Western Times News

Gujarati News

ભૂકંપના આંચકા બાદ જમીનમાં લાંબી તેમજ ઊંડી તિરાડો પડી

વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના ગીરનાળા ગામ ખાતે કૂતુહલ જગાવતો બનાવ સામે આવ્યો છે. જે પ્રમાણે ગીરનાળા ગામના સીમ વિસ્તારમાં જમીન ધસી પડી છે. અહીં જમીનમાં લાંબી અને ઊંડી તીરાડો જોવા મળી છે. ગામ લોકોનું અનુમાન છે કે ભૂકંપ બાદ જમીન ધસી પડી છે. ગામની સીમમાં આવી અનેક લાંબી અને ઊંડી તીરાડો જોવા મળતા કુતૂહલની સાથે સાથે લોકોમાં ડરની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી તથા વલસાડ જિલ્લાના વિસ્તારમાં ચોથી સપ્ટેમ્બર અને પાંચમી સપ્ટેમ્બર રાત્રે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જે બાદમાં લોકોમાં ડરની લાગણી ફેલાઈ હતી.

બીજી તરફ કપરાડા તાલુકાના ગીરનારા ગામ ખાતે આંચકા બાદ ગામની નળગદેવ હિલ ઉપર સરકારની પડતર જમીનમાં તીરાડો જોવા મળી હતી. આશરે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં આવી તીરાડો જોવા મળી હતી. ભૂકંપનું સંભવિત કેન્દ્રબિંદુ હતું તે જગ્યા પર સાત ફૂટ ઉંડી તીરાડ પડી હતી. આ તીરાડ આશરે ૮૦ ફૂટ લાંબી હતી. એટલું જ નહીં આસપાસના વિસ્તારમાં અનેક તીરાડો જોવા મળી હતી. તીરાડોની વાત સાંભળતા જ ગામના લોકોમાં ડરની લાગણી ફેલાઈ હતી. શનિવારે આવેલા આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ચારની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ભૂકંપને કારણે કોઈ નુકસાન થયાની માહિતી સામે આવી નથી. કપરાડાના ડુંગરાળ વિસ્તારોમાં આ પહેલા પણ ભૂકંપના આંચકા આવતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.

જોકે, બીજી એક સંભાવના એવી પણ વ્યક્ત કરવામાં આવે છે કે અહીં ખીણોમાં પથ્થરો તોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવતો હોવાથી લોકો આંચકા અનુભવે છે. જોકે, શનિવારે આવેલો આંચકો ભૂકંપનો જ હતો. લોકોનું કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસથી રાત્રે આવા આંચકા આવે છે. જોકે, પાંચમી તારીખે આવેલા આંચકા બાદ જમીનમાં તીરાડો પડી હતી. અનેક જગ્યાએ જમીન ધસી પડી હતી. સવારે લોકોએ તીરાડો જોયા બાદ ગામમાં ફફડાટ ફેલાયો હતો. પડતર જમીનમાં એક જગ્યાએ સાત ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે. સીમમાં બનેલી આ ઘટનાથી ગામમાં કોઈ નુકસાન થયું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.