Western Times News

Gujarati News

સપ્તાહની સારવાર બાદ ભાજપ પ્રમુખ પાટીલ હવે કોરોના મુક્ત

ગાંધીનગર: સીઆર પાટીલનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ ખાનગી સારવાર હેઠળ રહેલા પાટીલને આતવીકાલે રજા આપી દેવામાં આવશે. પાટીલે ટ્‌વીટ કરીને જાણકારી આપતા કહ્યું હતું કે તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, અને આવતીકાલે તેમને ડિસ્ચાર્જ મળી જશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાના દર્દી બન્યા છે. તેવામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જંગી રેલીઓ કરનારા પાટીલ પણ તેમાંથી બચી શક્યા નહોતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાટીલનો ગઈકાલે પણ ટેસ્ટ કરાયો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, ઈન્ફેક્શનનું પ્રમાણ ઘટ્યું હતું. પાટીલને ૯ સપ્ટેમ્બરના રોજ તબિયત બગડતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, પાટીલનો વાયરલ લોડ ઓછો હોવાથી તેમની સ્થિતિ ખાસ ચિંતાજનક નહોતી બની. પાંચ દિવસની સારવાર બાદ આજે હવે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

સીઆર પાટીલ પ્રમુખ બન્યા બાદ પોતે કરેલી રેલીઓને કારણે ખાસ્સા ચર્ચામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં થયેલી આ રેલીઓમાં હજારો લોકોની ભીડ ઉમટી હતી, અને તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. આ રેલીઓમાં ભાજપના અનેક કાર્યકરો સાથે નેતાઓએ પણ હાજરી આપી હતી. ઉત્તર ગુજરાતની રેલીમાં તો નીતિન પટેલ પણ પાટીલ સાથે હાજર રહ્યા હતા.
રાજ્યમાં હાલની તારીખે રોજના સરેરાશ ૧૩૦૦ની આસપાર નવા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં મેડિકલ ઓક્સિજનની માગમાં જોરદાર વધારો થતાં તેની કિંમત વધી ગઈ છે, અને હોસ્પિટલોને તેનો સ્ટોક કરવાની તેમજ દર્દીઓને કોઈ તકલીફ ના પડે તેની આગોતરી વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યા પણ ખૂબ જ વધારાઈ છે, અને હાલ રોજના ૭૦ હજારની આસપાસ ટેસ્ટ કરાઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.