Western Times News

Gujarati News

ભારતીય પત્રકાર સંઘ દ્વારા દાહોદના પાંચ દિવ્યાંગ શિક્ષકોનું કરાયું સન્માન

રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

 શિક્ષક દિન નિમિત્તે અહીં બ્લાઇન્ડ વેલ્ફેર એસોસીએશન ખાતે ભારતીય પત્રકાર સંઘની દાહોદ પ્રશાખા દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ દિવ્યાંગ શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. દૃઢ મનોબળ કુદરતે આપેલા શારીરિક અભિશાપને આશીર્વાદમાં પરિવર્તિત કરનારા શિક્ષકોમાંથી અન્ય લોકોને પ્રેરણા મળે એવા હેતુંથી આ કાર્યક્રમ યોજાયો હતો.

વ્યવસાયે શિક્ષક એવા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આ અવસરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, શિક્ષકકર્મ અસામાન્ય છે. શિક્ષકો ઉપર ઓજસ્વી અને ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરવાની જવાબદારી છે. આ કાર્ય કોઇ ફેકટરી કે કારખાનાથી થઇ શકતું નથી. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, તેમનામાં ઉત્તર નાગરિકગુણ સિંચન કરવાનું કાર્યશાળામાં થાય છે.

દાહોદ જિલ્લામાં શિક્ષણના જ્યોતિર્ધર ઠક્કર બાપનું પુણ્ય સ્મરણ કરી શ્રી ભાભોરે જણાવ્યું કે, દિવ્યાંગતા હોવા છતાં શિક્ષકો પોતાનું શિક્ષણકર્મ સારી રીતે કરી રહ્યા છે. જે અન્ય લોકોને પણ પોતાનું કામ સારી રીતે કરતા કે જવાબદારી વહન કરવા માટે પ્રેરે છે.

તેમણે મીડિયાને દેશના વિકાસ માર્ગના સહયાત્રી ગણાવી દાહોદના મીડિયાની સકારાત્મક, રચનાત્મક ભૂમિકાની સરાહના કરી હતી અને આ કાર્યક્રમ યોજવા બદલ ભારતીય પત્રકાર સંઘને અભિનંદન પાઠવ્યા હતા.

કલેક્ટર શ્રી વિજય ખરાડીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સુગમ્ય ભારત અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં દિવ્યાંગોના કલ્યાણ માટે કરાયેલી કામગીરીની ટૂંકી ભૂમિકા આપી હતી અને શાળાઓમાં દિવ્યાંગોને માટે પહેલા કરતા વધુ અનુકૂળ બનાવવામાં આવી હોવાનું કહ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ભારતીય પત્રકાર સંઘની દાહોદ પ્રશાખાના પ્રમુખ શ્રી હિમાંશુ નાગરે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

એક શિક્ષકના નાતે સાંસદ શ્રી ભાભોરનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. જ્યારે, મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ શિક્ષકો શ્રી હેતલકુમાર કોઠારી, શ્રી સબુરભાઇ બારિયા, શ્રી મહેશભાઇ પરમાર, શ્રી રાજેશકુમાર પરમાર તથા શ્રી મહેશકુમાર ચૌબિસાનું શાલ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ શ્રીગોપાલભાઇ ધાનકાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ પત્રકાર શ્રી શેતલ કોઠારીએ કર્યું હતું.

આ વેળાએ અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, બ્લાઇન્ડ વેલ્ફેર સંસ્થાના પ્રમુખ શ્રી યુસુફીભાઇ કાપડીયા, શિક્ષક સંઘના હોદ્દેદારો, શિક્ષણજગતના અગ્રણીઓ, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.