Western Times News

Gujarati News

ઓક્સિજન સિલિન્ડરની માગ વચ્ચે કિંમતમાં ઉછાળો

અમદાવાદ: કોરોના મહામારી પહેલા વસ્ત્રાપુરમાં આવેલી ડીએચએસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રોજ ૫૦૦૦ લિટર ઓક્સિજનની ૧૫-૨૦ બોટલનો ઓર્ડર આપતી હતી. જો કે, કોરોના મહામારી શરૂ થયા પછી ૫૦ બેડની સુવિધા ધરાવતી ડીએચએસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો એએમસીએ કોવિડ-ડેઝિગ્નેન્ટેડ હોસ્પિટલોમાં સમાવેશ કર્યો. જે બાદ આ હોસ્પિટલમાં ઓક્સિજન બોટલની માગ દસ ગણી વધી ગઈ. પ્રતિ દિન ૧૫૦ ઓક્સિજન બોટલની જરૂર પડવા લાગી. કોરોના વાયરસ દર્દીના ફેફસા પર હુમલો કરે છે, પરિણામે મોટાભાગની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની બોટલોની માગ રોકેટ ગતિએ વધી છે.

આ અપૂર્વ માગને લીધે ઓક્સિજનની બોટલોની કિંમતમાં ૨૫-૩૦ ટકાનો વધારો નોંધાયો છે. ડીએચએસ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. હાર્દિક શાહે કહ્યું, “છેલ્લા થોડા મહિનાઓમાં ઓક્સિજન સપ્લાયરોએ મેડિકલ ઓક્સિજનની કિંમતમાં ૩૦ ટકાનો વધારો ઝીંક્યો છે. આ ખર્ચ દર્દીઓ પર ના નાંખી શકાય કારણકે સરકારે સારવાર ખર્ચનું માળખું નક્કી કરી રાખ્યું છે. હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું પહેલા માત્ર આઈસીયુ બેડમાં ઓક્સિજનની જરૂર પડતી હતી. જ્યારે હવે કોવિડ હોસ્પિટલમાં દરેક બેડ પર ઓક્સિજનની જરૂર પડે છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા અથવા ફેફસાની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને હાઈ-ફ્લો ઓક્સિજનની જરૂર પડે છે. જે સામાન્ય રીતે પ્રતિ મિનિટ અપાતા ઓક્સિજન કરતાં ૧૦ ગણી વધારે છે. મેડિકલ કટોકટીના આ સમયમાં સપ્લાયરો અને હોસ્પિટલો બંને પક્ષો તાણ અનુભવી રહ્યા છે. શિફા હોસ્પિટલના અફઝલ મેમણે એએમસી સમક્ષ રજૂઆત કરી છે કે,

ઓક્સિજન સિલિન્ડર્સની કિંમત મામલે સરકારે દરમ્યાનગીરી કરીને કિંમત નક્કી કરવી જોઈએ. સપ્લાયરોએ ઓક્સિજન સિલિન્ડરની કિંમત પર ઓછામાં ઓછો ૨૫ ટકા પ્રીમિયમ ચાર્જ લાગુ કર્યો છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓ કે જેમના ફેફસા પર અસર થઈ છે, તેમની સારવારમાં ઓક્સિજન જીવાદોરી સમાન છે. એવામાં માગ અને કિંમત સ્થિર રાખવા માટે સરકારનો હસ્તક્ષેપ જરૂરી છે, તેમ શિફા હોસ્પિટલના અફઝલ મેમણે જણાવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.