Western Times News

Gujarati News

ભારતીય કંપની નવા કેમિકલથી કોરોનાની રસી વિકસાવી રહી છે

નવી દિલ્હી, ભારતમાં કોરોનાના દૈનિક એક લાખ કેસની નજીક નોંધાઈ રહ્યા છે. કોરોનાની રસી માટે જુદી જુદી કંપનીઓ ટ્રાયલ કરી રહી છે. પીએનબી વેસ્પર દ્વારા વિકસાવવામાં આવી રહેલી વેક્સીનને બીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. કોચીની મેડિસિન એન્ડ રિસર્ચ કંપની પીએનબી વેસ્પરને બીજા તબક્કા ટ્રાયલ્સ માટે ડ્રગ કંટ્રોલરની લીલીઝંડી મળી ગઈ છે. આ રસીની ખાસ વાત એ છે કે કોરોનાની સારવાર માટે સંપૂર્ણ રીતે નવા કેમિકલથી તૈયાર થયેલી વિશ્વની આ સૌપ્રથમ વેક્સીન છે. આ વેક્સીનને પરીક્ષણ માટે પણ મંજૂરી મળી ગઈ છે. ૧૫ વર્ષ જૂની આ કંપનીએ છ નવા પ્રકારના કેમિકલ તૈયાર કર્યા જેમાં સૌથી છેલ્લા કેમિકલનું નામ – પીએનબી૦૦૧ છે. સંશોધનથી જાણવા મળ્યું કે પીએનબી ૦૦૧ એસ્પ્રિનથી ૨૦ ગણું વધારે પ્રભાવી છે અને તેની કોઈ આડઅસર પણ નથી થતી.

આ કેમિકલનો ઉપયોગ કોરોનાની સારવાર માટે કરાઈ રહ્યો છે. આ કેમિકલને પહેલા ફેફસાના કેન્સરના ઉપચાર માટે વિકસાવાયું હતું. કંપનીના માલિક અને મુખ્ય કાર્યકારી અધિકારી પીએન બલરામનું કહેવું છે કે તેમની કંપનીની લેબ બ્રિટનમાં છે. પીએનબી વિશ્વની પ્રથમ કંપની છે જે કોરોના વાયરસ સામે નવા પ્રકારના અણુઓ પર આધારિત દવા તૈયાર કરી રહી છે. કંપનીની રિસર્ચ ટીમમાં છ અમેરિકન, બે બ્રિટિશ, એક જર્મન વિજ્ઞાની છે. પીએનબી ૦૦૧ને વર્ષ ૨૦૩૬ સુધી અમેરિકા, યુરોપ અને એશિયન દેશોમાં પેટન્ટ કરાવાયું છે. પ્રથમ ચરણના પરીક્ષણમાં અમદાવાદમાં ૭૮ દર્દીઓ પર પ્રયોગ કરાયો હતો. જેમાં જાણવા મળ્યું કે પીએનબી ૦૦૧ એસ્પ્રિન કરતા ૨૦ ગણું વધુ પ્રભાવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.