Western Times News

Gujarati News

પદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવશેઃ  પ્રદિપસિંહ જાડેજા

વૈધાનિક રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિશ્વૈક મહામારી કોરોના સંદર્ભે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષશ્રીના પ્રવર્તમાન મૂળ પગારમાં તા. ૦૧/૦૪/૨૦૨૦ થી ૩૧/૦૩/૨૦૨૧ સુધી એક વર્ષના સમયગાળા માટે ૩૦ ટકા કાપ મુકવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. જે અંગે એપ્રિલ, ૨૦૨૦માં વટ હુકમ બહાર પાડી તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવશે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે કોરોના મહામારીના સંદર્ભમાં નાણાકીય ખર્ચમાં બચત થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકારે અનેકવિધ પગલા લીધા છે. ત્યારે કેટલાક ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા વ્યક્તિગત રીતે રાજ્ય સરકારને નાણાકીય મદદ કરવા માટે તત્પરતા દર્શાવાયેલી હતી. આ અંગે એક સમાન નીતી અખત્યાર કરવાના હેતુથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ધારાસભ્યો અને પદાધિકારીઓના મુળ પગારમાં ૩૦ ટકાનો કાપ એપ્રિલ, ૨૦૨૦થી એક વર્ષના સમયગાળા માટે અમલી રહે તે રીતની જોગવાઇ કરતો વટહુકમ બહાર પાડી સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાનો નિર્ણય કરી તેની અમલવારી શરૂ કરી છે.

મંત્રીશ્રી કહ્યું કે આ વટહુકમની જોગવાઇઓ વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક સ્વરૂપે લાવવી જરૂરી હોઇ, રાજ્ય મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં આ વિધયક લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને આગામી વિધાસસભા સત્રમાં આ વિધેયક દાખલ કરી ગૃહની મંજૂરી મેળવી કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી પદાધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ઘટાડો થતા એક વર્ષના ગાળામાં અંદાજે રૂા. ૬ કરોડ ૨૭ લાખની બચત થશે. જે રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે.

વધુમાં, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ધારાસભ્યશ્રીઓ અને અન્ય પદાધિકારીઓના પગારમાં જે રીતે એક વર્ષ માટે ૩૦ ટકાનો પગાર કાપ મુકવામાં આવ્યો છે તે જ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે નિવૃત્ત કર્મચારીઓ / અધિકારીઓને કરાર આધારિત નિમણુક આપવામાં આવી છે તેમને મળતા પગારમાં પણ ૩૦ ટકા કાપ એક વર્ષના સમયગાળા માટે મુકવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.