Western Times News

Gujarati News

ડાૅ. ચિરાગ પટેલે માનસિક રીતે  પોઝિટીવ રહી કોરોનાને નેગેટીવ કર્યો

અમદાવાદ: ડાૅ. ચિરાગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ચિરાગ સામાન્ય દિવસોમાં ટ્રોમા સેન્ટર ખાતે ઈમરજન્સી સારવાર માટે આવનારા દર્દીઓની પ્રાથમિક સારવાર કરે છે અને ત્યારબાદ દર્દીને સર્જીકલ અને મેડીકલ વિભાગમાં ટ્રાન્સફર કરે છે.

સિવિલ ખાતે ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી ત્યારથી ડાૅ. ચિરાગ ટ્રાએજ એરિયા એટલે ઈમરજન્સી સારવાર વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. ગુજરાતમાં જ્યારથી કોરોનાની શરૂઆત થઈ ત્યારથી લઈને આજદિન સુધી સતત ૧૪ થી ૧૬ કલાક સુધી કોરોનાના વોર્ડમાં હાજર રહી કરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. ઈમરજન્સીમાં આવનારા દર્દીઓની સારવાર કરી અનેક દર્દીઓના જીવ બચાવ્યા છે.

મે અને જૂન મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં જ્યારે કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી ત્યારે ડાૅ. ચિરાગ પ્રતિદિન ૭૦ થી ૮૦ કોરોનાના અતિ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરતાં હતાં. ઈમરજન્સીનો મુખ્ય આધારસ્તંભ ભાગ ટ્રાએજ એરિયા હોય છે, દર્દીને લાઈફ-સેવિંગ એટલે કે જરૂરી સઘન સારવાર આપવામાં આવે છે. જ્યાં મુખ્યત્વે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતાં દર્દીઓ આવે છે, જેથી દર્દીઓને વેન્ટીલેટર અને બાયપેપ પર રાખવા માટે આઈ.સી.યુ. અને એન.આઈ.સી.યુ.માં મોકલી આપવામાં આવે છે.

કોરોના વાયરસનું અતિ સંક્રમણ ધરાવતા ટ્રાએજ વિસ્તારમાં કામ કરતા હોવાને કારણે કોરોનાગ્રસ્ત થયા હતાં. ડાૅ. ચિરાગ પટેલ જણાવે છે કે, ૧૫ જૂનના રોજ ડ્યુટી પર હતો ત્યારે અચાનક બપોરે તાવ અને ઠંઠી લાગવા લાગતાં મેં કોરોનાનો રીપોર્ટ કરાવાનું નક્કી કર્યું. મારો રીપોર્ટ પોઝિટીવ આવ્યો જેથી હું તરત જ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. મારી સારવાર દરમિયાન સ્વાસ્થ્યની સ્થિતિ ગંભીર જણાતાં મને ટોસિલિઝુમેબ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું જેથી મારી તબિયતમાં ઝડપથી સુધારો થયો હતો. આ ઉપરાંત મને રેમડેસિવીર ઈન્જેશન તેમજ લોહી પાતળુ કરવા માટેનું ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. મને પ્રતિદિન ૨ થી ૪ લિટર ઓક્સિજનની જરૂર પડતી હતી. હું સતત ૨૦ દિવસ સુધી યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઈને ઘરે પરત ફર્યો છું.

કોરોનાના અન્ય દર્દીઓ પણ ઝડપથી સાજા થાય તે માટે ૪૮ વર્ષીય ડાૅ. ચિરાગ પટેલે પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ લીધો છે. તેઓ જણાવે છે કે, હું છેલ્લા ૨૨ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવું છે એટલે મેં ઈબોલા, ચિકનગુનિયા, સ્વાઈન ફ્લુ સહિતનાં રોગોમાં કામ કર્યું હતું પરંતુ કોરોનાની મહામારીમાં કામ કરવાનો મારો જીવનપર્યંત અનુભવ રહેશે.

ડાૅ. પટેલ જણાવે છે કે, મને કોરોનાથી ઝડપથી સાજાં થવામાં મારા પરિવાર, મિત્રો અને મારા હોસ્પિટલના પરિવારે ખૂબ જ સહયોગ આપ્યો. બધા તરફથી સતત હુંફ, પ્રેમ, લાગણી અને કાળજી પ્રાપ્ત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ અને બી.જે.હોસ્પિટલ ખાતે કાર્યરત ડાૅક્ટર્સની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે દર મહિને ‘સ્ટાર ઑફ ધી મન્થ એવોર્ડ આપવામાં આવે છે. સતત ૧૨૦ દિવસથી એકપણ દિવસ રજા લીધા વિના કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલા ડાૅ. ચિરાગ પટેલને જૂન મહિનામાં ‘સ્ટાર ઑફ ધી મન્થ એવોર્ડ  આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.