કોરોનાવાયરસથી ચેપ લાગેલા દર્દીઓ માટે થેરાપેટિક ટાર્ગેટની ઓળખ થઈ શકે તે માટે મેટા બોલાઈટ બાયોમાર્કર્સનો સમાવેશ થાય છે. પાંચમા અને છેલ્લા પ્રોજેક્ટમાં કોરોનાવાયરસના રિસેપ્ટર બાઈન્ડીંગ ડોમેઈનમાં સ્પાઈક ગ્લાયકો પ્રોટીન સામે એનેટીબોડીઝ વિકસાવવાનો છે

કોરોનાવાયરસનો વ્યાપ વધતો અટકાવવા માટે ડેટા આધારિત અભિગમ અપનાવીને તેની તરાહ જાણી તેનો વ્યાપ વધતો અટકાવવા માટે મહત્વનાં પગલાં લેવાનું જરૂરી બને છે. આ દિશામાં સાયન્સ અને એન્જીનિયરીંગ રિસર્ચ બોર્ડે કોરોનાવાયરસના વ્યાપ અંગે, સ્ટેટેસ્ટીકલ મશની લર્નિંગ અંગે, રોગચાળા અંગેના ડેટા વિશે આગાહી તથા કેન્દ્રિત અભિગમ ધરાવતા મેથેમેટિકલ મોડેલીંગના ટૂંકા ગાળાના પ્રોજેક્ટસની જાહેરાત કરી છે અને આ બાબતે ચેપી રોગોનું સ્વરૂપ, રોગચાળા અંગેના મોડલ બાબતે જથ્થાલક્ષી સામાજિક વિજ્ઞાનનો અભિગમનો સમાવેશ થાય છે. રોગને અટકાવી શકાય અથવા તો તેનો ઉપચાર થઈ શકે તેવા પગલાંના અભાવ વચ્ચે મેથેમેટીકલ મોડલ મારફતે નવા વિસ્તારોમાં પ્રસાર અટકાવવા માટે સક્ષમ પગલાં લઈ શકાય તેમ છે.

ટેકનલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા સંશોધન આમંત્રણ

ટેકનોલોજી વિકાસ બોર્ડ એ વિજ્ઞાન અને ટેકનલોજી વિભાગ હેઠળ કામ કરતી વૈધાનિક સંસ્થા છે. આ સંસ્થાએ કોરોનાવાયરસના દર્દીઓની શ્વાસોશ્વાસની સમસ્યા હલ થઈ શકે તેવા સુરક્ષા સંબંધિ અને ઘરગથ્થુ ઉપાયો શોધવા માટે ભારતીય કંપનીઓ અને એકમો પાસેથી દરખાસ્તો મંગાવી છે. ઉદ્યોગો જરૂરિયાત આધારે સ્થાનિક ધોરણે વિકસાવાયેલા અથવા આયાતી ટેકનોલોજી આધારિત ઓછી કિંમતના માસ્કસ, કરકસરયુક્ત થર્મલ સ્કેનીંગ ડિવાઈસીસ, મોટા વિસ્તારને સેનિટેશન કરી શકાય તેવી ટેકનોલોજીની સાથે સાથે સંપર્ક વિહીન પ્રવેશ, ઝડપી ડાયગ્નોસ્ટીક કીટસ અને ઓક્સીજીનેટર્સ અને વેન્ટીલેટર્સ માટે નવતર પ્રકારના ઉપાયો સૂચવવા જણાવ્યું છે.

કૃત્રિમ મેન્યુઅલ બ્રીધીંગ યુનિટસ (AMBU)

શ્રી ચિત્રા તિરૂનાલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST), ત્રિવેન્દ્રમે કૃત્રિમ મેન્યુઅલ બ્રીધીંગ યુનિટ (AMBU) આધારિત એક વેન્ટીલેટર સિસ્ટમ વિકસાવી છે. આ સંસ્થાનું ઓટોમેટેડ એએમબીયુ વેન્ટીલેટર, ક્લિનીકલ ફેકલ્ટીની સહાય વડે જે દર્દીઓ માટે આઈસીયુ વેન્ટીલેટર ઉપલબ્ધ નથી તેવા ગંભીર દર્દીઓને શ્વાસોશ્વાસ લઈ શકાય તે માટે સહાયક બનશે. આ ટેકનોલોજીના ઝડપથી વીપ્રો3ડી, બેંગ્લોર મારફતે ચકાસણી અને ઉત્પાદનના પ્રયાસો ઝડપથી હાથ ધરાયા છે. આ બધા ઉપરાંત આ સંસ્થા ઈમર્જન્સી વેન્ટીલેટર તૈયાર કરવાની સાથે સાથે કોરોનાવાયરસના દર્દીઓના સ્ક્રીનીંગ માટે ઓછો ખર્ચ ધરાવતી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ડિજિટલ એક્સરે ડિટેક્ટર્સ પણ વિકસાવી રહી છે.

