Western Times News

Gujarati News

MD ડ્રગ કેસ : મુંબઈનો સપ્લાયર અફાક બાવા કર્ણાટક- મહારાષ્ટ્ર બોર્ડરથી ઝડપાયો

ક્રાઈમબ્રાંચની મોટી સફળતા : અફાકનો પુત્ર ફિદા હાલમાં ફરાર

(પ્રતિનિધિ) અમદાવાદ: થોડાં દિવસ અગાઉ અમદાવાદ બરોડા એક્ષપ્રેસ હાઈવે પરથી ઝડપાયેલા એક કરોડ રૂપિયાના સ્ડ્ઢ ડ્રગ્સના કેસમાં મહારાષ્ટ્રથી એક શખ્સને ઝડપી લેવામાં શહેર ક્રાઈમબ્રાંચને મોટી સફળતા મળી છે. અગાઉ પકડાયેલા આરોપીઓએ મુંબઈના શખ્સનું નામ આપતા ક્રાઈમબ્રાંચે ટીમો બનાવી તેની શોધ હાથ ધરતા મહારાષ્ટ્રનો શખ્સ વારંવાર સ્થળ બદલતો હતો જેની સામે અગાઉ પણ અમદાવાદમાં તથા ડીઆરઆઈમાં પણ ડ્રગ અંગે કેસ નોંધાયેલા છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમદાવાદમાં યુવાનોમાં ડ્રગ્સની લત વધતા તંત્રએ તેને ગંભીરતાપૂર્વક લઈ શહેર ક્રાઈમબ્રાંચને કાર્યવાહીના આદેશો આપ્યા હતા જેના પગલે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ બરોડા એક્ષપ્રેસ હાઈવે પરથી શહેજાદ તેજાબવાલા, મહંમદ આરીફ ઉર્ફે મુન્નો જમાલઉદ્‌ીન કાજી અને દાણીલીમડાના એએસઆઈ ફિરોજખાન મહંમદખાન નાગોરીને એક કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવાયા હતા અને કડક પુછપરછ કરતાં સપ્લાયર તરીકે મુંબઈના અફાક અહેમદ ઉર્ફે અફાક બાવા ઉર્ફે અસ્ફાક બાવા ઉર્ફે આફત બાવાનું નામ સામે આવ્યું હતું.

અગાઉ પણ શહેરમાંથી એમડી ડ્રગ પકડાતા અફાકનું નામ સામે આવ્યું હતું. બીજી વખત તેનું નામ ખૂલતા ક્રાઈમબ્રાંચે આ કેસની અત્યંત ગંભીરતાથી નોંધ લઈ અફાક બાવાની શોધ માટે અલગ અલગ ટીમો રવાના કરી હતી બીજી તરફ અફાક મુંબઈથી ભાગી જઈને મહારાષ્ટ્ર, કર્ણાટક તથા ગોવા રાજયની બોર્ડરે સ્થળ બદલતો રહેતો હતો.

દરમિયાન પીઆઈ જે.એન. ચાવડા તથા પીએસઆઈ એ.પી. જેબલીયાની ટીમને બાતમી મળતા કર્ણાટક તથા મહારાષ્ટ્રની બોર્ડર નજીકથી અફાકને ઝડપી લેવાયો હતો અફાક મૂળ સિંધુદુર્ગ, સાવંતવાડી કિનાળે ગામનો છે જે હાલમાં સીતાફળ વાડી, લાઈટ હાઉસ બિલ્ડીંગ, મજગાંવ, મુંબઈ ખાતે રહે છે.

અગાઉ ર૦૧૯માં પણ અમદાવાદમાં એમડી ડ્રગ્સ પકડાતા અફાક બેલગામ ભાગી ગયો હતો અને લોકડાઉન બાદ તેની બીજી પત્ની તથા બાળકો પાસે કુરૂંદવાડ ખાતે રહેવા લાગ્યો હતો અફાક સામે ડીઆરઆઈ દ્વારા પણ કેસ કરવામાં આવ્યા છે આ કેસમાં સંડોવાયેલો અફાકનો પુત્ર ફિદા હાલમાં ગાયબ છે જેને પકડવા ક્રાઈમબ્રાંચે ચક્રો ગતિમાન કર્યા છે આ કેસની તપાસ પીઆઈ બલોચ કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.