Western Times News

Gujarati News

બાલવાટીકામાં ૫ રાઈડસની મંજુરી સામે રપ રાઈડસ કેવી રીતે આવી?

મ્યુનિસિપલ કમિશ્નર માત્ર સુખના જ સાથીઃ નાગરીકોમાં આક્રોશ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : કાંકરીયા બાલવાટીકામાં ડીસ્કવરી રાઈડસ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો બચાવની પરિસ્થિતિ આવી ગયા છે. શહેરના પ્રથમ નાગરીક અને મ્યુનિસિપલ કમિશ્નર દુર્ઘટનામાં મનમાની જવાબદારી નથી એવા નિવેદનો કરી રહ્યા છે.

પરંતુ રાઈડસની ટેન્ડર પ્રક્રિયાથી દુર્ઘટના સુધીના જે પુરાવાઓ બહાર આવી રહ્યા છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ દુર્ઘટના માટે સંપૂર્ણપણે જવાબદાર હોય એમ માનવામાં આવી રહ્યુ છે.

મ્યુનિસિપલ કમિશ્નર માત્ર સુખના જ સાથી છે તે બાબત જગજાહેર છે. પરંતુ પ્રજાના પ્રતિનિધિ પણ દુઃખના સમયે પ્રજાથી મોં ફેરવી રહ્યા છે તેને આઘાતજનક માનવામાં આવી રહ્યુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને જે સમયે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.સાથે કરાર કર્યા હતા તે સમયે માત્ર પાંચ રાઈડસની જ પરવાનગી આપવામાં આવી હેતી. તેના સ્થાને પચ્ચીસ રાઈડસ કેવી રીતે આવી તેના જવાબ કાંકરીયા ફ્રેન્ટના કર્તાહર્તા ડો.શાહ, મ્યુનિસિપલ કમિશ્નર તથા મ્યુનિસિપલ શાસકો જ આપી શકે તેમ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઐતિહાસિક કાંકરીયા તળાવનું નવીનીકરણ કર્યા બાદ નાગરીકોના આનંદ-પ્રમોદ માટે બાલવાટીકામાં એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરવા વિચારણા કરી હતી. તથા ર૦૧ર-૧૩ માં તેના માટે ‘એેક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા હતા.
જેમાં સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ અને આમ્રપાલી નામની બે સંસ્થાઓને અલગ અલગ સ્થળે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.

સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ને ર૧ ઓગષ્ટ ર૦૧રના રોજ ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપવામાં આવ્યો હતો. જેમાં રાઈડસ માટે બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. વિકલ્પ-૧માં ડીસ્કવરી, બ્લેક ફલેક્ષ, રીંગ ઓફ ફાયર અને વર્ટીકલ સ્વિંગ નામની રાઈડસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જ્યારે વિકલ્પ-રમાં ડીસ્કવરી, બ્લેક ફલેશ અને રીંગ ઓફ ફાયરનો સમાવેશ થયો હતો. આમ, વધુમાં વધુ ચાર રાઈડસ રાખવાની મંજુરી હતી. તથા બંન્ને વિકલ્પ પસંદ કરે તો પણ સાત રાઈડસથી વધુ રાખી શકાય તેમ ન હોતુ. પરંતુ દુર્ઘટના થઈ ત્યારબાદ રપ રાઈડસ ચાલતી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસ દ્વરા જે લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા છે તેમાં રપ રાઈડસનો ઉલ્લેખ છે.

નોંધનીય બાબત એ છે કે પોલીસ લાયસન્સમાં રપ રાઈડસનો દર્શાવેલ છે. જેમાં ર૧ નંબરની રાઈડસનો ઉલ્લેખ પેનથી કરવામાં આવ્યો છે.
જ્યારે આર એન્ડ બી વિભાગના પરિક્ષણમાં ર૩ રાઈડસનો જ ઉલ્લેખ છે જ્યારે કોર્પોરેશને બે વિકલ્પોની પસંદગી સાથે સાત રાઈડસની જ પરવાનગી આપી હતી. તેથી બાકી ૧૮ રાઈડસ કોની મંજુરી કે રહેમનજરે ચાલી રહી હતી તેના જવાબ મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર (લેઈક-ફ્રન્ટ) તથા ડો.આર.કે.શાહુ જ આપી શકે તેમ છે!! સુત્રોના જણાવ્યા અનુસાર કરારમાં દર્શાવવામાં આવેલ રાઈડસની સંખ્યા કરતા વધુ રાઈડસ લગાવવી હોય તો તેના માટે સક્ષમ સત્તાની મંજુરી અનિવાર્ય છે.