એન્ટી-માઈક્રોબાયલ કોટીંગ

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરતી સ્વાયત્ત સંસ્થા જવાહરલાલ નહેરૂ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટીફીક રિસર્ચ (JNCASR) એક જ સ્ટેપ ધરાવતું અને ઉપચાર થઈ શકે તેવું એન્ટી-માઈક્રોબાયલ કોટીંગ (આવરણ) લઈને આવ્યું છે. આ કોટીંગ ઈન્ફ્લુએન્ઝા અને પેથોજીનિક બેક્ટેરીયા અને ફૂગ સહિતના મેથીસીલીન- રેસીસ્ટન્ટ સ્ટાફીલોકસ ઓરસ, ફ્લુકોનઝોલ રેઝીસ્ટન્સ સી. આર્બિકેન્સ સપ્લિમેન્ટ અને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય તેવા વિવિધ પ્રકારના સિવિયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ કોરોનાવાયરસ-2 (SARS-COV-19) વાયરસનો સંપૂર્ણપણે નાશ કરવા માટે સક્ષમ છે. એવી ધારણા કરવામાં આવે છે કે ફેલાવા દરમિયાન આ કોટીંગનો ઉપયોગ વ્યક્તિગત સુરક્ષા સાધનો, કપડાં અને આરોગ્ય કર્મચારીઓના વસ્ત્રોની સુરક્ષા માટે ઉપયોગમાં લઈ શકાશે.

પાયાના સ્તરે ઈનોવેશન્સ

નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન (NSF)એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરતી વધુ એક સ્વાયત્ત સંસ્થા છે અને તે વ્યક્તિઓ અને સ્થાનિક સમુદાયો મારફતે કોઈપણ ટેકનોલોજીકલ ક્ષેત્રમાં હાથ ધરાયેલા પાયાના સંશોધનોને ટેકો આપે છે અને પ્રોત્સાહિત કરે છે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશને ‘ચેલેન્જ કોવિડ-19 કોમ્પિટીશન (C3)’ મારફતે નાગરિકો પાસેથી રચનાત્મક અને ઈનોવેટીવ વિચારો મોકલવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આ સ્પર્ધા દ્વારા નીચે મુજબના મુદ્દા હલ કરવાની અપેક્ષા છેઃ

(એ) પોષણ અને પ્રતિકાર શક્તિને વેગ આપે તેવો તંદુરસ્ત આહાર (બી) કોરોનાવાયરસનો પ્રસાર ઘટાડવો (સી) વ્યક્તિના હાથ, શરીર, ઘરની ચીજો અને ઘર, જ્યાં પણ જરૂર પડે તેવા જાહેર સ્થળોનું સેનીટાઈઝીંગ (ડી) લોકો અને ખાસ કરીને એકલા રહેતા મોટી વયનાં લોકોને આવશ્યક ચીજોનો પૂરવઠો અને વિતરણ (ઈ) લોકોને ઘરમાં ફાયદાકારક પ્રવૃત્તિમાં જોડી રાખવા (એફ) આરોગ્ય ક્ષેત્રે ક્ષમતામાં વધારો કરે તેવા વ્યક્તિગત સુરક્ષા સાધનો અને ઝડપથી નિદાન કરતી ટેસ્ટીંગ સુવિધાઓ અને (જી) કોરોનાવાયરસ દરમિયાન વિવિધ ક્ષેત્રના લોકોની ભિન્ન જરૂરિયાતો પૂરી પાડવા માટે અમલ થઈ શકે તેવી “કોન્ટેક્ટલેસ” ડિવાઈસીસ. જન સમુદાયમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા ઉપરાંત આ પહેલને કારણે આ મહામારી સંબંધે સરકારો મારફતે જે કાર્યક્રમો હાથ ધરાશે તેમાં સક્રિયપણે સામેલ થવા માટે પણ પ્રોત્સાહન મળશે.

