Western Times News

Gujarati News

MSME સહિતના ક્ષેત્રો માટે 6 લાખ કરોડ રૂપિયાના પેકેજને અર્થવ્યવસ્થા માટે બૂસ્ટર ગણાવતા નિષ્ણાતો

સૂક્ષ્મ, લઘુ, મધ્યમ તથા મોટા કદનાં એકમો માટે ગેરંટી વગરની 3 લાખ કરોડની લૉનથી નાના અને મધ્યમ એકમોને વિશેષ લાભ

કોરોના મહામારીને કારણે લોકડાઉનના સમયમાં ધીરે ધીરે આર્થિક ગાડી પાટા પર ચડે એ માટે કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ છે. આ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં 12 મી મે 2020 એ રૂા. 20 લાખ કરોડ એટલે કે ભારતની જીડીપીના 10 ટકા સમકક્ષ એવા સ્પેશિયલ ઈકોનોમિક એન્ડ કોમ્પ્રિહેન્સિવ પેકેજની જાહેરાત કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન અથવા તો સ્વ-નિર્ભર ભારત ચળવળ માટે બુલંદ હાકલ કરી હતી, જેના પગલે કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 13 મી મેએ પ્રથમ સોપાનમાં 6 લાખ કરોડનું પેકેજ જાહેર કરી એમ.એસ.એમ.ઇ. ક્ષેત્ર સહિતનાને રાહત આપતા પગલાં જાહેર કર્યા હતા. કામ ઉપર પાછા ફરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પગલાં જાહેર કર્યાં હતાં, જેમાં નોકરિયાતો અને નોકરીદાતાઓ, ઉદ્યોગો, ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોને ફરી ઉત્પાદન શરૂ કરવા અને કર્મચારીઓને ફરી લાભકારક રોજગાર તરફ પાછા ફરવા સક્ષમ બનાવાયા હતા. જેને વ્યાપક આવકાર મળી રહ્યો છે.

નાણાંમંત્રીએ કરેલી જાહેરાત મુજબ વિવિધ બિઝનેસ જેવા કે સૂક્ષ્મ, લઘુ, મધ્યમ તથા મોટા કદનાં એકમો (એમએસએમઈ) માટે રૂ. 3 લાખ કરોડની તાકિદની કાર્યકારી મૂડીની સુવિધા કરવામાં આવી છે. વિવિધ બિઝનેસને, તા.29 ફેબ્રુઆરી, 2020ની સ્થિતિએ તેમના બાકી ધિરાણના 20 ટકા જેટલી વધારાની કાર્યકારી મૂડીના ધિરાણની સુવિધા વ્યાજના રાહત દરે મુદતી ધિરાણ તરીકે પૂરી પાડવામાં આવશે. આ ધિરાણ રૂ. 25 કરોડ સુધીના બાકી લ્હેણાં અને રૂ.100 કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા જેમના હિસાબો સ્ટાન્ડર્ડ હોય તેવા એકમોને આપવામાં આવશે. આ ધિરાણ માટે એકમોએ કોઈ ગેરંટી કે કો-લેટરલ અથવા પોતાની ગેરંટી આપવાની રહેશે નહીં. આ રકમ ભારત સરકારની 100 ટકા ગેરંટી હેઠળ 45 લાખથી વધુ એમએસએમઈ ક્ષેત્રના એકમોને રૂ.3 લાખ કરોડની રકમ મારફતે સંપૂર્ણ પ્રવાહિતા પૂરી પાડવામાં આવશે.

શ્રી વિપુલ રે
એમ.એસ.એમ.ઇ. સેક્ટરને આનાથી ખૂબ મોટી રાહત પહોંચી છે. ગુજરાતના આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો તથા આર્થિક નિષ્ણાતો નાણાંમંત્રીની જાહેરાતને વધાવી રહ્યા છે. ફેડરેશન ઑફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ્ની એમ.એસ.એમ.ઇ. સમિતિના શ્રી વિપુલ રે એ પી.આઇ.બી. પ્રતિનિધિ સાથે વાત કરતાં જણાવ્યું કે પેકેજથી ભારતીય અર્થ્વ્યવસ્થાને મજબૂતી મળશે. પેકેજને આવકારતા એમણે કહ્યું કે સરકારના રૂ.200 કરોડ સુધીના સરકારી ટેન્ડરો માટે કોઈ ગ્લોબલ ટેન્ડર બહાર નહીં પાડવાના નિર્ણયથી ભારતીય ઉદ્યોગોને બૂસ્ટ મળશે.

શ્રી વી. પી. વૈષ્ણવ
તો રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ્ના પ્રમુખ શ્રી વી. પી. વૈષ્ણવે રૂપિયા 20 લાખ કરોડના સ્ટીમ્યુલસ પેકેજ માટે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે રાજકોટ્ના 18 થી 20 લાખ સહિત ગુજરાતમાં ચાર કરોડ જેટલા નાના મોટા ઉદ્યોગો છે. આથી ગુજરાતને આ પેકેજથી નોંધપાત્ર લાભ થશે, એવો મત શ્રી વૈષ્ણવે વ્યક્ત કર્યો હતો. એમ.એસ.એમ.ઇ. ક્ષેત્ર માટે 3 લાખ કરોડ રૂપિયાની લૉન ઉપલબ્ધ કરાવવાના નિર્ણયને પણ એમણે આવકાર્યો હતો.

શ્રી માજિત લાડાણી
દમણમાં એમ.એસ.એમ.ઇ. એકમ ધરાવતા શ્રી માજિત લાડાણીએ અમારા પ્રતિનિધિને જણાવ્યું કે નાના ઉદ્યોગોને ચાર વર્ષ માટે લૉન આપવામાં આવશે, જેનો ઇ.એમ.આઇ. એક વર્ષ માટે ભરવામાંથી મુક્તિ અપાઈ છે, જે ગૃહુદ્યોગો માટે ફાયદેમંદ પૂરવાર થશે. આ ઉપરાંત એમ.એસ.એમ.ઇ. ની નવી વ્યાખ્યા પરિભાષિત કરાઈ છે, જેથી વધુ ને વધુ નાના અને મધ્યમ એકમો આ લૉનનો લાભ લઈ શકશે.

આ ઉપરાંત નાણાંમંત્રીએ નોન-બેન્કિંગ ફાયનાન્સ ઈન્સ્ટીટ્યુશન્સ (એનબીએફસી), હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ (એચએફસી), માઈક્રો ફાયનાન્સ સેક્ટર અને પાવર સેક્ટરને વધુ મજબૂત કરવાના પ્રયાસોની જાહેરાત પણ કરી હતી. શ્રીમતી સીતારમણે રજૂ કરેલા પેકેજમાં આ ઉપરાંત, ઉદ્યોગોને કર રાહત, જાહેર પ્રાપ્તિમાં રોકાયેલા કોન્ટ્રાક્ટર્સને કરારની જવાબદારી પૂરી કરવામાં રાહત તેમજ રિયલ એસ્ટેટ સેક્ટરને અનુપાલનમાં રાહત પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.