Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાંથી લુપ્ત થઈ રહેલો પરંપરાગત રોગચાળો

માનો યા ન માનો શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં ૯૨ ટકાનો ઘટાડો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનાથી કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે. શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાવા બાદ ૩ ઓગસ્ટ સુધી ૩૦ હજાર કરતા વધુ કેસ અને ૧૬૦૦ કરતા વધુ મરણ કન્ફર્મ થયા છે. જ્યારે બીજી તરફ ઝાડા-ઉલ્ટી, તાવ, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કમળા જેવા પરંપરાગત રોગ લુપ્ત થઈ રહ્યાં છે. આ દાવો અમે નહિં પરંતું મ્યુનિ.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધી પરંપરાગત સીઝનેબલ રોગના કેસની સંખ્યા માંડ એક હજાર થઈ છે. મ્યુનિ.આરોગ્ય વિભાગના આ દાવો શંકાના દાયરામાં આવી રહ્યો છે. તેમજ તાવ, ડાયેરીયા વગેરેના દર્દીઓને કોરોના દર્દી જાહેર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

શહેરમાં ઉનાળાની સીઝન શરૂઆત થવાની સાથે જ ઝાડા-ઉલ્ટી અને કમળાના કેસ મોટી સંખ્યામાં નોંધાય છે. જ્યારે વરસાદના એકાદ-બે ઝાપટા બાદ તાવના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે. રોગચાળાની આ પેટર્ન વર્ષાેથી ચાલી આવે છે. જેમાં ૨૦૧૯ સુધી કોઈ જ ફેરફાર થયા ન હતા. પરંતુ ૨૦૨૦માં કોરોનાના આગમન સાથે જ પરંપરાગત રોગચાળો મનપાના ચોપડેથી નાબુદ થઈ ગયો છે. મ્યુનિ.આરોગ્ય વિભાગના દાવા મુજબ ૨૦૨૦માં એપ્રિલથી ઓગસ્ટ સુધી સાદા તાવના ૨૨૬, ઝેરી મેલેરીયાના ૧૦, કમળાના ૧૧૦, ટાઈફોઈડના ૨૮૪, કોલેરાના શૂન્ય, ડેન્ગ્યુના ૬૬, ચિકનગુનિયાના ૧૨ તથા ઝાડા-ઉલ્ટીના ૩૪૨ કેસ નોંધાયા છે. આમ, છેલ્લા પાંચ મહિના દરમ્યાન પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કુલ ૧૦૫૦ કેસ જ નોંધાયા છે. જેની સામે ૨૦૧૯માં આ જ સમયગાળા દરમ્યાન ઝાડા-ઉલ્ટીના ૪૪૫૭, સાદા મેલેરીયાના ૨૬૯૦, ઝેરી મેલેરીયાના ૬૮, કમળાના ૧૪૮૧, ટાઈફોઈડના ૨૭૬૪, કોલેરાના ૨૮૪, ડેન્ગ્યુના ૫૨૧ તથા ચિકનગુનિયાના ૧૨ કેસ નોંધાયા છે.

૨૦૧૯માં એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કુલ ૧૨૦૫૭ કેસ નોંધાયા હતા. ગત વર્ષની સરખામણીએ પરંપરાગત રોગચાળાના માત્ર ૮.૬૭ ટકા જ કેસ નોંધાયા છે. મતલબ કે પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં ૯૧.૩૩ ટકાનો ધરખમ ઘટાડો થયો છે. જ્યારે એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધી કોરોનાના લગભગ ૩૦ હજાર કેસ નોંધાયા છે.


શહેરમાં કોરોનાના આગમન પહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના આંકડા પર દૃષ્ટિવાન કરીએ તો ખૂબ જ મોટો તફાવત જાેવા મળે છે. ૨૦૨૦માં જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી ઝાડા-ઉલ્ટીના ૧૩૨૭, ટાઈફોઈડના ૫૫૭, કમળાના ૩૮૬, કોલેરાના શૂન્ય, સાદા મેલેરીયાના ૬૬, ઝેરી મેલેરીયાના ૦૭, ડેન્ગ્યુના ૧૩૮ તથા ચીકનગુનિયાના ૪૧ કેસ નોંધાયા હતા. આમ, પ્રથમ ત્રણ મહિના દરમિયાન પરંપરાગત રોગચાળાના કુલ ૨૫૨૨ કેસ નોંધાયા હતા. જ્યારે તે પછી પાંચ મહિનામાં માત્ર ૧૦૫૦ કેસ જ નોંધાયા છે. મ્યુનિ.કોંગ્રેસપક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પાેરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ૯૨ ટકા જેટલો ઘટાડો થાય તે વાત ગળે ઉતરે તેમ નથી. મ્યુનિ.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ દિશામાં કોઈ જ કામગીરી થઈ નથી તો પછી કેસની સંખ્યામાં ઘટાડો કેવી રીતે થાય?

મેલેરીયા વિભાગના કર્મચારીઓને પણ કોરોના કામગીરી કરી રહ્યા છે. ફોગીંગ તથા દવા છંટકાવની કામગીરી લગભગ બંધ છે. તેમ છતાં તાવ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. પાંચ મહિનામાં ઝાડા-ઉલ્ટીના ૩૪૨ તથા કોલેરાના ઝીરો કેસ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે પાંચ મહિનામાં સાદા મેલેરીયાના ૨૨૬ પાંચ મહિનામાં સાદા મેલેરીયાના ૨૨૬ તથા ઝેરી મેલેરીયાના માત્ર દસ કેસ નોંધાયા છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે. તેમ છતાં આરોગ્ય વિભાગે દ્વારા પાંચ મહિનામાં ચીકનગુનિયાના માત્ર ૧૨ કેસ જ કન્ફર્મ થયા હોવાનો દાવો થઈ રહ્યો છે. જાે આરોગ્ય વિભાગની સારી કામગીરીના કારણો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ઘટ્યો હોય તો અગાઉના વર્ષાેમાં આવી કામગીરી શા માટે ન થઈ ? મ્યુનિ.કોર્પાેરેશને તાવ અને ઝાડા-ઊલ્ટીના દર્દીઓની ગણતરી પણ કોરોનામાં કરી હોય છે તેમ લાગી રહ્યું છે. કોરોનાના લક્ષણોમાં આ બંનેનો પણ સમાવેશ થાય છે. તેથી આ મામલે આંકડા છુપાવવા વિના સચોટ હકીકત જાહેર કરવી જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.