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના પ્રયાસોને અનુરૂપ કામગીરી

અગાઉ ઉલ્લેખ કરાયો છે તે મુજબ ભારત સરકારે કોરોનાવાયરસ સંબંધિત ટેકનોલોજી ક્ષમતાઓના આકલન માટે સ્ટાર્ટ-અપ્સ, શિક્ષણ ક્ષેત્ર, સંશોધન અને વિકાસ, પ્રયોગશાળાઓ અને ઉદ્યોગો માટે ‘કોવિડ-19 ટાસ્કફોર્સ’ની સ્થાપના કરી છે. આ ક્ષમતા માપનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, બાયોટેકનોલોજી વિભાગ (DBT), ઇન્ડિયન કાઉન્સીલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR), ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MEIT), કાઉન્સિલ ફોર સાયન્ટીફીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR), અટલ ઈનોવેશન મિશન (AIM), માઈક્રો, લઘુ અને મધ્યમ કદના એકમો (MSME), સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.

આ ટાસ્કફોર્સે ડાયગ્નોસ્ટીક્સ, ઔષધો, વેન્ટીલેટર્સ, સુરક્ષા સાધનો, ચેપી દૂર કરે તેવી પદ્ધતિઓ વગેરે માટે 500 થી વધુ સંસ્થાઓ નક્કી કરી છે. આ માટે જે ઉપાયો અંગે કામ કરવાનું છે તેમાં રોગના ફેલાવાને નિયંત્રિત કરી શકાય તે માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ આધારિત ઉપાયો, માસ્કસ અને અન્ય સુરક્ષા સાધનો, સેનેટાઈઝર્સ, સ્ક્રીનીંગ માટે પોસાય તેવી કિંમતના કીટસ, વેન્ટીલેટર્સ અને ઓક્સીજીનેટસ, ટ્રેકીંગ, મોનિટરીંગ અને નિયંત્રણ માટે ડેટા એનાલિટીક્સ વગેરે કેટલીક બાબતોનો સમાવેશ થાય છે.

બાયોટેકનોલોજી વિભાગ (DBT) અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની ભગિની સંસ્થા બાયોટેકનોલોજી ઈન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC) દ્વારા પણ કોરોનાવાયરસ રિસર્ચ કોન્સોર્ટિયમ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે અને ઉદ્યોગો, શિક્ષણ જગત, ઉદ્યોગો- શિક્ષણ જગતની ભાગીદારી વડે પોસાય તેવા ડાયગ્નોસ્ટીક્સ, રસીઓ, નવતર થેરાપીઝ, નવા હેતુથી ઔષધોના ઉપયોગો અથવા કોરોનાવાયરસ માટેની અન્ય દરમિયાનગિરીઓ માટે દરખાસ્તો મંગાવવામાં આવી છે.

કાઉન્સિલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) સંસ્થાએ તેના ન્યૂ મિલેનિયમ ઈન્ડિયન ટેકનોલોજી લીડરશીપ ઇનિશ્યેટીવ (NMITLI) હેઠળ ઉદ્યોગો પાસેથી વધુ અસરકારક બની શકે તેવા ઉપાયો, પોસાય તેવા વેન્ટીલેટર્સ જેવા સહાયક સાધનો, ઈનોવેટીવ ડાયગ્નોસ્ટીક્સ (ઝડપી, પોસાય તેવા અને અદ્યતન), નવા ઔષધો અથવા તો ઔષધોના નવા ઉપયોગો, નવા હેતુ માટે શોધાયેલી રસીના નવા ઉપયોગો અને ટ્રેક એન્ડ ટ્રેસ ટેકનોલોજીસ માટે દરખાસ્તો મંગાવી છે.

અન્ય ઈનોવેટિવ, ઝડપી અને આર્થિક ઉપાયો પણ વિવિધ સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં સીએસઆઈઆર- ઈન્સ્ટીટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટીવ બાયોલોજી (IGIB) દ્વારા ટેસ્ટીંગ માટેની એક પેપર સ્ટ્રીપ આધારિત પદ્ધતિ વિકસાવી છે. આ ટેસ્ટીંગથી નોવેલ કોરોનાવાયરસ (SARS-COV-2) માટે વાયરલ આરએનએ પકડી શકાશે.

