Western Times News

Gujarati News

શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના ર૮ સંતો-કર્મચારીઓ કોરોના પોઝીટીવ

ઈસનપુરમાં 50 પોઝિટિવ કેસ

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ રોકવા માટે છેલ્લા દોઢ મહિનાથી ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને ટેસ્ટ કરવામાં આવે છે. જેના કારણે એક જ સોસાયટી કે પરિવારમાંથી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે. હવે, મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા “મેગા ટેસ્ટ”ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોમર્શીયલ મિલ્કતો, ઈન્સ્ટીટયુટ, ધાર્મિક સ્થાનો, કન્સ્ટ્રકશન સાઈટો તેમજ કોઈ એક જ વોર્ડમાં મોટાપાયે ટેસ્ટીંગ થઈ રહયા છે. મ્યુનિ. કોર્પો.ની સદર ઝુંબેશમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થયો છે તેમ છતાં મેગા ઝુંબેશના કારણે કોરોના નિયંત્રણ કરવામાં સફળતા મળશે તેવી આશા વ્યકત થઈ રહી છે.

મ્યુનિ.આરોગ્ય વિભાગે ૩૧ ઓગસ્ટથી મેગા ટેસ્ટ ડ્રાઈવ શરૂ કરી છે. જેના ભાગરૂપે આજરોજ શાહીબાગ આવેલ અક્ષર પુરષોત્તમ મંદિરના સાધુ-સંતો અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ)માં કુલ ૧પ૦ ટેસ્ટ કર્યા હતા જે પૈકી ર૮ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. કોરોના પોઝીટીવ આવેલ તમામ લોકોને જરૂરી સારવાર અર્થે કોવિડ સેન્ટર/કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે ગુરુકુળ વિસ્તારમાં આવેલ નવનીત એજ્યુકેશન લીમીટેડના ર૮૯ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ૯ પોઝીટીવ કેસ કન્ફર્મ થયા છે.  ઈસનપુર વોર્ડમાં આજે 9,500 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી 50 પોઝિટિવ કેસ મળી આવ્યાં છે.

શહેરના વિવિધ વિસ્તારમાં ચાલી રહેલ કન્સ્ટ્રકશન સાઈટો પર કામ કરતા મજુરો તથા સ્ટાફના ટેસ્ટીંગની સઘન ઝુંબેશ ચાલી રહી છે. આજરોજ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૮, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં -૧૧, પૂર્વ ઝોનમાં – ૮, ઉત્તર ઝોનમાં -૩૬, દક્ષિણ ઝોનમાં -૧૮, મધ્ય ઝોનમાં – ર મળી કુલ ૯૩ સાઈટો પર નોટિસો આપવામાં આવી હતી અને ૮૧૦ કામદારોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં જે પૈકી દક્ષિણ પશ્ચિમ ઝોનમાં -૩,અને મધ્ય ઝોનમાં -ર પોઝીટીવ કેસ મળ્યા છે. જયારે ર સપ્ટેમ્બરે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના ઈસ્કોન આંબલી રોડ પર આવેલ ધી નોટ નામની કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા રર૮ કામદારોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ર૧ પોઝીટીવ મળ્યા હતાં

અત્રે નોંધનીય છે કે ૧ સપ્ટેમ્બરે સિંધુભવન રોડ પર અંબુજા હાઉસના કર્મચારીઓના ટેસ્ટ કર્યા હતા. મ્યુનિ.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૧૩૨ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી ૨૨ પોઝીટીવ કેસ મળી આવ્યાં છે. જ્યારે છેલ્લા બે દિવસથી વસ્ત્રાપુરમાં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પાસે આવેલી પી.એલ.પી.કોલોનીમાં વસવાટ કરતા પરપ્રાંતિય મજૂરોના ટેસ્ટ થઈ રહ્યાં છે. મનપાની ટીમ દ્વારા ૬૫૦ મજૂરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૨૫ મજૂરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલ પેલેડીયમ મોલનાં ૧૭૫ કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ૩૦ પોઝીટીવ મળી આવ્યાં છે. તેમજ બોડક દેવ ખાતે આવેલ આઈસીટી નર્મદાના ૧૫૦ કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ થયાં હતાં. જે પૈકી ૧૨ પોઝીટીવ કન્ફર્મ થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.