Western Times News

Gujarati News

સરદારનગરમાં પોલીસની મેગા ડ્રાઈવઃ ૧૦થી વધુ બુટલેગરોની ધરપકડ

હજારો લીટર વોશનો નાશ કરાયો  

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દારૂ-જુગારની બદીને ડામી દેવા પોલીસ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે જેના પરિણામે અનેક નામચીન બુટલેગરોના અડ્ડાઓ બંધ થઈ ગયા છે પરંતુ શહેરના સરદારનગર વિસ્તારમાં હજી પણ અનેક ઘરોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની માહિતીના પગલે ગઈકાલે મોડી સાંજથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું


જેમાં હજારો લીટર વોશનો નાશ કરી દેવામાં આવ્યો હતો ચોંકાવનારી બાબત એ છે કે બુટલેગરોએ વોશના કેરબા જમીનમાં દાટી દીધા હતાં જે બહાર કાઢી તેનો નાશ કરવામાં આવ્યો હતો પોલીસે આ અંગે ૧૦થી વધુ બુટલેગરોની સામે કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દારૂ જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલા આદેશના પગલે સ્થાનિક પોલીસ સક્રિય બનેલી છે શહેરમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહયા છે અને આ પ્રવૃતિમાં સંકળાયેલા બુટલેગરો સામે કાર્યવાહી કરાઈ રહી છે

અમદાવાદ શહેરમા દારૂ જુગારના અડ્ડા પર શરૂ કરાયેલી કાર્યવાહીથી અનેક બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ખાસ કરીને વિદેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોએ પોતાના ધંધા બંધ કરી હવે હોમ ડીલીવરી શરૂ કરવાનું શરૂ કર્યું છે

વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવા ઉપરાંત સરદારનગરમાં પણ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે. નિયમિત રીતે આ વિસ્તારમાં પોલીસ અધિકારીઓની આગેવાનીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવે છે

તેમ છતાં આ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય છે. છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં પુનઃ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની માહિતી મળતા જ એસપી કક્ષાના ઉચ્ચ અધિકારીની આગેવાનીમાં ગઈકાલ સવારથી જ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો

દિવસભર સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભારે ધમધમાટ જાવા મળ્યો હતો અને આ વિસ્તારમાં ફરી એક વખત મેગા ડ્રાઈવ યોજવાનું નકકી કરાયું હતું મોડી સાંજે આ વિસ્તારમાં એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીની આગેવાનીમાં ત્રણ પોલીસ ઈન્સ્પેકટર, ૧ર પીએસઆઈ તથા ૧૬૦ કોન્સ્ટેબલોની આઠ ટીમો બનાવવામાં આવી હતી

આ તમામ ટીમોએ મોડી સાંજે સરદારનગર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં તપાસ શરૂ કરી હતી અનેક ઘરોમાંથી વોશ મળી આવ્યો હતો. કેટલાક કિસ્સાઓમાં પોલીસની રેડથી બુટલેગરો ઘરને તાળા મારીને ભાગી છુટયા હતાં

આવા બંધ મકાનના તાળા તોડી ઘરોમાંથી વોશનો નાશ કરવામાં આવ્યો હતો. કેટલાક બુટલેગરોએ તો દારૂના કેરબા જમીનમાં દાટી દીધા હતા તે પણ બહાર કાઢવામાં આવ્યા હતાં.

ગઈકાલ મોડી સાંજથી સરદારનગર છારાનગરમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને ભારે નાસભાગ મચી જતાં પોલીસે પણ આ વિસ્તારને ચારેબાજુથી કોર્ડન કરી રાખ્યો હતો

રાત્રીના ૧૧.૦૦ વાગ્યા સુધી આ ડ્રાઈવ ચાલી હતી જેમાં કુલ ર૪ કેસો કરવામાં આવ્યા હતા અને ૧૦થી વધુ બુટલેગરોને પકડી લેવામાં આવ્યા છે. આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે

ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે જેના પરિણામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.