Western Times News

Gujarati News

કચ્છમાં પહેલીવાર માતાનો મઢ નવરાત્રીમાં બંધ રહેશે

કચ્છ: કોરોના કાળમાં તૂટશે ૧૬૦૦ વર્ષની પરંપરા. આશાપુરા માતાના મઢમાં નહીં યોજાય આસો નવરાત્રિ. ક્ચ્છ ધણીયાણી આશાપુરામાંનો મહિમા અપરંપાર છે. નવરાત્રી નજીક આવતા માઇભક્તો કચ્છમાં પગપાળા માતાજીના દર્શન કરવા ક્ચ્છ ભણી આવે છે અને નવરાત્રિમાં તો અહીં ૧૦ લાખ ભાવિકો દર્શનનો લાભ લે છે. જેને ધ્યાનમાં રાખતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે માટે આ વર્ષે ઇતિહાસમાં પહેલી વાર સદીઓની પરંપરા તૂટશે.

આશાપુરા માંની મૂર્તિમાં સાત તેજસ્વી નેત્રો આવેલા છે માનવામાં આવે છે કે જે કોઈને આંખોની રોશનીનાં હોય એ અહીંયા આવીને માતાજીની માનતા રાખે તો આશાપુરા માં જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે. રાજાશાહી સમય દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. કચ્છનો રાજ પરિવાર માતાજીનાં પ્રથમ સેવક માનવામાં આવે છે.

આ મંદિરનાં ગર્ભગૃહમાં અને માતાનાં અલૌકિક સ્વરૂપનાં દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. આશાપુરા તેમના દ્વારે આવતા સૌ ભક્તોની આશા પૂરી કરે છે તેથી જ આશાપુરા નામ કહેવાય છે. આશાપુરાનું દિવ્ય સ્વરૂપ સૌ કોઈને આકર્ષિત કરે છે. પરંતુ કોરોનાના કારણે મંદિરમાં દર્શનનો લાભ નહીં મળી શકે.

હાલ પ્રાંત અધિકારી અને જાગીરના ટ્રસ્ટીઓની બેઠકમાં કોરોનાના સંક્રમણને લઇને ભક્તો માટે મંદિર બંધ રાખવા ર્નિણય લેવાયો છે. આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામા આવ્યું જેમાં ૧૩ થી ૨૫ ઓકટોંબર સુધી દ્વાર બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા માતાના મઢના આ ર્નિણય બાદ અન્ય શક્તિપીઠો પણ આ દિશા તરફ જઈ શકે છે. કારણ કે નવરાત્રિમાં લાખો ભક્તો જો મંદિરમાં દર્શન માટે એકઠા થાય તો રાજ્યમાં કોરોના બોમ્બ ફૂટવાની શક્યતાઓ નકારી શકાતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.