Western Times News

Gujarati News

HIV પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા ઝંખનાબેન શાહ

સારું છે ને ?…  બધુ જ સારું થઈ જશે”…કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આ શબ્દો હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે- HIV પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા ઝંખનાબેન શાહે ઉક્ત શબ્દો દ્વારા પ્રોત્સાહિત થઈ માત્ર ૭ દિવસમાં કોરોનાને આપી મ્હાત

જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીને પૂછવામાં આવે કે તમને સારું છે ને ? ત્યારે હુંફ અને સહાનુભૂતિ ભર્યા આ શબ્દો દ્વારા દર્દી કોરોના સામેની અડધી જંગ જીતી લે છે… કેમ કે એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથિની સાથે-સાથે સાઈકોલોજીકલ (મનોસ્થિતિ) સારવાર પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દી અને હોમ કોરન્ટાઈન કરાયેલા તેમના પરિવારના સભ્યોને “બધુ જ સારું થઈ જશે” આ શબ્દો તેમનામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેવું કાઉન્સેલર ઝંખનાબેન શાહ જણાવે છે.

અમદાવાદ સિવિલ ખાતે આવેલા એઆરટી સેન્ટરમાં છેલ્લા ૧૪ વર્ષથી ઝંખનાબેન શાહ HIV પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરવાની કામગીરી બખૂબી રીતે નિભાવી રહ્યા છે.

ઝંખનાબેન કહે છે કે, એચઆઈવી પોઝિટીવ થયેલાં દર્દીનું કાઉન્સેલિંગ કરતાં હું પોઝિટીવ થઈ હતી. મને કોરોનાનાં લક્ષણો જણાતાં ટેસ્ટ કઢાવતાં રીપોર્ટ પોઝિટીવ આવ્યો. ત્યારબાદ હું સિવિલની ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થઈ. હોસ્પિટલમાં ડૉક્ટર્સ, પેરા-મેડીકલ અને અન્ય સ્ટાફ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવે છે.

કોરોના વોર્ડમાં દર્દી દાખલ હોય ત્યારે દર્દીની સાથે-સાથે તેના પરિવારને માનસિક હુંફની તાતી જરૂરિયાત હોય છે. હું હોસ્પિટલમાંથી મારા પરિવારને ટેલિફોનિક વાતચીત તેમજ વિડિયોકોલ કરીને હુંફ પૂરી પાડતી હતી. મારા મિત્રોને પણ હું ફોન કરીને કહેતી કે તમે મારા ઘરે ના જઈ શકો તો કંઈ નહિ પરંતુ તમે મારા પરિવારના સદસ્યોને ફોન કરીને સહકાર આપજો એવું ઝંખનાબહેન જણાવે છે.

ઝંખનાબેન સૌ નાગરિકો સંદેશો આપતાં જણાવે છે કે, તમારી આસપાસ જો કોઈ કોરોના વોરિયર્સ હોય અને તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોય તેવા સંજોગોમાં તેમના પરિવારને સહયોગ કરજો અને તેમના પરિવારને પૂછજો કે કંઈ કામ હોય તો કહેજો અમે તમારી સાથે છીએ. આ પ્રકારનું હકારાત્મક વાતાવરણ ઉભું થાય તે જરૂરી છે. હકારાત્મક વાતાવરણથી કોરોના વોરિયર્સનો જુસ્સો બમણો થશે…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.