Western Times News

Gujarati News

દાહોદ જિલ્લાના તમામ ગામોમાં પાંચ-પાંચ અને ફળિયાદીઠ ત્રણ યુવાનોને કોરોના વોરિયર્સ તરીકે જોડાયા

કોરોના સામે કલેક્ટર કચેરીમાં ‘યુદ્ધ કક્ષ’, ટેક્નોલોજીના સમન્વયથી દૈનિક કામગીરીની થશે સમીક્ષા

જિલ્લા સેવા સદનમાં આવેલા સ્માર્ટ સિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને કોવિડ૧૯ વોર રૂમમાં પરિવર્તિત કરાયો

નેશનલ હેલ્થ પોર્ટલ સાથે જોડાણ થકી કોરોના સામે થયેલી કામગીરીની દૈનિક સમીક્ષા કરાશે, આંકડાના આધારે રણનીતિ નિયત થશે

દાહોદ, દાહોદમાં અત્યાર સુધી બહુ જ નિયંત્રિત રહેલા કોરોના વાયરસના સંક્રમણને આગામી દિવસોમાં ખાળવા માટે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ બે દિવસ પહેલા માસ્ટર એક્શન પ્લાન અમલમાં મૂક્યા બાદ હવે જિલ્લા સેવા સદન ખાતે સ્માર્ટ સિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને વોર રૂમ બનાવ્યો છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા નેશનલ હેલ્થ પોર્ટલ સાથે દાહોદનું પણ જોડાણ થતાં ટેક્નોલોજીના સમન્વયથી કોરોના વાયરસ સામેની રણનીતિ નક્કી કરાશે. આપત્તિની આ ઘડીમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરીની સમીક્ષા દૈનિક ધોરણે અહીંથી જ કરાશે.

કલેક્ટર શ્રી વિજય ખરાડી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયાએ આજે યુદ્ધ કક્ષની મુલાકાત લઇ નેશનલ હેલ્થ પોર્ટલ ઉપર કોવિડ૧૯ વિભાગની જાણકારી મેળવી હતી. આ પોર્ટલ ઉપર કરેલી કામગીરી ફિડ કરવામાં આવતાની સાથે જ તેનું વિસ્તૃત વિશ્લેષણ થઇ જાય છે. ગેપ એનાલિસીસ પણ થઇ જાય છે. દાહોદ માટે સારી વાત એ છે કે, દાહોદ અત્યાર સુધી નોંધાયેલા કેસો સમગ્ર ગુજરાતની સાપેક્ષે બહુ જ ઓછો છે અને તે બાબતને ધ્યાને રાખીએ એવું માનવામાં આવે છે કે, કોવિડ૧૯નું સંક્રમણ ગુજરાતમાં જ્યારે પીક ઉપર હોય ત્યારે દાહોદ જિલ્લામાં મહત્તમ ૫૦ જેટલા કેસો નોંધાઇ શકે છે.

કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે કરવામાં આવતી રોજબરોજની કામગીરીની હવેથી દૈનિક ધોરણે આ યુદ્ધ કક્ષમાં સમીક્ષા કરવામાં આવશે.

આ પોર્ટલ એવું પણ દર્શાવે છે કે, દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ સામે જરૂરી સાધનો, માનવ સંસાધન, હોસ્પિટલમાં સુવિધા પણ પૂરતા પ્રમાણમાં છે. અહીં નાગરિકો પણ હવે સ્માર્ટ બનવાની જરૂર છે. સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી આરોગ્ય સેતુ એપ્લિકેશન કોવિડ૧૯ અંગેની જાણકારી માટેની મહત્વપૂર્ણ છે. આ એપ તેના વપરાશકર્તાને નજીકમાં રહેલા દર્દી, રેડ ઝોન, કન્ટેઇન્મેન્ટ એરિયા અને આરોગ્ય અંગેની સ્વમૂલ્યાંકનની સુવિધા પૂરી પાડે છે.

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ સામેની રણનીતિના જ ભાગરૂપે જ તમામ ગામોમાં પાંચ-પાંચ યુવાનોને કોરોના વોરિયર્સ બનાવવામાં આવ્યા છે. જ્યારે, ફળિયા દીઠ ત્રણ કોરોના વોરિયર્સ બનાવાયા છે. જે ક્વોરોન્ટાઇન કરવામાં આવનારા કે કરાયેલા વ્યક્તિની સંભાળ રાખશે. આ ઉપરાંત, ગામોમાં મૂમેન્ટ રજીસ્ટર રાખવાની સૂચના આપવામાં આવી છે. જેમાં ગામમાં આવનારા તમામ લોકોની નોંધ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.