Western Times News

Gujarati News

સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હીને ૧૫ રનથી હરાવ્યું

દુબઈ: બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ૨૦૨૦ની ૧૧મી મેચમાં દિલ્હી કેપિટલ્સને ૧૫ રનથી હરાવી લીગમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો. હૈદરાબાદના ૧૬૩ રનના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૪૭ રન જ બનાવી શકી.

દિલ્હી માટે શિખર ધવને સૌથી વધુ અને રિષભ પંત ૨૮ રન બનાવ્યા પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યા. હૈદરાબાદ માટે રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતા ૪ ઓવરમાં ૧૪ રન આપી ૩ જ્યારે ભુવનેશ્વર કુમારે ૨૫ રન આપી બે વિકેટ ઝડપી હતી.

૧૬૩ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી. ઓપનર પૃથ્વી શૉ (૨) પ્રથમ ઓવરમાં જ ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો. અહીંથી જ દિલ્હી ટીમ પ્રેશરમાં આવી ગઈ અને હૈદરાબાદના બોલર્સ સકંજો કસી લીધો હતો.

શ્રેયસ ઐયર અને શિખર ધવન વચ્ચે બીજી વિકેટ માટે ૪૦ રનની પાર્ટનરશિપ થઈ પણ રનગતિ ખૂબ જ ધીમી થઈ ગઈ. ઐયર અને ધવન ઝડપી રન બનાવવાના ચક્કરમાં આઉટ થયા. બાદમાં રિષભ પંત અને શિમરોન હેટમાયર (૨૨)એ થોડા અંશે પ્રતિકાર કર્યો

પરંતુ હૈદરાબાદની ચુસ્ત બોલિંગ સામે તેઓ પણ પોતાની વિકેટ આપી બેેઠા. ૨૦ ઓવરના અંતે દિલ્હીની ટીમ ૭ વિકેટે ૧૪૭ રન બનાવી શકી અને મેચ ૧૫ રનથી હારી ગઈ. આ લીગમાં દિલ્હીની આ પ્રથમ હાર છે. શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટિંગમાં ઉતાર્યું હતું.

હૈદરાબાદએ ધીમી છતાં મક્કમ શરૂઆત કરી હતી. બાદમાં કેપ્ટન ડેવિડ વૉર્નર અને જ્હોની બેરસ્ટોએ ધીમે-ધીમે સ્પીડ વધારી હતી. બંનેએ ૯.૩ ઓવરમાં ૭૭ રનની ભાગીદારી નોંધાવી હતી. વૉર્ન પાંચ રન માટે હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો. તેણે ૩૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૫ રન બનાવ્યા. ૧૦મી ઓવરમાં તેને આઉટ કર્યા બાદ અમિત મિશ્રાએ ૧૨મી ઓવરમાં મનીષ પાંડે (૩)ને આઉટ કરી હૈદરાબાદને પ્રેશરમાં લાવી દીધું હતું.

આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા કેન વિલિયમ્સને બાજી સંભાળી લેતા હૈદરાબાદની ઈનિંગની સ્થિરતા આપી સ્કોરને આગળ ધપાવ્યો હતો. બેરસ્ટોએ પોતાના પરિચિત અંદાજથી વિપરિત આજે ખૂબ ધીમી બેટિંગ કરી. તેણે ૫૩ રન બનાવવા માટે ૪૮ બોલનો સામનો કર્યો.

બીજી તરફ વિલિયમ્સને ઝડપી રમત દેખાડી અને ૨૬ બોલમાં ૫ ચોગ્ગાની મદદથી ૪૧ રન બનાવ્યા. તેની આ ઈનિંગની મદદથી હૈદરાબાદ ૧૬૦ની પાર નીકળી શક્યું. દિલ્હીએ ચુસ્ત બોલિંગ કરતા હૈદરાબાદના બેટ્‌સમેનોને બાંધી ને રાખ્યા. અમિત મિશ્રાએ ચાર ઓવરમાં ૩૫ જ્યારે કગિસો રબાડાએ ૪ ઓવરમાં માત્ર ૨૧ રન આપી બે-બે વિકેટો ઝડપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.