Western Times News

Gujarati News

રાજપારડી ગામે ઘર નજીક પાર્ક કરેલી મોટર સાયકલની ઉઠાંતરી

મોટર સાયકલની બેગમાં મુકેલા જરુરી અસલ કાગળો પણ ચોરાયા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ઘર નજીક પાર્ક કરેલ મોટર સાયકલની રાત્રી દરમ્યાન ચોરી થતાં રાજપારડી પોલીસમાં ફરિયાદ નંધાવવામાં આવી છે.


રાજપારડી પોલીસમાં લખાવવામાં આવેલ ફરિયાદ મુજબ અત્રેની પટેલ નગર સોસાયટીમાં રહેતા પતરા બારી બારણાના વેપારી અબ્દુલહક્ક અબ્દુલગફુર શેખ તા.૫ મીના રોજ દુકાન બંધ કરીને સાંજનાં સાડા સાતના અરસામાં ઘેર આવ્યા હતા.તેમના ઘરની બાજુમાં રહેતા સૈયદહુશૈન મકબુલહુશૈન સૈયદને કોઇ કામ માટે બહાર જવાનું હોવાથી અબ્દુલહક્ક ભાઈએ તેમની મોટર સાયકલ લઈને જવા જણાવ્યુ હતું.તેથી સૈયદહુશૈન સૈયદે તેમના જરુરી અસલ ડોક્યુમેન્ટ્સ મોટર સાયકલની બેગમાં મુક્યા હતા.

મોટર સાયકલ માલિક અબ્દુલહક્ક શેખ રાતના અગિયારેક વાગ્યે સુઈ ગયા હતા.તેઓ સવારે ચારેક વાગ્યે જાગ્યા ત્યારે ઘર પાસે પાર્ક કરેલ મોટર સાયકલ જણાઈ નહિ.તેથી તેમણે સૈયદહુશૈન ભાઈને જગાડીને પુછતા તેઓ મોટર સાયકલ લઈને ગયા ન હતા એમ જાણવા મળ્યુ.આજુબાજુમાં  શોધવા છતાં મોટર સાયકલની કોઈ ભાળ મળી નહતી.

તેથી કોઈ અજાણ્યો ચોર ડુપ્લિકેટ ચાવીથી કે અન્ય કોઈ રીતે મોટર સાયકલ ચોરીને લઈ ગયો હોવાની ખાતરી થઈ હતી.સૈયદહુશૈન સૈયદે મોટર સાયકલની બેગમાં મુકેલા તેમના ઘરના અસલ જરુરી ડોક્યુમેન્ટ્સ પણ મોટર સાયકલ સાથે ઉઠાંતરી થઈ ગયા હતા.અંદાજે રુ.૩૦,૦૦૦ ની કિંમતની મોટર સાયકલ અને તેની બેગમાં મુકેલા જરુરી અસલ ડોક્યુમેન્ટ્સ ચોરાતા અબ્દુલહક્ક અબ્દુલગફુર શેખ રહે.રાજપારડી તા.ઝઘડીયા જિ.ભરુચનાએ આ અંગે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.