Western Times News

Gujarati News

ખેડા જિલ્લાની આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોએ કોરોના વિરૂધ્ધ ની જંગમાં  ICDS ના કોરોના યોદ્ધા તરીકે પોતાની ફરજો નિષ્‍ઠાપૂર્વક અદા કરી

નડિયાદ-વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નોવેલ કોરોના વાયરસ (Covid-19) ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ત્યારે સંકલિત બાળ વિકાસ યોજના (આઇ.સી.ડી.એસ.) હેઠળ ખેડા જિલ્લામાં ૧૫ આઇસીડીએસ ઘટકો હેઠળ કુલ-૧૯૭૯ આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનો દ્વારાં આ કપરા સમયમાં પણ કોરોના વિરૂધ્ધની જંગમાં ICDS ના કોરોના યોદ્ધા તરીકે પોતાની ફરજો નિષ્‍ઠાપૂર્વક અદા કરી ઉત્કૃષ્‍ટ ઉદાહરણ પુરૂં પાડેલ છે. નોવેલ કોરોના વાયરસ (Covid-19) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન બાદ યોજવામાં આવેલ જિલ્લાના તમામ કુટુંબોના આરોગ્ય વિષયક ડોર ટુ ડોર રેપીડ સર્વેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારાં આશા બહેનો સાથે મળીને કુલ-૧૪,૫૪,૮૬૫ વ્યકિતઓની તપાસ કરવામાં આવી.

જેમાંથી શરદી, ઉઘરસ, તાવ ના લક્ષણો ધરાવતી ૭૮૫૪ પૈકી ૬૯૨૭ વ્યકિતઓને સારવાર આપવામાં આવેલ. સામાન્ય રીતે આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓ જેવા કે, ૭ માસથી ૩ વર્ષના બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તથા કિશોરીઓને આંગણવાડી કેન્દ્ર ઉપરથી દૈનિક પુરક પોષણ તરીકે ટેક હોમ રાશન (THR) તેમજ ૩ થી ૬ વર્ષના બાળકોને ગરમ નાસ્તો આંગણવાડી કેન્દ્ર ખાતેથી આપવામાં આવતો હોય છે

પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં આ લાભાર્થીઓ પુરક પોષણના લાભથી વંચિત ન રહે અને તેઓનું પોષણ સ્તર જળવાઇ રહે તે હેતુસર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારાં નેશનલ ફુટ સિકયોરીટી એકટ (NFSA) -૨૦૧૩ અન્વયે ટેક હોમ રાશન (THR) તરીકે જિલ્લાના ૬ માસથી ૩ વર્ષના ૭૨૫૫૫ બાળકોને બાલશકિત પેકેટ, ૧૩૩૩૧ સગર્ભા મહિલાઓ તથા ૧૭૫૮૧ ધાત્રી માતાઓને માતૃશકિત પેકેટ, ૪૩૪૭૩ કિશોરીઓને પૂર્ણાશકિત પેકેટનું લાભાર્થીઓના ઘરે જઇને વિતરણ કરેલ છે તદ્ઉપરાંત ૩ થી ૬ વર્ષના ૯૦૩૬૬ બાળકોને ગરમ નાસ્તાની અવેજીમાં ટેક હોમ રાશન (THR) તરીકે બાલશકિત પેકેટનું વિતરણ લાભાર્થીઓના ઘરે જઇને કરેલ છે. તેમજ આ કામગીરીમાં આંગણવાડી તેડાગર બહેનો પણ મદદરૂપ થયેલ છે.

આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રનું શૈક્ષણિક કાર્ય મોકુફ હોવાથી આંગણવાડીની અન્ય પ્રવૃત્તિઓ મોકુફ હોવાથી ૩ થી ૬ વર્ષના આંગણવાડીમાં આવતા બાળકો પોતાના ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તથા તે બાળકોને પ્રવૃત્તિમય રાખી શકાય તે હેતુસર બાળકોની પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ તરીકે રમત ગમત ભાગ-૧/ર પુસ્તિકા તથા ચિત્રપોથી લાભાર્થી બાળકોના ઘરે જઇને વિતરણ કરવાની કામગીરી પણ આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનો દ્વારાં અદા કરેલ છે.જેથી બાળકને મનોસામાજીક રીતે પણ આનંદમાં રહેવામાં મદદરૂપ થાય.તેમજ આંગણવાડીની પ્રવૃત્તિઓ તેમજ આપવામાં આવતી શૈક્ષણિક સામગ્રીથી બાળક જાણકાર થાય અને તેનું મહત્વ સમજે.

વધુમાં માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન થકી જિલ્લાના તમામ બાળ વિકાસ યોજના યોજના અધિકારીશ્રીઓ, મુખ્ય સેવિકા બહેનો તથા પોષણ અભિયાનની ટીમની સાથે રહીને જિલ્લાના અતિકુપોષિત બાળકો, સગર્ભા મહિલા, ધાત્રી માતા તથા એનેમિક કિશોરીઓની ગૃહ મુલાકાત કરીને વિશેષ તકેદારીના ભાગરૂપે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે સરકારશ્રી તરફથી સુચવવામાં આવતી સુચનાઓનો અમલ કરવા, અંગત સ્વચ્છતા જાળવવા, આરોગ્ય તથા પોષણ સંબંધિત સલાહ-માર્ગદર્શન આપવાની સરાહનીય કામગીરી કરેલ છે તથા આયુષ ટીમ સાથે રહીને ઉકાળા વિતરણની કામગીરીમાં પણ મદદરૂપ થયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.