ઘણાં સંશોધન જૂથો આ રોગચાળાની વાયરસ મોર્ફોજીનેસીસ એન્ડ ડેવલપમેન્ટ, લોકલ પ્રસારનું સિકવન્સીંગ, વાયરસ-હોસ્ટ વચ્ચે પ્રક્રિયા, વાયરસ ફેલાવાની અને આગળ વધવાની તથા તેના પ્રસારની પેટન્ટ, પેથોજીનેસીસ અભ્યાસો અને રોગચાળાલક્ષી ડેટાના એકત્રીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને બેઝીક સાયન્સ અને અન્ય સામાજિક પાસાંઓ ઉપર કામ કરી રહ્યા છે.

ખાનગી પ્રયોગશાળાઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી

ખાનગી કંપનીઓએ કરેલા પ્રયાસોને કારણે ડાયગ્નોસ્ટીક્સ, વેક્સીન્સ અને નવતર થેરાપેટીક્સ વિકસાવવા અંગેની પ્રક્રિયાને સાચે જ વેગ પ્રાપ્ત થયો છે. પૂના સ્થિત એક મોલેક્યુલર ડાયગ્નોસ્ટીક કંપની, માય લેબ ડિસ્કવરી સોલ્યુશન્સ દ્વારા ભારતમાં સૌ પ્રથમ કોરોનાવાયરસ ટેસ્ટીંગ કીટ્સ વિકસાવવામાં આવી છે. આ ટેસ્ટીંગ કીટ્સને ઈન્ડિયન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, ધ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) અને આઈસીએમઆરની માન્યતા મળી છે. આ ટેસ્ટ કીટસથી માત્ર 2.5 કલાકમાં જ પરિણામ પ્રાપ્ત થાય છે. સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા અને એપી ગ્લોબેલ સાથે હાથ મિલાવીને માય લેબની ટેસ્ટ કેપેસીટી સપ્તાહના 1.5 લાખથી વધારીને સપ્તાહમાં 20 લાખ (2 મિલિયન) કરવામાં આવી છે.

પૂના સ્થિત સાયન્સ એન્ડ ટેકનોલોજી પાર્ક (એસટીપી અથવા સાઈટેક પાર્ક) વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ‘નિધિ પ્રયાસ’ પ્રોગ્રામ હેઠળ એક ઈનોવેટીવ એન્ટી કોરોનાવાયરસ સોલ્યુશન લઈને આવ્યું છે. આ પ્રોડક્ટને ‘સાઈટેક એઈરોન (Scitech Airon)’ નામ આપવામાં આવ્યું છે. આ સ્ટાર્ટ-અપનો દાવો છે કે આયોનાઈઝર મશીન દર 8 સેકન્ડ દીઠ અંદાજે 100 મિલિયન (સેકન્ડ દીઠ 10 આયન્સ) જેટલા નેગેટીવલી ચાર્જડ આયન્સ પેદા કરે છે. આ મશીન રૂમની અંદર (રૂમના કદને આધારે) વાયરલ લોડમાં 99.7 ટકા ઘટાડો કરે છે. આ સુવિધા ક્વૉરન્ટાઈન એકમો અને હોસ્પિટલોને સેનેટાઈઝ કરવામાં સારી મદદ કરી શકે તેમ છે.

ટેકનોલોજીકલ અને તબીબી ઉપાયોની સાથે સાથે વિજ્ઞાન આધારિત આઈસી (માહિતી, શૈક્ષણિક અને સંદેશાવ્યવહાર) સામગ્રી તૈયાર કરીને લોકોને વ્યાપકપણે આ સામગ્રીનું વિતરણ કરવું તે પણ એક મહત્વની કામગીરી છે. આ પ્રકારની આઈસી સામગ્રી મારફતે હાલમાં લોકો જેનો સામનો કરી રહ્યા છે તેવી માન્યતાઓ, ગભરાટ અને માનસિક બોજ ઘટાડી શકાશે. આવી જ એક સરકારની આગેવાની હેઠળની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એપ્પને ‘કોરોના કવચ’ નામ આપવામાં આવ્યું છે અને આ દિશામાં કામગીરી માટે વિકસાવવામાં આવી છે. સમાન પ્રકારની અન્ય ટ્રેકીંગ એપ્પ પણ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કોરોનાવાયરસ પોઝિટીવ વ્યક્તિ પૂરવાર થયો હોય તેની નજીકમાં આવે ત્યારે ઉપયોગમાં લેવાય છે. આમ છતાં આ એપ્પને લોકોમાં હજુ સુધી પૂરતી માન્યતા મળી નથી.