જેમાં ડો.શાહુ, ડેપ્યુટી કમિશ્નર (લેક ફ્રન્ટ) અને મ્યુનિસિપલ કમિશ્નરનો સમાવેશ થાય છે. તેથી રાઈડસ દુર્ઘટના માટે આ ત્રણેય મહાનુભાવોની જવાબદારી બને છે. વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નરે રાઈડસની સંખ્યામાં વધારો કેવી રીતે અને શા માટે કરવામાં આવ્યો?? લાયસન્સ રીન્યુ થાય છે કે કેમ? રાઈડસ ચલાવવા યોગ્ય છે કે કેમ? તેની માહિતી લેવાની તસ્દી લીધી જ નથી.

મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પદભાર સંભાળ્યા બાદ કેટલી વખત આ બાબતની ચકાસણી કરવામાં આવી છ. કેટલી વખત સ્થળ મુલાકાત લેવામાં આવી? તેની વિગતો પણ કમિશ્નરે જાહેર કરવી જાઈએ.  નાના-મોટા કે સાચા-ખોટા પ્રસંગોમાં પ્રસિદ્ધિ જ મેળવવા માટે વિવિધ નુસ્ખાઓ કરતા ઉચ્ચ અધિકારીએ બે નિર્દોષ નાગરીકોના અપમૃત્યુ બદલ માફી માંગવી જાઈએ.

ગત રવિવારે દુર્ઘટના થઈ હતી તેના પાંચ દિવસ બાદ પણ કમિશ્નરે ઈજાગ્રસ્તોની પરિસ્થિતિ જાવા માટે હોસ્પીટલ સુધી જવાની તસ્દી લીધી નથી. શરમજનક બાબત તે છે કે આ મામલે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાના બદલે એ.સી. ચેમ્બરમાં બેસીને સ્વ-બચાવ માટે પ્રયાસ-ખુલાસા કરવામાં આવી રહ્યા છે.

મ્યુનિસિપલ કમશ્નરની સાથે સાથે પ્રજાના સેવકોએ પણ સંવેદના ગુમાવી હોય તેમ લાગે છે. શહેર મેયર વારંવાર ે‘અમારી જવાબદારી નથી’ એવા ઉચ્ચારણો કર્યા કરે છે તથા આ દોષનો ટોપલો કંપની પર ઢોળી રહ્યા છે. આ કંપની દ્વારા ૧ જાન્યુઆરી ર૦૧૯ના દિવસે લાયસન્સ રીન્યુ કરી આપવામાં આવ્યુ હતુ. લાયસન્સમાં નટ-બોલ્ટની તપાસ તથા ચોમાસા દરમ્યાન સાધનોની ફેર ચકાસણી કરવા સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે.

સુપર-સ્ટાર એમ્યુઝમેન્ટના નફામાંથી કોર્પોરેશનને દસ ટકા હિસ્સો મળે છે. તેથી ટેકનિકલ દ્રષ્ટીએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ ‘ઓન પેપર’ ભાગીદાર તો છે જ. તદુપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં દુર્ઘટના બની છે તેથી સદર દુર્ઘટના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ જવાબદારી છે. શહેરની કોઈ હોટેલમાં ગેરકાનુની કમ થતાં હોય અને પોલીસ દ્વારા તેને પકડવામાં આવે ત્યારે ગેરકાનૂની કૃત્ય કરનારની સાથે સાથે હોટેલના મેનેજર/માલિક સામે પણ ફરીયાદ થાય છે. આ નિયમ કાંકરીયા દુર્ઘટનામાં લાગુ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.