Western Times News

Gujarati News

ડમ્પર વીજતારને અડકી જતા બે સગા શ્રમિક ભાઈના મોત

બાયડ-ગાબટ વચ્ચે રોડની કામગીરી દરમિયાન ઘટી દુર્ઘટના,રાજસ્થાનથી પરિવારજનો પહોંચી આક્રંદ

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજકરંટ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે બાયડ-ગાબટ રોડની કામગીરી દરમિયાન કપચીનું ડમ્પર ખાલી કરતા સમયે નજીકમાંથી પસાર થતા વીજતારને અડકી જતા ડમ્પરમાં વીજ કરંટ ઉતરતા બે શ્રમિકોને વીજ કરંટ લાગતા મોત નિપજતા ભારે ચકચાર મચી હતી રાજસ્થાનના બાડમેર નજીકના અને મજૂરી કરી પેટિયું રળતા બંને સગા ભાઈના વીજ કરંટથી મોત નિપજતા વતનથી મોટી સંખ્યામાં પરિવારજનો અને સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી બાયડ પોલીસે બંને શ્રમિકોની લાશને પીએમ માટે બાયડ સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર,બાયડ થી ગાબટ સુધી રોડને પહોળાઈ કરવાની કામગીરી ચાલી રહી છે રોડ પહોળાઈની કામગીરી માટે ડમ્પર કપચી ભરીને આવતાં રોડ નજીક ખાલી કરતા સમયે ડમ્પરમાં રહેલા બંને શ્રમિકો ડમ્પર ઉંચુ થતા ઉપરથી પસાર થતા વીજતારને અડકી જતા સમગ્ર ઘટના બની હતી રાજસ્થાનના બાડમેર નજીકના તારારામ ભીલ અને પ્રકાશ ભીલ નામના સગા ભાઈઓનું વીજકરંટ થી ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા બાયડ પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા

બાયડ પોલીસે બંને મૃતક ભાઈઓના મૃતદેહને બાયડ સરકારી દવાખાને ખસેડી પીએમ કરવાની કામગીરી હાથધરી હતી બાડમેરથી બંને શ્રમિકોના પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં બાયડ સરકારી દવાખાને પહોંચી કલ્પાત કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી બાયડ પોલીસે સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.