Western Times News

Gujarati News

બિલ્ડર રમણ પટેલ તથા મૌનાંગ પટેલ રાજસ્થાનમાં છુપાતાં રહ્યા હતા

પોલીસને એક દિવસનાં રીમાન્ડ મળ્યા

(પ્રતિનિધિ)અમદાવાદ: સમગ્ર શહેરમાં ચર્ચાઈ રહેલાં પોપ્યુલર બિલ્ડરનાં માલિક તથા તેમનાં પુત્ર વિરૂદ્ધ નોંધાયેલા ઘરેલું હિંસાનાં મામલે શુક્રવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયેલાં રમણભાઈ પટેલ તથા તેમનાં પુત્ર મૌનાંગ પટેલનાં એક દિવસનાં રીમાન્ડ મંજુર થયા હતા. પોલીસ તપાસમાં પિતા-પુત્રએ પોતે રાજસ્થાનમાં રહ્યા હોવાનું જણાવ્યું છે.

કેટલાંય દિવસો સુધી પોલીસની પકડની બહાર રહ્યા રમણભાઈ પટેલ તથા મૌનાંગ શુક્રવારે સાંજે જાતે જ વસ્ત્રાપુર પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસને બંનેના એક દિવસનાં રીમાન્ડ મળ્યા હતા. આ અંગે પીઆઈ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રથમ બંને પિતા પુત્ર અમદાવાદમાં છુપાતાં ફર્યા હતા. બાદમાં પોલીસની ઘોંસ વધતાં જ બંને રાજસ્થાન તરફ ભાગી છુટ્યા હતા. જ્યાં હોટલોનાં બદલે સ્થાનિક ધાબા તથા અન્ય સામાન્ય હોટલોમાં રોકાયા હતા. ઉપરાંત કેટલાંક સ્થળે ફાર્મ હાઉસોમાં પણ રોકાયા હતા. આ સમગ્ર દિવસો દરમિયાન તે ટેક્સીઓ બદલીને ફરતાં રહ્યા હતા.

ઘરેલું હિંસાથી શરૂ થયેલી ફરિયાદમાં પાછળથી અપહરણ, તરફેણમાં સોગંદનામુ તથા ગોંધી રાખવા જેવી કલમોનો પણ ઊમેરો કરવામાં આવ્યો છે. રમણભાઈનાં ભાઈ દશરથ પટેલ તથા ભત્રીજા વિરેન્દ્રની પણ પોલીસે અઢી કરોડ રૂપિયાનાં મમામલે પૂછપરછ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.