Western Times News

Gujarati News

હેલ્મેટ અને સીટ બેલ્ટનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે થશે કાર્યવાહી

બિસ્માર માર્ગની મરામત માટે ભરૂચ પોલીસ પાલિકા કે પીડબ્લ્યુડીને સુચના કેમ આપી શકતું નથી?

વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ઈ-મેમો ઘરે પહોંચે તેવી રીતે બિસ્માર માર્ગ મુદ્દે કોન્ટ્રાકટર કે અધિકારીઓના ઘર સુધી નોટિસ પહોંચાડી ન શકાય.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં ઉલ્લેખ કરાયો છે કે તાજેતર માં વરસેલા વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો બિસ્માર બની ગયા છે.જેથી અકસ્માતોના બનાવો બને છે તેના ઉપર અંકુશ મેળવી શકાય તે માટે ટુ વ્હીલર વાહન ચાલકોએ ટુ વ્હીલર ઉપર અવશ્ય હેલ્મેટ પહેરવા અને ફોર વ્હીલર ગાડીના ચાલકો એ સીટ બેલ્ટ લગાવવા તાકીદ કરી છે અને પોલીસ ચેકિંગ દરમ્યાન ભંગ કરનાર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.ત્યારે બિસ્માર માર્ગ મુદ્દે પોલીસ તંત્ર સામે કાર્યવાહી કેમ નથી કરી શકતું તેમ વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે.

શહેરી વિસ્તારો માં ટુ વ્હીલર વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી પરંતુ ભરૂચમાં તાજેતરમાં વરસેલા વરસાદના કારણે શહેરના તમામ માર્ગો ધોવાઈ જવાના કારણે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે.જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.પરંતુ બિસ્માર માર્ગની મરામત કરાવવા માટે નગર પાલિકા અને પીડબ્લ્યુડીને તાકીદ કરવાના બદલે ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા તથા કાર ચાલકોએ સીટ બેલ્ટ પહેરવા માટે પોલીસે એક અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે અને આ અખબારી યાદીનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે કડકાઈ થી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી લેખિત પ્રેસનોટ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા વાહન ચાલકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

ત્યારે ખરેખર પોલીસે બિસ્માર માર્ગ મુદ્દે જેતે રોડના કોન્ટ્રાકટરો,નગર પાલિકા,પીડબ્લ્યુડી અથવા જે તે ગ્રામ પંચાયત હદના બિસ્માર માર્ગ હોય તેવા લાગતા વળગતા અધિકારીઓ અને પદાધિકારીઓને માર્ગની મરામત કરાવવાની નોટિસ પાઠવી તાકીદ કરવાની જરૂર છે.જેવી રીતે પોલીસ વાહન ચાલકોને નિયમ બંધ બદલ ઈ-મેમો ઘરે પહોંચાડી દંડ વસૂલી રહ્યા છે.તે પ્રમાણે માર્ગની મરામત કરાવવા માટે જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપવાની જરૂર જણાઈ રહી છે અને સૂચના આપ્યા બાદ માર્ગની મરામત સમયસર ન થાય તો તેઓ સામે માનવ અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત કરવી જોઈએ તેમ લોક માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.