Western Times News

Gujarati News

અમદાવાદમાં ૭૧માં વન મહોત્સવ જિલ્લાકક્ષાની ઉજવણી E.S.I.C હોસ્પિટલ નરોડા ખાતે થઈ

વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે : વૃક્ષારોપણ અને કોરોના પ્રતિકારવર્ધક રથનું લોકાર્પણ

કોરોના પ્રતિકારવર્ધક રથ ઘરે-ઘરે ઔષધીય છોડનું નિ:શુલ્ક વિતરણ કરશે, : ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ નરોડા ખાતે ૨ હજાર ઔષધીય છોડનું વાવેતર

રાજ્યભરમાં ૭૧મો વનમહોત્સવ કોરોના સંક્રમણને કારણે નિશ્ચિત માર્ગદર્શિકાના પાલન સાથે ઉજવાઈ રહ્યો છે. ગુરુવારે અમદાવાદમાં વનમહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ નરોડા ખાતે કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ઘેટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન શ્રી ભવાનભાઈ ભરવાડે આ પ્રસંગે વૃક્ષારોપણ કર્યું હતું. ઉપરાંત તેઓએ કોરોના પ્રતિકારવર્ધક રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઇ.એસ.આઇ.સી. હોસિટલ નરોડા ખાતે ૨ હજાર ઔષધીય છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.

વૃક્ષોનું મહત્વ સમજાવતા વિધાનસભા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, એક ઘટાદાર વૃક્ષ વર્ષે ૩૦ લાખ રૂપિયાથી વધુની કિંમતનો ઓક્સિજન વાતાવરણમાં ઠાલવે છે. કોરોના કાળમાં ઓક્સિજનયુક્ત શુદ્ધ હવા, વૃક્ષો અને ઔષધીય છોડના મહત્વ વિશે સૌ કોઈ પુન: વિચારતા થયા છે.

રાજ્યમાં નદીકાંઠે ૨૫ લાખ જેટલા રોપાનું વાવેતર કરવાના આયોજન માટે વન વિભાગને અધ્યક્ષશ્રીએ અભિનંદન આપ્યા હતા. વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે, વિશ્વભરમાં વર્ષે કરોડો વૃક્ષો કપાય છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનકાળમાં બે વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો જ પર્યાવરણને થતું નુકસાન સરભર કરી શકાય તેમ છે.

તેઓએ કહ્યું કે વર્તમાન વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાંસ્કૃતિક વન નિર્માણની પહેલ કરી હતી આજે ગુજરાતમાં ૧૯ સાંસ્કૃતિક વન તૈયાર થઈ ચૂક્યા છે.

અધ્યક્ષશ્રી એ વધુમાં જણાવ્યું કે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વૃક્ષઆચ્છાદનમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. દરિયાઇ કાંઠે થતી ઉપયોગી વનસ્પતિના સંવર્ધનમાં પણ ગુજરાત રાજ્યે કાઠું કાઢ્યું છે. તે બદલ રાજ્યના વન વિભાગની સરાહના કરવી ઘટે. અધ્યક્ષશ્રીએ આ તકે સૌને વૃક્ષની ઉપસ્થિતિને વ્યક્તિગત જીવન સાથે સાંકળવાનું સૂચન કર્યું હતું.

વૃક્ષારોપણ બાદ વિધાનસભા અધ્યક્ષશ્રીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગજની બાદ મૃત્યુ પામેલ દર્દીઓ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી મૃતકોની સદગતિ માટે પ્રાર્થના કરી હતી.  ઘેટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન શ્રી ભવાનભાઇ ભરવાડે કોરોના પ્રતિકારવર્ધક રથ વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ રથ અમદાવાદના હાંસોલ, શાહીબાગ, અસારવા અને નરોડા વિસ્તારમાં ફરી ઔષધીય છોડનું નિ:શુલ્ક વિતરણ કરશે. વનવિભાગ દ્વારા નિર્મિત રથમાં કુંવારપાઠું, સતાવરી, અરડુસી અને તુલસીના રોપાનો સમાવેશ થાય છે

ચેરમેનશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં ૨ હજાર જેટલી નર્સરી (રોપા ઉછેર કેંદ્ર) આવેલી છે જેના થકી વર્ષે લાખો રોપાનું વિતરણ ગ્રામ્ય, તાલુકા અને શહેર કક્ષાએ કરવામાં આવે છે. તેઓએ કહ્યું કે, કનૈયાલાલ મુનશીએ સામૂહિક વનીકરણના આવા કાર્યક્રમોની શરૂઆત કરાવી હતી. વર્તમાન વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાંસ્કૃતિક વનનો નવીનતમ વિચાર આપ્યો અને વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને કોરોના પ્રતિકારવર્ધક રથની પહેલ કરી છે. આ દરેક તબક્કે રાજ્યના વન વિભાગની કામગીરી સરાહનીય રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય વનસંરક્ષક શ્રી એ. એમ. પરમાર, નાયબ વન સંરક્ષક સુશ્રી સક્કિરાબેગમ આર., જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ અને વન વિભાગના અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.