Western Times News

Gujarati News

કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતે તેની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી છે : વિજય રુપાણી

રાજકોટમાં કોરોના સારવાર વધુ સઘન બનાવવા અમદાવાદના પાંચ વરિષ્ઠ તબીબો અને આરોગ્ય સચિવ જયંતિ રવિની ટીમ તબીબોને ટ્રીટમેન્ટ-સારવારનું માર્ગદર્શન પૂરું પાડશે- રાજકોટમાં કોરોના પેશન્ટ માટે બેડની પર્યાપ્ત સુવિધા

લવેબલ અને લીવેબલ’ રાજકોટના વિઝન સાથે રાજકોટ મહાનગરપાલિકાની પ્રેરણાત્મક કામગીરીની સરાહના

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા  નિર્મિત ૪૨૧૬ આવાસોનુ ગાંધીનગરથી વિડીયો લિંક દ્વારા માત્ર સિંગલ ક્લિકથી ડ્રો કરી લોકોના ઘરનું ઘરના સ્વપ્ન પરિપૂર્ણ કર્યું હતું.

કુલ રૂ. ૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ  જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં પણ ગુજરાતે તેની વિકાસની આગવી ઓળખ જાળવી રાખી વિકાસ યાત્રા અવિરત પણે ચાલુ રાખી છે-ન રૂકના હૈ ન ઝૂકના હૈ ની ખૂમારીથી ગુજરાત આગળ વધ્યું છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ સાથે ૧૪૦૦ દિવસમાં ૧૫૦૦ થી વધુ જનહિત અને વિવિધ વિકાસલક્ષી નિર્ણયો કરી રાજ્યની પ્રગતિને સતત નવી ઊંચાઈએ લઈ જવાની રફતાર જાળવી રાખી છે.

રાજકોટે સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ૧૦ શહેરોમાં સ્થાન પ્રાપ્ત કરતા તેમણે રાજકોટવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાજકોટ ‘લવેબલ’ અને ‘લીવેબલ’ બની રહે તે માટે મહાનગરપાલિકા સતત કામ કરી રહી છે તે અભિનંદનીય છે.

કોરોના સંક્રમણના રાજકોટમાં વધી રહેલા કેસની સંખ્યાને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય સચિવ જયંતિ રવિ અને અમદવાદની ખાસ ડોક્ટર્સની ટીમ આજથી  જ રાજકોટ ખાતે રહી જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડશે.

આ ઉપરાંત રાજ્ય સરકરની સૂચના મુજબ ધન્વંતરિ રથ તેમજ આરોગ્ય વિભાગની ટીમ સંક્રમણ ખાળવા કોન્ટેક્ટ ટ્રેસીંગ સહીત વિવિધ કામગીરીને વધુ વેગવંતી બનાવવા સંબંધિત વિભાગને સૂચના આપ્યાનું શ્રી વિજયભાઈએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાજકોટમાં કોરોના સંક્રમિતોની સારવાર-સુવિધા માટે બેડની પૂરતી સુવિધા છે. આગામી સપ્તાહમાં ૧પ૦ વધુ બેડ પણ કાર્યરત થઇ જવાના છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટને રૂ. ૧૦૪૮ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપ હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત શહેરના પશ્ચિમ ઝોનમાં EWS-II પ્રકારના ૫૪૨, LIG પ્રકારના ૧૨૬૮ અને MIG પ્રકારના ૧૨૬૮ મળીને કુલ ૪૧૫.૫૨ કરોડના ખર્ચે ૩૦૭૮ આવસ અને ૧૦૩ દુકાનોનું ઇલેક્ટ્રોનિક ડ્રો તેમણે કર્યો હતો.

રૂડા દ્વારા રૂ. ૨૪૦.૦૮ કરોડના ખર્ચે નિર્માણધીન આવાસોના કુલ ૨૧૭૬ લાભાર્થીઓને ડ્રો કરી મકાન ફાળવણી કરવામાં આવી હતી. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૨૯૩ કરોડના ખર્ચે ૩૩૨૪ આવાસ નિર્માણ, રૈયાધાર ખાતે રૂ. ૧.૦૬ કરોડના ખર્ચે નિર્મિત સોલાર પાવર યોજના, અલગ અલગ વોર્ડમાં રૂ. ૧૬ કરોડના ખર્ચે નિર્મિત રોડ રસ્તાના વિકાસ કામો, તુલસી દાસ પ્રાથમિક શાળાનું રીનોવેશન અને નિર્મલા રોડ સ્થિત ફાયર સ્ટેસ્ટનનું રૂ. ૨૪ કરોડના ખર્ચે આધુનિકરણના કામોનું ખાતમુર્હત કર્યું હતું.

રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત ઈ-લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન સ્ટે. કમિટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ અને પ્રાસંગિક પ્રવચન મેયર શ્રીમતી બીનાબેન આચાર્યએ કર્યું હતું. આભાર વિધિ બાંધકામ શાખાના ચેરમેન મનીષ રાડિયાએ કરી હતી.

આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મેરાણી, અગ્રણીઓ શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતી અંજલીબેન રૂપાણી સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.