Western Times News

Gujarati News

કોરોના મહામારીના સમયમાં લીંબુની ખેતી કરી ઈશ્વરભાઈએ 1.50 લાખની આવક કરી

 ગાયના મળમુત્ર દ્વારા તૈયાર થયેલ ખાતરનો ઉપયોગ –જીવામૃત ખાતર બનાવી લીંબુના છોડ પર છંટકાવ કરી વધુ ઉત્પાદનની સાથે સારો ભાવ મેળવ્યો :  રાજ્ય સરકાર પાટણ જિલ્લાના આ કર્મનિષ્ઠ ખેડૂત ઈશ્વરભાઈ પટેલ ને પ્લાન્ટેશન, ખાતર તથા મજૂરી પર ૪૦ ટકા સબસીડી આપી મદદરૂપ બની

ફેલો, વડલિયા વિજય કોરોના મહામારીના કપરા સમયમાં દરેકના કામધંધા બંધ છે. ખેડૂત પણ પોતાની આવક અંગે ચિંતિત બન્યા છે. તેવામાં ખેડૂતોની ચિંતા કરતાં રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને મદદરૂપ બની રહી છે. પાટણ જિલ્લાનાં હારીજ તાલુકાના ભલાણા ગામના કર્મનિષ્ઠ ખેડૂત ઈશ્વરભાઈ પટેલ જેઓએ સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી લીંબુની સફળ ખેતી કરીને સારી આવક મેળવી છે.

સખત મહેનત, ખંત, ઉત્સાહ, અભ્યાસ અને રાજ્ય સરકારની સહાય થકી સફળ ખેતી કરીને સારો એવો લાભ મેળવ્યો છે. ઈશ્વરભાઈ પોતાની ૧.૫ એકર જમીન પર લીંબુના છોડનો બગીચો બનાવી ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષ તેમણે ૪ ટ્રોલી દેશી ખાતર અને જીવામૃતનો છંટકાવ કરીને લીંબુના છોડની સારી એવી માવજત કરી. જીવામૃતનો ઉપયોગ કરવાથી લીંબુના છોડમાં કોઈ પણ જાતનો રોગ આવતો નથી અને છોડની ટકાઉ શક્તિ પણ સારી રહે છે.

લીંબુના બગીચામાં રૂ.૨૦,૦૦૦નો ખર્ચ કરતા તેની સામે તેમણે ૫૦૦૦ કિલો લીંબુનું ઉત્પાદન મેળવ્યું છે. કોરોના મહામારીના કારણે બાગાયતી પાકની નિકાસ ઓછી થવાથી ઓછો ભાવ મળતો હતો. એવામાં ઈશ્વરભાઈએ પાટણની જુદી-જુદી સોસાયટીઓમાં રૂ.૫૦ થી ૭૦ પ્રતિ કિલોના ભાવે અંદાજીત ૧૫૦૦ કિલો લીબું અને રૂ.૩૫ના ભાવે માર્કેટમાં વેચાણ કરી કુલ રૂ.૧.૫૦ લાખની આવક મેળવી છે. વધુમાં ઈશ્વરભાઈ પટેલ કહે છે કે, પ્રાકૃતિક કૃષિની પહેલથી મારે બગીચામાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વાપરવી પડી નથી.

જેથી ખેતીના ખર્ચમાં ઘટાડો થયો અને જમીન એકદમ જીવંત થઇ હોય તેવુ લાગે છે. સાથે-સાથે આવક પણ વધારે મળી છે.

સરકારશ્રીના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શનથી ગાયના મળમુત્ર દ્વારા તૈયાર થયેલ ખાતરનો ઉપયોગ કરીને પ્રાકૃતિક લીંબુની ખેતી કરી હતી. જેના ફળ સ્વરૂપ ૧ માસ સુધી લીંબુ બગડતા નથી અને રસથી ભરપુર આવે છે. મહત્વની વાત તો એ છે કે, ઈશ્વરભાઈ એ પોતાના ઉત્પાદનનું જાતે માર્કેટીંગ કરીને લીંબુના સારા ભાવ મેળવ્યા છે અને બીજા ખેડૂતોને પોતાના પાકનું જાતે જ માર્કેટીંગ કરી આવક મેળવવાનો શુભ સંદેશ આપ્યો છે.

