Western Times News

Gujarati News

છેલ્લા છ માસમાં ગુજરાતમાં રૂ. ૯૨૫૫ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ: CM

શહેરી વિસ્તારમાં પાયાની સુવિધા માટે તાજેતરમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુની રકમ એક જ ક્લિકથી અપાઇ – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

૧૦૦ ટકા ઘરોમાં નલ સે જલ યોજના અંતર્ગત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક વડોદરા શહેર નક્કી કરે ઃ વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓનું આગામી સમયમાં સમારકામ શરૂ કરાશે – મુખ્યમંત્રીશ્રી

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અને વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના રૂ. ૩૨૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ

“જ્યાં માનવી ત્યાં સુવિધા”ના મંત્ર સાથે કોરોના મહામારી વચ્ચે પણ છેલ્લા છ માસમાં ગુજરાતમાં રૂ. ૯૨૫૫ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું છે. લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને લોકોની આકાંક્ષા અને અપેક્ષા મુજબ શહેરી વિસ્તારમાં પાણી, રસ્તા, વિજળી, ગટર જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી તાજેતરમાં રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસ કામો માટે રૂ. ૧૦૦૦ કરોડથી વધુની રકમ એક જ ક્લિકથી આપી છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વડોદરા મહાનગરપાલિકાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોના ઇ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અને વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના કુલ રૂ. ૩૨૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોને અને અધિકારીઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં પણ વડોદરા શહેરે પોતાની વિકાસયાત્રા આગળ ધપાવીને લોકોના સુખાકારી માટે રૂ. ૩૨૨ કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામો લોકોને અર્પણ કર્યા છે. “જીતશે ગુજરાત હારશે કોરોના”ના મંત્ર સાથે ગુજરાતે તેની વિકાસ કામોની યાત્રા ચાલુ રાખી છે. તેમને કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વવાળી અમારી સરકારનો મંત્ર રહ્યો છે જે કામનું ખાતમૂર્હુત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ.

આ અભિમાન નથી પણ કામ કરવાની પ્રતિબદ્ધતા અને નિષ્ઠા દર્શાવે છે. ભારતના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગુજરાતના કુલ છ શહેરોનો સમાવેશ થયો છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણમાં પણ ભારતના ૧થી ૧૦ શહેરોમાં ગુજરાતના ચાર શહેરોને સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાતના શહેરોને વિશ્વના શહેરોની સાથે સ્પર્ધા કરી શકે તેવા તૈયાર કરવાના છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૪૫ ટકાથી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં નિવાસ કરે છે ત્યારે શહેરી વિસ્તારમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ રાજ્ય સરકારની સંપૂર્ણ જવાબદારી છે. અમારી સરકાર વિવાદ અને સંવાદથી ઉકેલ લાવીને પ્રજાની લાગણી મુજબ વિકાસ કામો કરી રહી છે. અગાઉની સરકારોમાં વિકાસ કામો માટે પૈસા નહોતા અને સરકારી ભરતી ઉપર પ્રતિબંધ હતો જ્યારે હાલમાં વિકાસ કામો માટે રાજ્ય સરકાર પુરતુ ભંડોળ આપી રહી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યોને વિવિધ વિકાસકામો માટે નિશ્વિત લક્ષ્યાંક આપ્યો છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ અંતર્ગત ગુજરાતમાં આજે ઘરે ઘરે શૌચાલય, દરેક ઘરમાં રાધણ ગેસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીશ્રીની નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતના તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ સરફેસ વોટર ઉપલબ્ધ કરાવી હેન્ડ પંપ મુક્ત રાજ્ય બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે જે અંતર્ગત રાજ્યમાં ૭૫ ટકા કામ પૂર્ણ થયું છે. મહાત્મા ગાંધીજીના જન્મદિવસ ૨ ઓક્ટોબર, ૨૦૨૦થી રાજ્યના પાંચ જિલ્લાના તમામ ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત સમાવી લઈને શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવશે. વડોદરા શહેર પણ તેના ૧૦૦ ટકા ઘરોમાં નલ સે જલ યોજના અંતર્ગત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરે તેમ મુખ્યમંત્રીશ્રી અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડોદરા શહેર ગટરના પાણીને રિ-યુઝ કરીને ખેતી, ઉદ્યોગોને આપીને એક-એક ટિંપાનો સદઉપયોગ, ઘન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરીને શહેરને કચરા મુક્ત કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા તરફ આગળ વધી રહ્યુ છે. આપણા સૌના સંકલિત પ્રયાસોથી ગુજરાત પાણીદાર બનશે તેવો વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખરાબ થયેલા-તૂટી ગયેલા રસ્તાઓનું આગામી સમયમાં સમારકામ શરૂ કરવામાં આવશે.  શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રીશ્રી યોગેશભાઇ પટેલે વડોદરાથી જણાવ્યું હતું કે, વડોદરામાં રૂ. ૩૨૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ કુલ ૧૭ પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-લોકાર્પણ, ઇ-ખાતમૂર્હુત અને ઇ-શુભારંભ કરવામાં આવી રહ્યો છે જે વડોદરાની જનતા માટે ગૌરવની વાત છે. મંત્રીશ્રીએ આ પ્રસંગે વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી આપી હતી.
વડોદરના મેયરશ્રી જિગીષાબેન શેઠે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે,

આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કુલ રૂ. ૩૨૨ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવેલ ઇ-લોકાર્પણ, ઇ-ખાતમૂર્હુત અને ઇ-શુભારંભથી વડોદરાની જનતાની સુખાકારીમાં વધારો થશે. વિવિધ પ્રકલ્પોના માધ્યમથી મહાનગરપાલિકાને આવક થશે અને લોકોને સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણમાં ભારતના ૧થી ૧૦ શહેરોમાં વડોદરા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકોના સહકાર અને વહીવટી તંત્રના પ્રયાસોથી વડોદરા દેશનું સૌથી સ્વચ્છ શહેર બને તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી પી. સ્વરૂપે આભારવિધિ કરી હતી.  આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદસભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, વડોદરાના ધારાસભ્ય સર્વેશ્રી જિતેન્દ્રભાઇ સુખડીયા, શ્રી સીમાબેન મોહિલે, શ્રી મનીષાબેન વકિલ, શ્રી શૈલેષભાઇ મહેતા, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત મહાનગરપાલિકા પદાધિકારીઓ-અધિકારીઓ વડોદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.