Western Times News

Gujarati News

પ્રથમ વખત, માત્ર એક જ દિવસમાં લગભગ 15 લાખ કોવિડ પરીક્ષણો કરવામાં આવ્યા

प्रतिकात्मक

પરીક્ષણોના સંદર્ભે ભારતે નવું શિખર સર કર્યું, આજદિન સુધીમાં સર્વાધિક દૈનિક પરીક્ષણનો આંકડો નોંધાયો- પરીક્ષણોની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ સાથે કુલ પરીક્ષણો 7 કરોડની નજીક પહોંચ્યા

PIB Ahmedabad,  ભારત કોવિડ-19 સામેની જંગમાં ઐતિહાસિક શિખરે પહોંચ્યું છે.સીમાચિહ્નરૂપ સિદ્ધિ સાથે ભારતે પ્રથમ વખત એક જ દિવસમાં કોવિડના લગભગ 15 લાખ પરીક્ષણો કર્યા છે જે આજદિન સુધીમાં દૈનિક પરીક્ષણોનો સર્વાધિક આંકડો છે.

છેલ્લા 24 કલાકમાં 14,92,409 પરીક્ષણો સાથે દેશમાં કોવિડના કુલ પરીક્ષણોની સંખ્યામાં પણ પ્રચંડ વૃદ્ધિ સાથે લગભગ 7 કરોડ(6,89,28,440) સુધી પરીક્ષણોની સંખ્યા પહોંચી ગઇ છે.

દૈનિક પરીક્ષણોની સંખ્યામાં ધરખમ વૃદ્ધિ પરથી દેશમાં પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મક્કમતાપૂર્વક વધારો થઇ રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે. છેલ્લા એક કરોડ પરીક્ષણો માત્ર 9 દિવસમાં જ કરવામાં આવ્યા છે.

આજે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM)ની સંખ્યા વધીને49,948 થઇ ગઇ છે.
પૂરાવા દર્શાવે છે કે, મોટી સંખ્યામાં પરીક્ષણોના કારણે પોઝિટીવિટી દરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે રાજ્યોમાં મોટી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે ત્યાં પોઝિટીવિટી દરમાં તબક્કાવાર ઘટાડો નોંધાઇ રહ્યો છે.

આજે રાષ્ટ્રીય સંકલિત પોઝિટીવિટી દર 8.44% સુધી પહોંચી ગયો છે. પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તરણ સાથે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની દૈનિક પરીક્ષણની સંખ્યામાં વધારો થયો છે. 23 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ (49,948) કરતાં વધારે છે.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં સૌથી વધુ કેસોનું ભારણ ધરાવતા 7રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી તેના આધારે પુનરુચ્ચાર કર્યો હતો કે, પરીક્ષણો એ કોવિડ પ્રતિભાવ અને વ્યવસ્થાપનનો અભિન્ન આધારસ્તંભ રચે છે. કેન્દ્રની ત્રિ-સ્તરીય ‘ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ’ની વ્યૂહનીતિનો પ્રારંભ પરીક્ષણો સાથે જ થયો હતો.

કેન્દ્ર સરકારના ચેઝ ધ વાયરસ અભિગમનો મૂળ ઉદ્દેશ પરીક્ષણો દ્વારા એવી તમામ વ્યક્તિને ઓળખી કાઢવાનો છે જે સંક્રમિત છે પરંતુ તેમના વિશે જાણ નથી જેથી આ વાયરસનું વધુ સંક્રમણ ફેલાતું રોકી શકાય. પરીક્ષણોનો વ્યાપ વધુ વિસ્તારવા માટે અને સમગ્ર દેશમાં તમામ લોકોને સરળતાથી તેમજ વધુ સારી રીતે પરીક્ષણોની ઉપલબ્ધતા થાય તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે  સુધારેલા માપદંડો સાથે કેટલાંક પગલાં લીધા છે.
મોટી સંખ્યામાં પરીક્ષણો થઇ શકે તે માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કેટલીક લવચિકતાઓ સાથે સશક્ત બનાવવામાં આવ્યા છે. તેમને સલાહ આપવામાં આવી છે કે, જેમનામાં લક્ષણો દેખાતા હોય તેવી કોઇપણ વ્યક્તિને જો એન્ટીજેન ટેસ્ટ નેગેટિવ આવે તો પણ તેમનું ફરજિયાતપણે RT-PCR પરીક્ષણ કરવું જોઇએ.

નિદાન માટેની લેબોરેટરીના નેટવર્કમાં વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી પરીક્ષણોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.

આજે પરીક્ષણોની લેબોરેટરીનું નેટવર્ક વધીને 1818 લેબ સુધી પહોંચી ગયું છે જેમાં 1084 લેબ સરકારી ક્ષેત્રની અને 734 લેબ ખાનગી ક્ષેત્રની છે. આની વિગતો નીચે પ્રમાણે છે:

• રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણ લેબ: 923 (સરકારી: 478 + ખાનગી: 445)

• TrueNat આધારિત પરીક્ષણ લેબ : 769 (સરકારી: 572 +ખાનગી: 197)

• CBNAAT આધારિત પરીક્ષણ લેબ : 126.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.