યુદ્ધના ધોરણે ઘનિષ્ટ પ્રયાસો

કોરોનાવાયરસ સામેની લડતમાં ભારત સરકારને દેશના આરોગ્ય અને વૈજ્ઞાનિક સમુદાયનો સંપૂર્ણ કટિબદ્ધતા સાથે સહયોગ પ્રાપ્ત થયો છે. સરકારી વૈજ્ઞાનિક એજન્સીઓ સમુદાયો, સંશોધકો, ખાનગી અને જાહેર સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ્સ, ઈન્ક્યુબેટર્સ, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગોને સહયોગ આપવામાં કોઈ કસર છોડતી નથી. ફંડીંગ એજન્સીઓ નેશનલ પ્રોજેક્ટસને વૈશ્વિક પ્રોજેક્ટસ સાથે જોડીને પુનરાવર્તન થાય નહીં તે રીતે જ્યાં પણ જરૂર પડે ત્યાં સમગ્ર પ્રક્રિયાને ઝડપથી વેગ આપી રહી છે.

તા.21 માર્ચના રોજ ભારતના વૈજ્ઞાનિકોને ભારત સરકારની કોરોનાવાયરસ અંગેની એમ્પાવર્ડ કમિટીએ બહાર પાડેલા મેમોરેન્ડમ અનુસાર કોરોનાવાયરસનો ચેપ લાગેલી વ્યક્તિઓના લોહી, નાક અને ગળાના દ્રવ્યોના સેમ્પલ લેવાની છૂટ આપવામાં આવી હતી. આ જાહેરાત પછી કેટલાક સંશોધન પ્રોજેક્ટસ મારફતે સ્થાનિક કોરોનાવાયરસના ચેપ, ડાયગ્નોસ્ટીક કીટ્સ વિકસાવવા અંગે તથા રોગની રસી અંગે સંશોધન હાથ ધરાયું હતું. આ ઉપરાંત સરકારે સીએસઆઈઆર, ડિબીટી, ડીએસટી અને એટમીક એનર્જી વિભાગ (DAE) નેશનલ રિસર્સ લેબોરેટરીઝને કોરોનાવાયરસનું ટેસ્ટીંગ કરવા મંજૂરી આપી હતી. આના કારણે સ્ક્રીનીંગ પ્રોસેસમાં ઝડપ આવશે અને સંપર્કોને શોધવાની પ્રક્રિયા ઝડપી બનશે.

તા. 3 એપ્રિલના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે કુલ રૂ. 56 કરોડના ખર્ચે કોરોનાવાયરસના પડકારને હલ કરવા માટે 50 ઈનોવેશન્સના મૂલ્યાંકન અને સહયોગ માટે ‘સેન્ટર ફોર ઓગમેન્ટીંગ વૉર વીથ કોરોનાવાયરસ હેલ્થ ક્રાઈસીસ’ (CAWATCH) ની સ્થાપના કરી છે. CAWATCH ની સ્થાપના સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ આંત્રપ્રિનિર્યોશીપ (SINE) માં કરવામાં આવી છે. આ આઈઆઈટી મુંબઈનું ટેકનોલોજી બિઝનેસ ઈન્ક્યુબેટર છે, જેને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા CAWATCH કોમર્શિયલાઈઝેશનની પ્રક્રિયા અને ટેકનોલોજીને વિસ્તારવા માટે દેશભરમાં અલગ અલગ તબક્કે સમયસર સહયોગ પૂરો પાડશે. ભારત સરકાર દ્રઢપણે માને છે કે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓ મારફતે ચોક્કસપણે નજીકના ભવિષ્યમાં આ મહામારીને પાર કરવામાં ચોક્કસપણે સહાય થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.