Western Times News

Gujarati News

આસામ-બિહારમાં પુર : ૬૮ લાખથી વધારે લોકોને અસર

ગુવાહાટી-પટણા : બિહાર અને આસામાં પુરની સ્થિતિ ખુબ ગંભીર બનેલી છે. બંને રાજ્યોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારો તો જળબંબાકાર થઇ ગયા છે. એકબાજુ આસામમાં પુરની સ્થિતિ વધારે વણસી ગઇ છે. રાજ્યમાં ૩૩ જિલ્લાઓ પૈકી ૩૦ જિલ્લા પુરના સકંજામાં આવી ગયા છે. આસામમાં મોતનો આંકડો વધીને ૧૫ ઉપર પહોંચી ગયો છે. આવી જ રીતે બિહારમાં પુરના કારણે ૧૨ જિલ્લા સકંજામાં આવી ગયા છે.

અહીં મોતનો આંકડો વધીને ૨૫ ઉપર પહોંચી ગયો છે. બિહારમાં આશરે ૨૬ લાખ લોકોને અસર થઇ છે. બંને રાજ્યોમાં કુલ મોતનો આંકડો ૪૦થી ઉપર પહોંચી ગયો છે. એકલા આસામમાં ૪૫ લાખ લોકોને પ્રતિકુળ અસર થઇ છે.ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અસરગ્રસ્ત તમામ લોકોને ૬૮ રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી બાજુ ભારે વરસાદ બાદ ઉભી થયેલી પુરની સ્થિતિ કારણે ૧૫૩૨૧૧ હેક્ટર પાક જમીનને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી વધુ તીવ્ર કરી દેવામાં આવી છે. જે ૩૧ અસરગ્રસ્ત જિલ્લાઓ રહેલા છે તેમાં ધેમાજી, લખીમપુર, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, ચિરાંગ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. આસામમાં પુરના પરિણામ સ્વરુપે વિશ્વપ્રસિદ્ધ કાજીરંગા નેશનલ પાર્કમાં ૭૦ ટકા પાણી ઘુસી ગયા છે.

૯૫ કેમ્પોમાં પણ પાણી ઘુસી ગયા છે. બીજી બાજુ પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૨ જિલ્લાઓમાં પણ પુરની સ્થિતિ ગંભીર બનેલી છે. ઉત્તરીય વિસ્તારોમાં નેપાળના વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે પાણીની સપાટી વધી ગઈ છે. ૧૨ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. રાજ્યના ૧૨ જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે મોનસુની વરસાદના કારણે સ્થિતિ વણસી ગઈ છે.બિહારમાં ૨૫ મોત થયા છે. સિતામડીમાં સૌથી વધારે ૧૦ લોકોના મોત થયા છે. જ્યારે અરનિયામાં નવ લોકોના મોત થયા છે.

કિસનગંજમાં ચાર લોકોના મોત થયા છે. શિયોહારમાં એકનુ મોત થયુ છે. બિહારના પૂર્વીય ચંપારન જિલ્લામાં બે જુદા જુદા બનાવોમાં ચાર બાળકોના ડુબી જવાથી મોત થયા છે. બિહારમાં પુરના કારણે ૨૬ લાખ લોકોને અસર થઇ છે. આસામમાં અડધાથી પણ વધારે જિલ્લાઓ બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં પુરના કારણે જળબંબાકાર થઇ ગયા છે. બિહારમાં પણ સ્થિતિ ખરાબ થઇ રહી છે.

ઉત્તરપ્રદેશમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આસામના બારપેટામાં સૌથી વધારે ૭.૩૫ લાખ લોકોને અસર થઈ છે. ત્રિપુરા અને મિઝોરમમાં પણ પુરથી ૧૫ હજાર લોકોને અસર થઈ છે. આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે વર્તમાન પુરની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલા અંગે પણ વડાપ્રધાનને માહિતી આપી છે. આસામમાં કાજીરંગા પાર્કમાં પણ પુરના પાણી ઘુસી ગયા છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે. સ્થિતિમાં હાલમાં સુધારો થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.