Western Times News

Gujarati News

સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ

આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પુનઃ ભરાઈ ગયો છે. મા નર્મદે સર્વદે ખરા અર્થમાં જીવાદોરી સાબિત થઈને ગુજરાતનો સર્વાંગી વિકાસ સાધશે.

વડાપ્રધાનના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ :વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, આજે પુનઃ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ ભરાયો છે અને આજે મા નર્મદા પવિત્ર નીરના ઇ-વધામણાં કર્યા છે. આવનાર બે વર્ષ સુધી મા નર્મદાનું પાણી ગુજરાતના વિકાસને હરણફાળ ગતીથી આગળ વધારીને વિકાસની નવી દિશા કંડારશે.

જળ વિના જીવન નહી અને પાણી વિના વિકાસ નહી. ગુજરાતના વિકાસ માટે આ જીવાદોરી સાબિત થશે. આવનારા દિવસોમાં સરદાર સરોવર આપણા વિકાસની નવી તાકાત બનશે અને મા નર્મદાના આર્શીવાદ ગુજરાતને સદાય મળતાં રહેશે તેવી સૌ ગુજરાતીઓ વતી ભગવાનને પ્રાર્થના કરીને મુખ્યમંત્રીશ્રીએ ડેમ સંપૂર્ણ ભરાવવા બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં ગોલ્ડન બ્રીજની જળ સપાટી ૩૩ ફૂટને પાર

આ પ્રસંગે સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન શ્રી રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહીને શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને સંપૂર્ણ મંત્રોચ્ચાર વિધિ સાથે મા નર્મદાના નીરના વધામણાં કર્યા હતા. શ્રી રાજીવ ગુપ્તાએ આ પ્રસંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ખેડૂતોને સિંચાઇ અને જનતાને પીવાનું પાણી મળી રહે તે માટે વિશેષ ચિંતા કરી છે. મુખ્યમંત્રીશ્રીના સતત માર્ગદર્શનથી આ વર્ષે સરદાર સરોવર ડેમમાં પાણીનો આવરો અડધો હોવા છતાં આપણે આ ડેમ સંપૂર્ણ ભરી શક્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.