Western Times News

Gujarati News

જામનગરમાં વધુ ૧૨ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

કોરોનામુક્ત થનાર દર્દીઓમાં ૭ વર્ષની બાળકીનો સમાવેશ

ગાંધીનગર,  જામનગર જિલ્લામાંથી ગઈકાલે વધુ ૧૨ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના મુકત થનાર દર્દીઓમાં ૭ વર્ષની બાળકી અને ૧૧ પુખ્ત વયના દર્દીઓનો સમાવેશ થાય છે. હાલ સુધીમાં જામનગર જિલ્લામાં કુલ ૩૪ પોઝિટિવ કેસ સામે આવેલ છે, જેમાં બે બાળકોના મૃત્યુ થયા હતા.

જામનગરના અન્ય ૩૨ દર્દીઓ અને ખંભાળિયાના ૧ દર્દી એમ કુલ ૩૩ દર્દીઓ જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ હતા. આ દાખલ દર્દીઓમાં આજે જામજોધપુરના ૪ દર્દી,  જામનગર શહેરના ૪ પુખ્ત અને ૧ બાળકી અને ૨ દર્દીઓ ચેલાના અને ૧ જોડિયાના દર્દી એમ કુલ ૧૨ દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીનો જંગ જીત્યો છે.

આજે વધુ ૧૨ દર્દીઓની તબિયતમાં સુધારો જણાતાં તેમને જી.જી. હોસ્પિટલ જામનગરમાંથી રજા અપાઇ છે. નવી ગાઇડલાઇન મુજબ સાજા થયેલા દરદીએ, હોસ્પિટલમાંથી રજા મેળવ્યા બાદ પણ પાંચ દિવસ હોમ કવોરેન્ટાઈનમાં રહેવાનું હોય, કોરોનાને માત આપીને આવેલા નવા ૧૨ દર્દીઓમાંથી જામનગર શહેરના ૫ અને જામજોધપુરના ૪ દર્દીઓને હોમક્વોરેન્ટાઇન રાખવામાં આવશે. જ્યારે ચેલાના ૨ અને જોડિયાના ૧ દર્દીને કે જેઓના ઘરે હોમ કવોરેન્ટાઈન માટે અલાયદી સુવિધાઓ પ્રાપ્ય નથી તેમને આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર ખાતે કવોરેન્ટાઈનમાં રાખવામાં આવેલ છે‌. દરેક ડિસ્ચાર્જ થનાર દર્દી દ્વારા હોમક્વોરેંટાઇનનું સંપૂર્ણ પાલન કરવાની બાંહેધરી આપવામાં આવેલ છે.

જામનગર જી.જી. હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં કુલ ૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, જેમા ૨૧ પુખ્તવયના અને ૨ બાળકોનો સમાવેશ છે. હાલ જી.જી.હોસ્પિટલ ખાતે એક પણ મહિલા કે બાળ દર્દી આઇસોલેશન વોર્ડમાં નથી તમામએ કોરોના સામે જિંદગીની જીતનું ઉદાહરણ આપ્યું છે. હાલમાં આઇસોલેશન વોર્ડ ખાતે ૧૦ પુરુષ દર્દીઓ દાખલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.