Western Times News

Gujarati News

ગામડાંઓમાં સરકારી માલિકીના વાડાની જમીન કાયદેસર કરી કબજેદારને સોંપાશે

File

રાજ્ય સરકારે છેલ્લા ૩ વર્ષમાં પ્રો-એકટીવલી રેવન્યુ કાયદામાં ધરખમ ફેરફાર કર્યા છે – સંવેદનશીલતાથી ઐતિહાસિક પરિવર્તન રેવન્યુ એકટમાં આ સરકારે કર્યુ :- શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી વિધાનગૃહના નેતા તરીકે વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન માંગરોળના ધારાસભ્ય શ્રી બાબુભાઇ વાજાએ રાજ્યના વિવિધ જિલ્લાઓ, કોર્પોરેશન હસ્તકની જમીનો તથા ગ્રામીણ ક્ષેત્રોમાં વર્ષ-૧૯૭૧ પહેલાંનો કબજો ધરાવતા જમીન ધારકોને તે જમીન/જગ્યા કબજા ધારકને નામે કરી આપવાના પ્રશ્નના જવાબની ચર્ચામાં દરમ્યાન થયા હતા.  મુખ્યમંત્રીશ્રીએ વિધાનગૃહમાં આ અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે.

આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂંસી અને કાયદેસરની પ્રક્રીયાને કારણે ઉદ્દભવતા ઘર્ષણો ટાળવા માટે ગૃહમાં વિપક્ષી નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ પણ સરકારને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.           મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં પણ વિસ્તૃત અને મહત્વપૂર્ણ જવાબ પાઠવતા જણાવ્યું કે, રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇની માલિકી પર વર્ષોથી ઊભી થઇ ગયેલી હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંકોને તોડી પાડી કે કોર્ટના ચૂકાદાને માન્ય રાખીને તેને નેસ્તનાબૂદ કરી લાખો લોકોને છત વગરના કરી દેવા અનુચિત છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અમારી સરકારે લાગણીસભર સંવેદના સાથે ઐતિહાસિક પરિવર્તન રેવન્યુ એકટમાં લાવીને યુ.એલ.સી.માં થયેલા મકાનોને કાયદેસર કર્યા. સૂચિત સોસાયટીમાં જે મકાનો છે તેને પણ કાયદેસર કર્યા છે.           તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર સમક્ષ ગામડાંના લોકોની પણ લાગણી આવી કે, વાડાની જમીનો વર્ષોથી બાપ-દાદાના વખતથી લોકો વાપરે છે. ઘરની એડજોઇનીંગ જ આવી જમીન હોય તેમાં ઢોર-ઢાંખર, નીરણ તેઓ રાખતા હોય છે.

આવી જમીનની માલિકી સરકારની છે અને કબજો વર્ષોથી જે-તે વ્યકિત પાસે છે. એવા સંજોગોમાં વાડાની જમીન કાયદેસર કરીને લોકોને આપવી તેવો નિર્ણય પણ સરકારે પ્રો-એકટીવ થઇને લીધો છે એમ તેમણે ગૃહને જણાવ્યું હતું.           મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ બધા રેવન્યુના પ્રશ્નો, તકરારો, વાંધા-વિવાદોને કારણે લોકોને તકલીફ પડે છે. અનિશ્ચિતતાને કારણે ભયમાં જીવવું પડે છે. એમને ભયમુકત કરી આવાસ છત આપવા સરકારે આ બધા સુધારાઓ કર્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે એ જ રીતે જે ઝૂંપડપટ્ટીઓ સરકારી જમીનમાં, કોર્પોરેશનની જગ્યામાં બની ગઇ છે તેને પણ રી-ડેવલપમેન્ટ સ્કીમમાં પાકા મકાનો બનાવીને ગરીબ-મધ્યમવર્ગીય લોકોને, વધુને વધુ લોકોને મકાનો મળે તથા ર૦રર સુધીમાં પ્રત્યેક વ્યકિત પાકા મકાનમાં રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.