Western Times News

Gujarati News

દેશમાં ૨૭ ટકા વિદ્યાર્થી પાસે સ્માર્ટ ફોન નથી: અભ્યાસ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારતમાં હજુ સ્કૂલો ખુલી નથી પણ ઓનલાઈન ક્લાસીસ ચાલી રહ્યા છે. જોકે, એક સર્વે અનુસાર ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરવા માટે ઓછામાં ઓછા ૨૭ ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન કે લેપટોપ નથી. જ્યારે ૨૮ ટકા વિદ્યાર્થીઓ અને વાલીઓ અનુસાર વીજકાપ કે વીજળી ન હોવાથી અભ્યાસ અધૂરો રહી જાય છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી)ના સર્વેમાં આ અંગે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં યુનિવર્સિટીઓ અને શાળાઓ ૧૬ માર્ચથી બંધ છે.

સરકારે કોવિડ-૧૯ રોગચાળાને કાબૂમાં લેવાના પગલા રૂપે શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓ લાંબા ગાળા સુધી બંધ રહેતા ઓનલાઈન માધ્યમ દ્વારા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને સીબીએસઈ સંલગ્ન શાળાઓના આચાર્યો સહિત ૩૪,૦૦૦ લોકો એનસીઇઆરટી દ્વારા હાથ ધરાયેલા સરવેમાં ભાગ લીધો હતો.

સર્વે મુજબ લગભગ ૩૬% વિદ્યાર્થીઓ પાઠયપુસ્તકો અને તેમની સાથે ઉપલબ્ધ પુસ્તકોનો ઉપયોગ કરી રહ્યા છે. શિક્ષકો અને આચાર્યોમાં મોબાઈલ બાદ લેપટોપ બીજો સૌથી વધુ પસંદ કરેલો વિકલ્પ છે. મહામારીના દોરમાં અભ્યાસ કરવા માટે ટેલિવિઝન અને રેડિયો સૌથી ઓછા ઉપયોગમાં લેવામાં આવેલાં ઉપકરણો છે. સર્વેમાં જણાવાયું છે કે લગભગ અડધા વિદ્યાર્થીઓ પાસે શાળાનાં પાઠયપુસ્તક નથી. જોકે ઈ-ટેક્સ્ટ બુક એનસીઇઆરટીની વેબસાઇટ અને દીક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ છે. ઇ-ટેક્સ્ટ બુક વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિનો અભાવ છે. જેની પાછળનું કારણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પાઠયપુસ્તકની હાર્ડકોપીનો ઉપયોગ કરતા હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.