લીંબુઃ  લીંબુડીને જાે કાયમ ખાતર-પાણી એકધારા મળતાં રહે તો વરસભરમા એની મેળે જ વધુમાં વધુ ફળો આપે છે. જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં  (એટલે કે આંબે બહાર) ફુલ ઉત્પાદનના મોટાભાગના ફળો લગભગ ૬૦ ટકા જેટલા જથ્થો મળતો હોય છે.

પણ એ દિવસોમાં ભર ચોમાસુ હોઈ બજારમાં તેની ખાસ માંગ હોતી નથી. અને ભાવો સાવ ઢેફે ગયેલા હોય છે. એટલે દ્રષ્ટિવાન ખેડૂત કોઈ આવા દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવાનો ધંધો કરે ખરા ?

લીંબુના ખરા ભાવ મળે ધોમધખતા ઉનાળા દરમ્યાન જે ફળો પાકે એના. અને એ હોય છે હસ્ત બહારમાં જે ફુલો ખીલ્યા હોય એના. પણ ખેડૂતને મુંઝવનારી વાત એ છે કે ફાલનું ઉત્પાદન હોય છે કુલ વજનના માત્ર ૧૦ ટકા જ. અને સામે ધોમ ગરમીની ઋતુ હોવાથી લીંબુની માંગ હોય જબરી. આ ટાણાનું ઉત્પાદન જા વધુ મળી જાય તો લીબુની ખેતી બાગાયતદારોને ખરી ફળતી ભળાય.પણ એ શક્ય બને ? હા બને. બાગાયતશાસ્ત્રીઓ અને અનુભવી બાગાયતદારોનુ કહેવું છે કે ન શું થાય ? એ માટે જરૂર છે એના વિષેની પૂરી જાણકારી અને ઝાડવા સાથે સલુકાઈભર્યા વર્તનની.

આ માટે ટાણાસરનો આરામ લેવડાવવા લીંબુડીને જરૂર પડે તો ચોમાસા દરમિયાન પિયત દેવું  નહીં. વરસાદ પુરો થયે ઝાડવા પરથી મોટા લીંબુ બધા ઉતારી લેવા, અને પિયત આપવાનું સદંતર બંધ કરવું. જેથી પાન પાકી જઈ ખરવા માંડશે. જમીન ભેજ ન છોડતી હોય તો તંતુમુળ તૂટે એવો ઉંડો ગોડ આપી જમીનનો ભેજ છોડાવવો. પાંદડા બધા ભલે ખરી ન જાય પણ સાવ પાકોટી જાય ત્યાં પાણી દેવાની ઉતાવળ ન કરવી.

દરમ્યાન સૂકી અને રોગિષ્ટ ડાળીઓ કાપી લઈ દૂર કરવી. કાપની જગ્યાએ બાર્ડોપેસ્ટ લગાડવું અને પહોંચ મુજબ બોનમીલ, રાખ, વર્મીકંપોસ્ટ અને દિવેલી-લીંબોળી ખોળ તથા કોહવાયેલું ગળતિયું ખાતર ખામણામાં પાથરી ભેળવી રાખવા. તૈયારી આ બધી કરી રાખવી પણ પિયત તો પાન પાકોટ્યા પહેલા ન જ શરૂ કરવું. ઝાડ પૂર્ણ આરામમાં ગયા પછી પાણી આપીએ એટલે નવી ફૂટ જે નીકળશે તેમાં પાંદડા થોડાં અને ફૂલો વધુ ખીલેલા ભળશે. નવેમ્બરની શરૂઆતથી આખર સુધી જે ફુલો ખીલશે તે ઉનાળાની ખરી ગરમીમાં લીંબુને પરિપક્વ બનાવશે, જે માર્કેટમાં સારામા સારા ભાવે વેચાશે અને ખેડૂતને ઠીક ઠીક નાણાં રળી આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.